રણભેરીના નાદથી સુભટો અત્યંત હર્ષ પામ્યા. બધા સાજ સજીને સ્વામીના હિત માટે
સ્વામીની પાસે આવ્યા. તેમના નામ મારીચ, અમલચંદ્ર, ભાસ્કર, સિંહપ્રભ, હસ્ત, પ્રહસ્ત
ઇત્યાદિ અનેક યોદ્ધા આયુધો સજીને સ્વામી પાસે આવ્યા.
કલ્યાણરૂપ, વર્તમાનમાં કલ્યાણરૂપ એવાં વચન વિભીષણ રાવણને કહેવા લાગ્યા.
વિભીષણ શાસ્ત્રમાં પ્રવીણ છે, મહાચતુર નય પ્રમાણના જાણનાર છે તે ભાઈને શાંત
વચન કહેવા લાગ્યા, હે પ્રભો! તમારી કીર્તિ કુંદપુષ્પ સમાન ઉજ્જવળ, ઇન્દ્ર સમાન પૃથ્વી
પર ફેલાઈ રહી છે, આ કીર્તિ પરસ્ત્રીના નિમિત્તે ક્ષણમાત્રમાં ક્ષય પામશે, જેમ સાંજના
વાદળની રેખા નાશ પામે છે. તેથી હે સ્વામી! હે પરમેશ્વર! અમારા પર પ્રસન્ન થાવ,
શીઘ્ર સીતાને રામ પાસે મોકલો. એમાં દોષ નથી, કેવળ ગુણ જ છે. આપ સુખરૂપ
સમુદ્રમાં નિશ્ચયથી રહો. હૈ વિચક્ષણ! જે ન્યાયરૂપ મહાભોગ છે તે બધા તમારે સ્વાધીન
છે. શ્રી રામ અહીં આવ્યા છે મહાન પુરુષ છે, તમારા સમાન છે, જાનકીને તેમની પાસે
મોકલી દો. પોતાની વસ્તુ જ સર્વ પ્રકારે પ્રશંસાયોગ્ય છે, પરવસ્તુ પ્રશંસાયોગ્ય નથી.
વિભીષણનાં આ વચન સાંભળી રાવણનો પુત્ર ઇન્દ્રજિત પિતાના ચિત્તની વૃત્તિ જાણીને
વિભીષણને કહેવા લાગ્યો, સાધો! તમને કોણે પૂછયું અને કોણે અધિકાર આપ્યો છે કે
જેથી આમ ઉન્મત્તની જેમ વચન કહો છો. તમે અત્યંત કાયર છો અને દીન લોકોની પેઠે
યુદ્ધથી ડરો છો તો તમારા ઘરના દરમાં બેસી રહો. આવી વાતોથી શો લાભ? આવું
દુર્લભ સ્ત્રીરત્ન મેળવીને મૂઢની જેમ તેને કોણ છોડી દે? તમે શા માટે વૃથા બકવાશ કરો
છો? જે સ્ત્રીના અર્થે સુભટો સંગ્રામમાં તીક્ષ્ણ ખડ્ગની ધારાથી મહાશત્રુઓને જીતીને વીર
લક્ષ્મી ભુજાઓ વડે ઉપાર્જે છે તેમને કાયરતા શેની? કેવો છે સંગ્રામ? જાણે કે હાથીઓના
સમૂહથી જ્યાં અંધકાર થઈ રહ્યો છે અને નાના પ્રકારનાં શસ્ત્રોના સમૂહ ચાલે છે.
ઇન્દ્રજીત અત્યંત માનથી ભરેલો છે અને જિનશાસનથી વિમુખ છે. ઇન્દ્રજિતનાં આ વચન
સાંભળીને ઇન્દ્રજિતનો તિરસ્કાર કરતો વિભીષણ બોલ્યો, રે પાપી! અન્યાયમાર્ગી, શું તું
પુત્ર નામનો શત્રુ છે? તને ઠંડો વાયુ ઉત્પન્ન થયો છે, પોતાનું હિત જાણતો નથી, શીત
વાયુની પીડા અને ઉપાય છોડીને શીતળ જળમાં પ્રવેશ કરે તો પોતાના પ્રાણ ખોવે. ઘરમાં
આગ લાગી હોય ત્યારે અગ્નિમાં સૂકાં લાકડાં નાખે તો કુશળ ક્યાંથી થાય? અહો,
મોહરૂપ ગ્રાહથી તું પીડિત છે, તારી ચેષ્ટા વિપરીત છે, આ સ્વર્ણમયી લંકાના દેવવિમાન
જેવાં ઘર લક્ષ્મણના તીક્ષ્ણ બાણોથી ચૂર્ણ થઈ જાય ત્યાર પહેલાં જનકસુતાને, જે પતિવ્રતા
છે તેને રામ પાસે મોકલી દો, સર્વ લોકના કલ્યાણ અર્થે સીતાને તરત જ મોકલી દેવી
યોગ્ય છે. કુબુદ્ધિવાળા તારા બાપે આ સીતા લંકામાં નથી દાખલ કરી,