ભાવ રાખે નહિ. જેમ અંધકારથી આચ્છાદિત રસ્તા પર આંખોવાળો પુરુષ પણ પૃથ્વી પર
પડેલા સર્પ પર પગ મૂકે છે અને સૂર્યના પ્રકાશથી માર્ગ પ્રગટ થાય ત્યારે આંખોવાળા
સુખપૂર્વક ગમન કરે છે તેમ જ્યાં સુધી મિથ્યારૂપ અંધકારથી માર્ગ અવલોકતા નથી ત્યાં
સુધી નરકાદિ વિવરમાં પડે છે અને જ્યારે જ્ઞાનસૂર્યનો ઉદય થાય ત્યારે સુખેથી
અવિનાશીપુર જઈ પહોંચે છે.
પૂર્વભવનું વર્ણન કરનાર ઓગણસાઠમું પર્વ પૂર્ણ થયું.
અર્ક, જગત્બીભત્સ, નિસ્વન, જ્વર, ઉગ્ર, ક્રમકર, વજ્રાક્ષ, ઘાતનિષ્ઠુર, ગંભીરનાદ, સંનાદ,
ઈત્યાદિ રાક્ષસ પક્ષના યોદ્ધા સિંહ, અશ્વ, રથ આદિ પર ચડીને આવ્યા અને
વાનરવંશીઓની સેનાને ક્ષોભ ઉપજાવવા લાગ્યા. તેમને પ્રબળ જાણી વાનરવંશીઓના
મદન, મદનાંકુર, સંતાપ, પ્રથિત, આક્રોશ, નંદન, દુરિત, અનધ, પુસ્પાસ્ત્ર, વિઘ્ન, પ્રિયંકર,
ઈત્યાદિ યોદ્ધાઓ રાક્ષસો સાથે લડવા લાગ્યા. એમનાં નાના પ્રકારનાં શસ્ત્રોથી પરસ્પર
સંગ્રામ થયો અને આકાશ ઢંકાઈ ગયું. સંતાપ મારીચ સાથે લડતો હતો, પ્રસ્થિત
સિંહજધન સાથે, વિઘ્ન ઉદ્યાન સાથે, આક્રોશ સારણ સાથે, જવર નંદન સાથે એમ
સરખેસરખા યોદ્ધાઓમાં અદ્ભુત યુદ્ધ થયું. મારીચે સંતાપને પાડી દીધો, નંદને જવરની
છાતીમાં બરછી મારી, સિંહકટીએ પ્રથિતને અને ઉદમકીર્તિએ વિઘ્નને હણ્યો. સૂર્યાસ્ત થયો.
પોતાના પતિનું મૃત્યુ સાંભળી તેમની સ્ત્રીઓ શોકસાગરમાં ડૂબી ગઈ, તેમની રાત્રી લાંબી
થઈ ગઈ.
મોટા મોટા સામંતો અને વાનરવંશીઓના સામંતો પરસ્પર જન્માંતરના ઉપાર્જિત વેરથી
ક્રૂદ્ધ થઈ યુદ્ધ કરતા હતા, જીવન પ્રત્યે બેપરવા હતા. સંક્રોધે ક્ષપિતારિને ઊંચા અવાજે
બોલાવ્યો, બાહુબલિએ મૃગારિદમનને બોલાવ્યો, વિતાપીએ વિધિને એ પ્રમાણે અનેક યોદ્ધા
પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. શાર્દૂલે વજ્રોદરને ઘાયલ કર્યો, ક્ષપિતારિએ સંક્રોધને માર્યો,
શંભુએ વિશાલદ્યુતિને માર્યો, સ્વયંભૂએ વિજયને લોઢાની યષ્ટિથી માર્યો, વિધિએ
વિતાપીને ગદાથી માર્યો. ઘણો લાંબો સમય યુદ્ધ થતું રહ્યું.