દ્વીપ સુધી વચ્ચેના અસંખ્યાત દ્વીપસમુદ્રોમાં જઘન્ય ભોગભૂમિમાં સદા ત્રીજા કાળની રીતિ
હોય છે અને છેલ્લા અર્ધા દ્વીપમાં તથા છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રમાં અને ચારે ખૂણામાં
દુષમ અર્થાત્ પંચમ કાળની રીતિ સદા રહે છે. નરકમાં દુષમાદુષમા જે છઠ્ઠો કાળ છે, તેની
રીત રહે છે. ભરત ઐરાવત ક્ષેત્રોમાં છયે કાળ પ્રવર્તે છે. જ્યારે સુષમાસુષમા કાળ પ્રવર્તે
છે ત્યારે અહીં દેવકુરુ ઉત્તરકુરૂ ભોગભૂમિની રચના હોય છે. કલ્પવૃક્ષોથી મંડિત ભૂમિ
સુખમય શોભે છે, મનુષ્યનાં શરીર ત્રણ કોશ ઊંચા હોય છે, બધાય મનુષ્યો તથા
તિર્યંચોનું આયુષ્ય ત્રણ પલ્યનું હોય છે, મનુષ્યની કાંતિ ઉગતા સૂર્ય સમાન હોય છે. સર્વ
શુભ લક્ષણોથી યુક્ત લોકો શોભે છે, સ્ત્રીપુરુષનું યુગલ જ જન્મે છે અને સાથે જ મરે છે,
સ્ત્રીપુરુષો વચ્ચે અત્યંત પ્રીતિ હોય છે, તે મરીને દેવગતિ પામે છે. ભૂમિ કાળા પ્રભાવથી
રત્નસુવર્ણમય હોય છે, દશ જાતિની કલ્પવૃક્ષો બધી જ મનોકામનાઓ પૂરી કરે છે. ત્યાં
ચારચાર આંગળના અત્યંત સુગંધી, મિષ્ટ અને કોમળ તૃણથી ભૂમિ આચ્છાદિત હોય છે,
વૃક્ષો સર્વ ઋતુનાં ફળફૂલોથી શોભે છે, ત્યાં હાથી, ઘોડા, ગાય, ભેંસ વગેરે અનેક જાતના
પશુઓ સુખેથી રહે છે. મનુષ્યો કલ્પવૃક્ષથી ઉત્પન્ન થયેલ મહામનોહર ફળોનો આહાર કરે
છે. ત્યાં સિંહાદિક પણ ક્રૂર નથી, માંસનો આહાર હોતો નથી, યોગ્ય આહાર કરે છે. ત્યાં
વાવ સુર્વણ અને રત્નોનાં પગથિયાથી શોભતી, કમળોવાળી, દૂધ, દહીં, ઘી મિષ્ટાન્નથી
ભરેલી અત્યંત શોભે છે. પહાડો અત્યંત ઊંચા, જુદાજુદા પ્રકારનાં રત્નોના કિરણોથી
મનોજ્ઞ લાગતા, સર્વ પ્રાણીઓને સુખ આપતા પંચ પ્રકારના વર્ણથી શોભે છે. નદીઓ
જળચરાદિ જંતુઓથી રહિત દૂધ, ઘી, મિષ્ટાન્ન અને જળથી ભરેલી, અત્યંત સ્વાદસંયુક્ત
પ્રવાહરૂપ વહે છે. તેના કિનારા રત્નોની જ્યોતથી ઝગમગે છે. તેમાં બે ઈન્દ્રિય, ત્રિન્દ્રિય,
ચતુરીન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તથા જળચરાદિ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ નથી. ત્યાં સ્થળચર,
નભચર, ગર્ભજ તિર્યંચ છે તે તિર્યંચ પણ યુગલ જ જન્મે છે. ત્યાં શીત, ઉષ્ણતા, વર્ષા કે
તીવ્ર પવન હોતાં નથી. શીતળ, મંદ, સુગંધી પવન વાય છે અને કોઈ પ્રકારનો ભય નથી,
સદા અદ્ભુત ઉત્સાહ જ રહે છે. ત્યાં જ્યોતિરાંગ જાતિના કલ્પવૃક્ષની જ્યોતિને કારણે
ચન્દ્ર-સૂર્ય દેખાતા નથી. દસ જાતનાં કલ્પવૃક્ષ સર્વ ઈન્દ્રિયોના સુખ આપનારા શોભે છે.
ત્યાં ભોજન, પાન, સૂવું, બેસવું, વસ્ત્રાભૂષણ, સુગંધાદિક બધું જ કલ્પવૃક્ષથી ઉપજે છે.
આ કલ્પવૃક્ષ વનસ્પતિકાય નથી અને દેવાધિષ્ઠિત પણ નથી, ફકત પૃથ્વીકાયરૂપ ઉત્તમ
વસ્તુ છે. સ્વર્ગલોકમાં દેવ રમે તેમ ત્યાં મનુષ્યોના યુગલ રમે છે. આ પ્રમાણે ગણધરદેવે
ભોગભૂમિનું વર્ણન કર્યું.
ભોગભૂમિમાં મનુષ્ય થાય છે. જેમ સારા ખેતરમાં વાવેલાં બીજ અનેકગણા થઈને ફળે છે અને
શેરડીના સાંઠામાં પ્રવેશેલું જળ મિષ્ટ બને છે, ગાયે પીધેલું જળ દૂધરૂપે પરિણમે છે, તેમ