છે તેથી દુરાચારરૂપ સમુદ્રમાં કામરૂપ ભંવરની (વમળની) વચમાં આવીને નરકનાં દુઃખ
ભોગવીશ. હે રાવણ! તું રત્નશ્રવા રાજાના કુળમાં ક્ષયનું કારણ નીચ પુત્ર થયો. તારાથી
રાક્ષસવંશનો નાશ થશે. ભૂતકાળમાં તારા વંશમાં મોટા મોટા મર્યાદાના પાલક પૃથ્વી પર
પૂજ્ય મુક્તિગામી થયા. અને તું તેમના કુળમાં પુલાક એટલે કે ન્યૂન પુરુષ થયો. દુર્બુદ્ધિ
મિત્રને કહેવું નિરર્થક છે. જ્યારે હનુમાને આમ કહ્યું ત્યારે રાવણ ક્રોધથી આરક્ત થઈ
દુર્વચન કહેવા લાગ્યો. આ પાપી મૃત્યુથી ડરતો નથી, વાચાળ છે માટે તરત જ આના
હાથ, પગ, ડોક સાંકળોથી બાંધી અને તેને કુવચનો સંભળાવતાં ગામમાં ફેરવો, ક્રૂર કિંકરો
સાથે ઘેર ઘેર લઈ જઈને કહો કે આ ભૂમિગોચરીઓનો દૂત આવ્યો છે-આને જુઓ અને
કૂતરા અને છોકરાઓ સાથે નગરથી બહાર લઈ જઈ એને ધિક્કારો બાળકો એના તરફ
ધૂળ ઉડાડે અને કૂતરાઓ ભસે એમ આખી નગરીમાં એને આ પ્રમાણે ફેરવો અને દુઃખ
દો. આથી તેઓ રાવણની આજ્ઞા પ્રમાણે કુવચન બોલતાં લઈને નીકળ્યા પણ એ બંધન
તોડાવીને ઊંચો ઊછળ્યો, જેમ યતિ મોહપાશ તોડીને મોક્ષપુરીમાં જાય તેમ. આકાશમાંથી
ઊછળીને તેણે પગની લાતોથી લંકાના મોટા દ્વાર અને નાના દરવાજા તોડી પાડયા.
ઇન્દ્રના મહેલ જેવો રાવણનો મહેલ હનુમાનનાં ચરણોના પ્રહારથી તૂટી ગયો. મહેલની
આસપાસ રત્ન-સુવર્ણનો કોટ હતો તેનો ચૂરો કરી નાખ્યો, જેમ વજ્રપાતથી પર્વત ચૂર્ણ
થઈ જાય તેમ રાવણનાં મકાનો હનુમાનરૂપ વજ્રના પાતથી ચૂર્ણ થઈ ગયાં. આ
હનુમાનના પરાક્રમની વાત સાંભળી સીતાએ પ્રમોદ કર્યો અને હનુમાનને બંધાયેલો
સાંભળીને વિષાદ કર્યો હતો. વજ્રોદરી પાસે બેઠી હતી તેણે કહ્યું, હે દેવી! નકામા શા માટે
રુદન કરો છો, એ સાંકળ તોડાવીને આકાશમાં ચાલ્યા જાય છે તે જુઓ. ત્યારે સીતા
અતિપ્રસન્ન થઈ અને ચિત્તમાં વિચારવા લાગી કે આ હનુમાન મારા સમાચાર પતિ પાસે
જઈને કહેશે, તે આશિષ દેવા અને પુષ્પાંજલિ નાખવા લાગી કે તું સુખરૂપ પહોંચી જજે,
સર્વ ગ્રહો તને સુખરૂપ થાવ, તારાં સકળ વિઘ્નો નાશ પામો, તું ચિરંજીવ થા. આ પ્રમાણે
પરોક્ષ આશિષ દેવા લાગી. પુણ્યાધિકારી હનુમાન જેવા પુરુષો અદ્ભુત આશ્ચર્ય ઉપજાવે
છે. તેમણે પૂર્વજન્મમાં ઉત્કૃષ્ટ તપ, વ્રત આચર્યા છે અને આખા લોકમાં ફેલાયેલ યશના
ધારક છે. જે કામ કોઈથી ન બને તે કરવામાં સમર્થ છે. અને ચિંતવી ન શકાય એવા
આશ્ચર્ય તે ઉપજાવે છે, માટે પંડિતોએ બધું છોડીને ધર્મને ભજવો. નીચકર્મ છે તે અનિષ્ટ
ફળ આપે છે માટે અશુભ કર્મ તજવાં. પરમ સુખના આસ્વાદમાં આસક્ત સુંદર લીલા
કરનાર પ્રાણીઓ સૂર્યના તેજને જીતે છે.
વર્ણન કરનાર ત્રેપનમું પર્વ પૂર્ણ થયું.