સ્થાનમાં આવ્યો છો, આમ બોલતી તે શીઘ્રતાથી આવી. આવતાં જ તેણે હનુમાનનુ છત્ર
ઉડાવી દીધું એટલે તેણે બાણોથી એનું ધનુષ તોડી નાખ્યું. એ શક્તિ લઈને ચલાવવા જાય
તે પહેલાં હનુમાને વચમાં જ શક્તિ તોડી નાખી. પછી તે વિદ્યાબળથી ગંભીર વજ્રદંડ
જેવાં બાણ, ફરસી, બરછી, ચક્ર, શતઘ્ની, મૂશળ, શિલા ઇત્યાદિ વાયુપુત્રના રથ ઉપર
વરસાવવા લાગી, જેમ મેઘમાળા પર્વત પર જળની ધારા વરસાવે છે. જાતજાતનાં
આયુધોથી તેણે હનુમાનને ધેરી લીધો, જેમ મેઘપટલ સૂર્યને આચ્છાદિત કરે. વિદ્યાની સર્વ
વિધિઓમાં પ્રવીણ હનુમાને શત્રુઓના સમૂહને પોતાનાં શસ્ત્રોથી પોતાની પાસે ન આવવા
દીધા, તોમરાદિક બાણથી તોમરાદિક રોક્યા અને શક્તિથી શક્તિને રોકી. આ પ્રમાણે
પરસ્પર તુમુલ યુદ્ધ થયું. આનાં બાણ એણે રોક્યાં અને એનાં બાણ આણે રોક્યાં, ઘણા
સમય સુધી યુદ્ધ ચાલ્યું. પણ કોઈ હાર્યું નહિ.
કામનાં બાણ મર્મને વિદારનારાં છે. લંકાસુંદરી સાક્ષાત્ લક્ષ્મી સમાન, રૂપવતી,
કમળલોચન, સૌભાગ્ય ગુણોથી ગર્વિત હનુમાનના હૃદયમાં પ્રવેશ કરવા લાગી, જેના કાન
સુધીના બાણરૂપ તીક્ષ્ણ કટાક્ષ નેત્રરૂપ ધનુષથી નીકળેલા જ્ઞાન-ધૈર્યને હરનારા, દુર્દ્ધર
મનને ભેદનારા, પોતાનાં લાવણ્યથી સૌન્દર્યને હરનાર છે. ત્યારે હનુમાન મોહિત થઈ
મનમાં વિચારવા લાગ્યા કે આ મનોહર આકૃતિ બહારથી મને વિદ્યાબાણ અને સામાન્ય
બાણથી ભેદે છે અને અભ્યંતરમાં મારા મનને કામના બાણથી વીંધે છે. એ મને બાહ્યથી
અને અંતરથી હણે છે, તન અને મનને પીડે છે, આ યુદ્ધમાં એનાં બાણથી મૃત્યુ થાય તો
સારું, પરંતુ એના વિના સ્વર્ગમાં જીવન ભલું નથી, આમ પવનપુત્ર મોહિત થયો. તે
લંકાસુંદરી પણ એનું રૂપ જોઈ મોહિત થઈ, ક્રૂરતારહિત, કરુણાસભર તેનું ચિત્ત બન્યું છે.
પછી હનુમાનને મારવા માટે જે શક્તિ હાથમાં લીધી હતી તે તરત જ હાથમાંથી ધરતી
પર ફેંકી દીધી, હનુમાન પર ન ચલાવી. હનુમાનનું તન અને મન પ્રફુલ્લ છે, કમળદલ
સમાન નેત્ર છે, પૂર્ણમાસીના ચંદ્ર જેવું મુખ છે, મુકુટમાં વાનરનું ચિહ્ન છે અને સાક્ષાત્
કામદેવ છે. લંકાસુંદરી મનમાં ચિંતવવા લાગી કે આણે મારા પિતાને માર્યા તે મોટો
અપરાધ કર્યો છે. જોકે તે દુશ્મન છે તો પણ અનુપમ રૂપથી મારા મનને હરે છે. જો
આની સાથે કામભોગ ન ભોગવું તો મારો જન્મ નિષ્ફળ છે. પછી વિહ્વળ થઈને એક
પત્રમાં પોતાનું નામ લખી તે પત્ર બાણ સાથે જોડી બાણ ફેંક્યું. તેમાં એ લખાણ હતું કે
હે નાથ! દેવોના સમૂહથી ન જિતાઉં એવી હું તમારાં કામબાણથી જિતાઈ ગઈ છું. આ
પત્ર વાંચી હનુમાન પ્રસન્ન થઈ રથ પરથી નીચે ઊતરી તેને મળ્યા, જેમ કામ રતિને
મળે. તેનું વેર શાંત થઈ ગયું, પિતાના મરણથી શોકરત થઈ આંસુ સારવા લાગી. ત્યારે
હનુમાને કહ્યું કે હે ચંદ્રવદની! રુદન ન કર. તારો શોક નિવૃત્ત કર. તારા પિતા પરમ
ક્ષત્રિય, મહાશૂરવીર હતા. તેમની એ જ રીત છે કે પોતાના સ્વામીના