પ્રાણત્યાગ કરીશ. યોદ્ધાઓના કિંકરોની સ્ત્રીઓ કાયરોની સ્ત્રીઓને ‘ધિક્કાર’ એવા શબ્દ
સંભળાવે, એના જેવું બીજું કષ્ટ કયું હોય? જો તમે છાતીએ ઘા ઝીલીને સારી કીર્તિ
કમાઈને પાછા આવશો તો તમારા ઘા જ આભૂષણ બનશે અને જેનું બખ્તર તૂટી ગયું
હશે અને જેની અનેક યૌદ્ધા સ્તુતિ કરતા હશે, એવી સ્થિતિમાં તમને જો હું જોઈશ તો
મારો જન્મ ધન્ય માનીશ અને સુવર્ણના કમળોથી જિનેશ્વરદેવની પૂજા કરાવીશ. જે યોદ્ધા
રણમાં જઈને મરણ પામે તેમનું જ મરણ ધન્ય છે અને તે યુદ્ધની પરાઙમુખ થઈ ધિક્કાર
શબ્દથી મલિન થઈને જીવે છે તેમના જીવવાથી શો લાભ? કોઈ સ્ત્રી પોતાના સુભટ
પતિને વળગીને આમ કહેતી હતી કે તમે સારા દેખાઈને યશ કમાઈને આવશો તો
અમારા પતિ રહેશો અને જો ભાગીને આવશો તો મારે અને તમારે કોઈ સંબંધ નથી.
કોઈક સ્ત્રી પોતાના પતિને કહેતી હતી કે હે પ્રભો! તમારા જૂના ઘા હવે રુઝાઈ ગયા છે
માટે નવા ઘા લગાવડાવજો, ઘાથી શરીર અતિ શોભે છે. એ દિવસ ક્યારે હશે જ્યારે તમે
વીરલક્ષ્મીના વર બની પ્રફુલ્લ વદને અમારી પાસે આવશો અને અમે તમને આનંદયુક્ત
જોઈએ. તમારી હાર અમે રમતમાં પણ જોઈ નહિ શકીએ તો યુદ્ધમાં તો હાર કેવી રીતે
દેખી શકીએ? અને કોઈ કહેવા લાગી કે હે દેવ! જેમ અમે પ્રેમથી તમારા વદનકમળનો
સ્પર્શ કરીએ છીએ તેમ વક્ષસ્થળમાં લાગેલા ઘા અમે જોઈશું ત્યારે અત્યંત હર્ષ પામશું.
કેટલીક તાજી જ પરણેલી અત્યંત નાની ઉંમરની છે, પરંતુ સંગ્રામમાં પતિને જવા તૈયાર
જોઈને પ્રૌઢા જેવી ભાવના કરવા લાગી. કેટલીક માનવતી ઘણા દિવસોથી માન કરી રહી
હતી તે પતિને સંગ્રામ માટે તૈયાર થયેલ જોઈ માન તજી પતિને ગળે વળગી અને
અત્યંત સ્નેહ બતાવ્યો, યુદ્ધને યોગ્ય શિખામણ પણ આપવા લાગી. કોઈ કમળનયની
પતિનું મુખ ઊંચું કરી સ્નેહની દ્રષ્ટિથી જોવા લાગી અને યુદ્ધમાં દ્રઢ કરવા લાગી. કોઈ
સામંતની સ્ત્રી પતિના વક્ષસ્થળમાં પોતાના નખનું ચિહ્ન કરીને ભાવિ શસ્ત્રોના ઘાનું
જાણે કે સ્થળ કરવા લાગી. આ પ્રમાણે જેમની ચેષ્ટા થઈ રહી છે એવી રાણીઓ,
સામંતની પત્નીઓ પોતાના પ્રીતમ સાથે નાના પ્રકારના સ્નેહપ્રદર્શન વડે વીરરસમાં દ્રઢ
કરવા લાગી. ત્યારે મહાન યુદ્ધ કરનારા યોદ્ધા તેમને કહેવા લાગ્યા, હે પ્રાણવલ્લભે! જે
યુદ્ધમાં પ્રશંસા મેળવે તે જ નર છે તથા યુદ્ધની સન્મુખ પ્રાણ તજે તેમની કીર્તિ શત્રુઓ
પણ ગાય છે અને હાથીના દાંત પર પગ મૂકી શત્રુઓ પર પ્રહાર કરે તેમની કીર્તિ
શત્રુઓ ગાય. પુણ્યના ઉદય વિના આવું સુભટપણું મળતું નથી, હાથીઓના ગંડસ્થળને
વિદારનારા નરસિંહોને જે આનંદ થાય છે તેનું કથન કરવા કોણ સમર્થ છે? હે પ્રાણપ્રિયે!
ક્ષત્રિયનો એ જ ધર્મ છે કે કાયરને ન મારે, શરણાગતને ન મારે, કે ન કોઈને મારવા દે.
જે પીઠ બતાવે તેની ઉપર ઘા ન કરે, જેની પાસે આયુધ ન હોય તેની સાથે યુદ્ધ ન કરે
તેથી અમે બાળક, વૃદ્ધ, દીનને છોડી યોદ્ધાઓના મસ્તક પર તૂટી પડશું, તમે હર્ષથી
રહેજો, અમે યુદ્ધમાં વિજય મેળવીને તમને આવી મળશું. આ પ્રમાણે અનેક વચનો વડે
પોતપોતાની વધૂઓને