દુશ્મનો આવ્યાનું સાંભળીને સર્વ સેના સહિત બહાર નીકળ્યા. બન્ને સેના વચ્ચે ભયંકર
યુદ્ધ થયું. મહેન્દ્ર રથમાં ચડયા, માથે છત્ર ફરતું હતું, ધનુષ ચઢાવીને તે હનુમાન સામે
આવ્યા, હનુમાને ત્રણ બાણો વડે તેનું ધનુષ છેદી નાખ્યું, જેમ યોગીશ્વર ત્રણ ગુપ્તિથી
માનને છેદે છે. પછી મહેન્દ્રે બીજું ધનુષ લેવાની તૈયારી કરી તે પહેલાં જ બાણોથી તેના
ઘોડા રથથી છૂટા કરી દીધા તેથી તે રથની આસપાસ ફરવા લાગ્યા, જેમ મનથી પ્રેરેલી
ઇન્દ્રિયો વિષયોમાં ભમે છે તેમ. પછી મહેન્દ્રનો પુત્ર વિમાનમાં બેસીને હનુમાન સામે
આવ્યો ત્યારે તેની અને હનુમાનની વચ્ચે બાણ, ચક્ર, કનક ઇત્યાદિ અનેક આયુધોથી
પરસ્પર મહાન યુદ્ધ થયું. હનુમાને પોતાની વિદ્યાથી તેનાં શસ્ત્રો જેમ યોગીશ્વર
આત્મચિંતવનથી પરીષહોને રોકે તેમ રોકી દીધાં. તેણે અનેક શસ્ત્રો ચલાવ્યાં, તેમાંથી
હનુમાનને એકેય ન લાગ્યું, જેમ મુનિને કામનું એક પણ બાણ લાગતું નથી. જેમ ઘાસનો
ઢગલો અગ્નિમાં ભસ્મ થઈ જાય તેમ મહેન્દ્રના પુત્રનાં સર્વ શસ્ત્રો હનુમાન પર નિષ્ફળ
ગયાં. અને હનુમાને તેને જેમ ગરુડ સર્પને પકડે તેમ પકડી લીધો. રાજા મહેન્દ્ર પોતાના
મહારથી પુત્રને પકડાયેલો જોઈને અત્યંત ક્રોધાયમાન થઈને હનુમાન પર ઘસ્યો, જેમ
સાહસગતિ રામ પર આવ્યો હતો. હનુમાન પણ ધનુષ લઈને સૂર્યના રથ સમાન રથ પર
ચડયા. જેની છાતી પર મનોહર હાર છે, શૂરવીરોમાં જે મહાશૂરવીર છે તે નાનાની
સન્મુખ આવ્યા. બન્ને વચ્ચે કરવત, કુહાડા, ખડ્ગ, બાણ આદિ અનેક શસ્ત્રોથી પવન
અને મેઘની જેમ મહાન યુદ્ધ થયું. બન્ને સિંહ સમાન ઉદ્ધત, કોપના ભરેલા, અગ્નિના કણ
સમાન લાલ નેત્રવાળા, અજગર સમાન ભયાનક અવાજ કરતા, પરસ્પર શસ્ત્રો
ચલાવતા, ગર્વ અને હાસ્યથી યુક્ત જેમનો શબ્દો છે, પરસ્પર કહે છે-ધિક્કર તારા
શૂરવીરપણાને! તું યુદ્ધ કરવાનું શું જાણે? ઇત્યાદિ વચનો પરસ્પર બોલવા લાગ્યાં. બન્ને
વિદ્યાબળથી યુક્ત ઘોર યુદ્ધ કરતા વારંવાર પોતાના પક્ષના માણસો દ્વારા હાહાકાર અને
જયજયકારાદિના અવાજો કરાવવા લાગ્યા. રાજા મહેન્દ્ર વિક્રિયાશક્તિનો ધારક, ક્રોધથી
જેનું શરીર જલી રહ્યું છે તે હનુમાન પર આયુધો ફેંકવા લાગ્યો, ભુષુંડી, ફરસી, બાણ,
શતઘ્ની, મુદ્ગળ, ગદા, પર્વતનાં શિખર, સાલવૃક્ષ, વડવૃક્ષ ઇત્યાદિ અનેક આયુધ મહેન્દ્રે
હનુમાન પર ફેંક્યા, તો પણ હનુમાન વ્યાકુળતા ન પામ્યા, જેમ ગિરિરાજ મહામેઘના
સમૂહથી કંપાયમાન થતો નથી. મહેન્દ્રે જેટલાં બાણ ફેંક્યાં તે બધાં હનુમાને પોતાની
વિદ્યાના પ્રભાવથી નિષ્ફળ કરી નાખ્યાં, પછી પોતાના રથમાંથી ઊછળીને મહેન્દ્રના રથમાં
જઈને પડયા; દિગ્ગજની સૂંઢ જેવા પોતાના હાથથી મહેન્દ્રને પકડી લીધો અને પોતાના
રથમાં લાવ્યા. શૂરવીરો દ્વારા જીતધ્વનિ થયો, બધા લોકો પ્રશંસા કરવા લાગ્યા. રાજા
મહેન્દ્ર હનુમાનને મહા બળવાન પરમ ઉદયરૂપ જોઈને અત્યંત સૌમ્ય વાણીથી પ્રશંસા
કરવા લાગ્યા કે હે પુત્ર! અમે તારો જે મહિમા સાંભળ્યો હતો તે પ્રત્યક્ષ જોયો. મારા પુત્ર
પ્રસન્નકીર્તિને તો અત્યાર સુધી કોઈએ જીત્યો નહોતો, રથનૂપુરના સ્વામી રાજા ઇન્દ્રથી
પણ તે જિતાયો નહોતો, વિજ્યાર્ધગિરિના નિવાસી વિદ્યાધરોમાં