લોકો બહાર નીકળ્યા, નગરમાં ઉત્સાહ થયો. જેનું પરાક્રમ ઉદાર છે એવા હનુમાને
નગરમાં પ્રવેશ કર્યો ત્યારે નગરના નરનારીઓને એમને જોવાનો અત્યંત સંભ્રમ થયો,
પોતાનો જ્યાં નિવાસ હતો ત્યાં જઇ સેનાના યોગ્ય પડાવ નખાવ્યા, રાજા સુગ્રીવે બધો
વૃત્તાંત પૂછયો તે તેમને કહ્યો. પછી તે રામ પાસે ગયા. રામ વિચાર કરે છે કે હનુમાન
આવ્યા છે તે એમ કહેશે કે તમારી પ્રિયા સુખેથી જીવે છે. હનુમાને તે જ સમયે આવીને
રામને જોયા. રામ અત્યંત ક્ષીણ, વિયોગરૂપ અગ્નિથી તપ્ત, જેમ હાથી દાવાનળથી વ્યાકુળ
થાય તેમ મહાશોકરૂપ ગર્તમાં પડયા હતા. તેમને હાથ જોડી, નમસ્કાર કરી આનંદિત ચહેરે
સીતાની વાત કહેવા લાગ્યા, જે રહસ્યના સમાચાર કહ્યા હતા તે બધાનું વર્ણન કર્યું અને
શિરનો ચૂડામણિ આપીને નિશ્ચિંત થયા. ચિંતાથી વદનની બીજા જ પ્રકારની છાયા થઈ
ગઈ છે, આંસુ સરી રહ્યાં છે. રામ તેને જોઈને રુદન કરવા લાગ્યા અને ઊભા થઈને
મળ્યા. શ્રી રામ આ પ્રમાણે પૂછે છે કે હે હનુમાન! સાચું કહો, શું મારી સ્ત્રી જીવે છે?
ત્યારે હનુમાને નમસ્કાર કરીને કહ્યું, હે નાથ! જીવે છે અને આપનું ધ્યાન કરે છે. હે
પૃથ્વીપતિ! આપ સુખી થાવ. આપના વિરહથી તે સત્યવતી નિરંતર રુદન કરે છે, નેત્રોના
જળથી ચાતુર્માસ બનાવી દીધું છે, ગુણના સમૂહની નદી એવા સીતાના કેશ વિખરાઈ
ગયા છે, અત્યંત દુઃખી છે અને વારંવાર નિશ્વાસ નાખી ચિંતાના સાગરમાં ડૂબી રહી છે.
સ્વભાવથી જ શરીર દુર્બળ છે અને વિશેષ દુર્બળ થઈ ગઈ છે. રાવણની સ્ત્રીઓ તેને
આરાધે છે, પણ તેમની સાથે સીતા વાતચીત કરતી નથી, નિરંતર તમારું જ ધ્યાન કરે
છે. શરીરના બધા સંસ્કાર છોડી દીધા છે. હે દેવ! તમારી રાણી બહુ દુઃખમાં જીવે છે. હવે
તમારે જે કરવું હોય તે કરો. હનુમાનનાં આ વચન સાંભળી શ્રી રામ ચિંતાતુર થયા,
મુખકમળ કરમાઈ ગયું, દીર્ઘ નિસાસા નાખવા લાગ્યા અને પોતાના જીવનને અનેક પ્રકારે
નિંદવા લાગ્યા. ત્યારે લક્ષ્મણે ધૈર્ય બંધાવ્યું. હે મહાબુદ્ધિ! શોક શા માટે કરો છો? કર્તવ્યમાં
મન લગાડો. લક્ષ્મણે સુગ્રીવને કહ્યું, હે કિહકંધાપતે! તું દીર્ઘસૂત્રી છે (લાંબા લાંબા વિચાર
કર્યા કરે છે.) હવે સીતાના ભાઈ ભામંડળને શીઘ્ર બોલાવ. આપણે રાવણની નગરીમાં
અવશ્ય જવું છે. કાં જહાજ વડે સમુદ્રને તરીએ અથવા હાથ વડે. આ વાત સાંભળી
સિંહનાદ નામનો વિદ્યાધર બોલ્યો, આપ ચતુર, મહાપ્રવીણ થઈને આવી વાત ન કરો.
અમે તો આપની સાથે છીએ, પરંતુ જેમાં બધાનું હિત થાય એવું કાર્ય કરવું જોઈએ.
હનુમાને જઈને લંકાના વનનો નાશ કર્યો અને લંકામાં ઉપદ્રવ કર્યો તેથી રાવણને ક્રોધ
ચડયો છે તેથી આપણું તો મરણ આવ્યું છે. ત્યારે જામવંત બોલ્યો કે તું સિંહ થઈને
હરણની જેમ શા માટે કાયર થાય છે, હવે રાવણ જ ભયરૂપ છે અને તે અન્યાયમાર્ગી છે,