હોય. અનેક આકાર ધારતી વક્રતા સંયુક્ત અતિભયંકર સર્વભક્ષી પૂતળી જોઈ, જ્યાં દેવ
પણ પ્રવેશ કરી ન શકે. જાજવલ્યમાન તીક્ષ્ણ અગ્રભાગવાળી, કરવતીઓથી મંડિત,
જીભની અણીમાંથી લોહી ઓકતા હજારો સર્પો જ્યાં ફેણથી વિકરાળ સુસવાટા કરે છે અને
વિષરૂપ અગ્નિકણ વરસે છે, વિષરૂપ ઘુમાડાથી અંધકાર ફેલાઈ ગયો છે. જે કોઈ મૂર્ખ
સુભટપણાના ગર્વથી ઉધ્ધત થઈને પ્રવેશવા જાય તેને માયામયી સર્પો દેડકાને ગળે તેમ
ગળી જાય છે. લંકાના કોટનું મંડળ જ્યોતિષચક્રથી પણ ઊંચું, સર્વ દિશાઓથી દુર્લંઘ્ય,
જોઈ ન શકાય તેવું, પ્રલયકાળના મેઘ સમાન ભયંકર અવાજોવાળું અને હિંસારૂપ ગ્રંથોની
જેમ અત્યંત પાપકર્મોથી રચાયેલું છે તેને જોઈ હનુમાન વિચારવા લાગ્યા કે આ માયામયી
કોટ રાક્ષસોના નાથે રચ્યો છે. તેમાં પોતાની વિદ્યાની ચતુરાઈ બતાવી છે. હવે હું
વિદ્યાબળથી એને ઉપાડી લઈને રાક્ષસોનો મદ ઉતારી નાખું, જેમ આત્મધ્યાની મુનિ
મોહમદનું હરણ કરે છે. પછી હનુમાને યુદ્ધની ઇચ્છા કરીને સમુદ્ર જેવી પોતાની સેનાને
આકાશમાં રોકી લીધી અને પોતે વિદ્યામયી બખ્તર પહેરીને હાથમાં ગદા લઈને માયામયી
પૂતળીના મુખમાં પ્રવેશ્યા જેમ રાહુના મુખમાં સૂર્ય પ્રવેશે. તે માયામયી પૂતળીનું પડખું એ
અંધકાર ભરેલી પર્વતની ગુફા હતી તેને નરિસંહરૂપ પોતે તીક્ષ્ણ નખોથી ચીરી નાખી.
પછી ગદાના પ્રહારથી કોટના ચૂરા કરી નાખ્યા, જેમ શુક્લધ્યાની મુનિ નિર્મળ ભાવો વડે
ઘાતિયા કર્મની સ્થિતિ ચૂર્ણ કરે છે.
પછી પ્રલયકાળના મેઘ સમાન ભયંકર અવાજ થયો. માયામયી કોટને વિખરાયેલો જોઈને
કોટનો અધિકારી વજ્રમુખ અત્યંત ક્રોધે ભરાઈને તરત જ રથ પર બેસીને વિના વિચાર્યે
હનુમાનને મારવા દોડયો, જેમ સિંહ અગ્નિ તરફ દોડે. તેને આવતો જોઈને પવનપુત્ર યુદ્ધ
કરવા તૈયાર થયા. બન્ને સેનાના પ્રચંડ યોદ્ધા નાના પ્રકારનાં વાહનો પર ચડી અનેક
પ્રકારનાં આયુધોથી પરસ્પર લડવા લાગ્યા. ઘણું કહેવાથી શું? સ્વામીના માટે એવું યુદ્ધ
થયું જેવું માન અને માર્દવ વચ્ચે થાય. પોતપોતાના સ્વામીની દ્રષ્ટિએ યોદ્ધાઓ ગાજી
ગાજીને યુદ્ધ કરવા લાગ્યા. તેમને જીવનમાં પ્રેમ રહ્યો નહોતો. હનુમાનના સુભટો દ્વારા
વજ્રમુખના યોદ્ધા ક્ષણમાત્રમાં દશે દિશામાં ભાગી થયા. હનુમાને સૂર્યથીયે અધિક
જ્યોતિવાળા ચક્રથી વજ્રમુખનું શિર પૃથ્વી પર રેડવી દીધું. આ સામાન્ય ચક્ર છે, ચક્રી
અને અર્ધચક્રીની પાસે સુદર્શનચક્ર હોય છે. યુદ્ધમાં પિતાનું મરણ થયું જોઈને લંકાસુંદરી
વજ્રમુખની પુત્રી પિતાના શોકથી ઉપજેલા કષ્ટને રોકીને, ક્રોધરૂપ વિષથી ભરેલી, તેજ
તુરંગ જોડેલા રથ પર બેઠી. તેનું મુખ કુંડળના પ્રકાશથી ચમકતું હતું, ભ્રમર વાંકી હતી,
ઉલ્કાપાત જેવી ક્રોધથી લાલ આંખો કરતી, ક્રૂરતાથી પોતાના અધરને કરડતી હનુમાન
તરફ દોડી ને કહ્યું, હે દુષ્ટ! હું તને જોઈ લઉં છું, જો તારામાં શક્તિ હોય તો મારી સાથે
યુદ્ધ કર જે ક્રોધે ભરાયેલો