ગયા. કેટલાક સિંહના રથ પર, કેટલાક ગજના રથ પર, કેટલાક અશ્વના રથપર બેસીને
રાવણની સેના તરફ દોડયા અને તેમણે રાવણની સેનાનો બધી દિશામાં વિધ્વંસ કર્યો.
જેમ ક્ષુધાદિ પરીષહ તુચ્છ વ્રતીઓનાં વ્રતનો ભંગ કરે છે. હવે રાવણ પોતાની સેનાને
વ્યાકુળ જોઈને પોતે યુદ્ધ કરવા તૈયાર થયો. પછી કુંભકર્ણ રાવણને નમસ્કાર કરી પોતે
યુદ્ધ માટે ચાલ્યો. મહાપ્રબળ તેને યુદ્ધમાં અગ્રગામી થયેલો જોઈને સુષેણ આદિ વાનરવંશી
સુભટો વ્યાકુળ બન્યા. જ્યારે ચન્દ્રરશ્મિ, જયસ્કંધ, ચન્દ્રાહુ, રતિવર્ધન, અંગ, અંગદ,
સમ્મેદ, કુમુદ, કશમંડળ, બલી, ચંડ, તરંગસાર, રત્નજટી, જય, વેલક્ષિપી, વસંત, કોલાહલ,
ઈત્યાદિ રામના પક્ષના અનેક યોદ્ધાઓ કુંભકર્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. કુંભકર્ણે તે
બધાને નિદ્રા નામની વિદ્યાથી નિદ્રાને વશ કર્યા. જેમ દર્શનાવરણીય કર્મ દર્શનના પ્રકાશને
રોકે તેમ કુંભકર્ણની વિદ્યા વાનરવંશીઓના નેત્રોના પ્રકાશને રોકવા લાગી. બધા જ
કપિધ્વજ નિદ્રાથી ડોલવા લાગ્યા, તેમના હાથમાંથી હથિયાર પડી ગયાં. આ બધાને
નિદ્રાવશ અચેતન સમાન જોઈને સુગ્રીવે પ્રતિબોધિની વિદ્યા પ્રકાશી આથી બધા
વાનરવંશી જાગ્યા અને હનુમાન આદિ યુદ્ધ માં પ્રવર્ત્યા. વાનરવંશીની સેનામાં ઉત્સાહ
આવ્યો અને રાક્ષસોની સેના દબાઈ તેથી રાવણનો મોટો પુત્ર ઇન્દ્રજિત હાથ જોડી, શિર
નમાવી રાવણને વિનંતી કરવા લાગ્યો. કે હે તાત! જો મારી હાજરી હોવા છતાં આપ યુદ્ધ
માટે જાવ તો મારો જન્મ નિષ્ફળ છે, જો ઘાસ નખથી ઉખડી જતું હોય તો એના પર
ફરસી ઊંચકવાની શી જરૂર છે? માટે આપ નિશ્ચિંત રહો. હું આપની આજ્ઞા પ્રમાણે
કરીશ. આમ કહીને અત્યંત હર્ષથી પર્વત સમાન ત્રૈલોક્યકંટક નામના ગજેન્દ્ર પર ચઢીને
યુદ્ધ માટે ચાલ્યો. ગજેન્દ્ર ઇન્દ્રના ગજ સમાન ઇન્દ્રજિતને અતિપ્રિય છે. પોતાનો બધો
સાજ લઈને મંત્રીઓ સહિત ઇન્દ્ર જેવી ઋદ્ધિવાળો રાવણપુત્ર કપિ પ્રત્યે ક્રુર થયો. તે
મહાબળવાન માની આવતાં જ વાનરવંશીઓનું બળ અનેક પ્રકારના આયુધોથી પૂર્ણ હતું
તેને વિહ્વળ કરી નાખ્યું, સુગ્રીવની સેનામાં એવો કોઈ સુભટ ન રહ્યો જે ઇન્દ્રજિતનાં
બાણોથી ઘાયલ ન થયો હોય. લોકોને ખબર પડી આ ઇન્દ્રજિતકુમાર નથી, અગ્નિકુમારોનો
ઇન્દ્ર છે અથવા સૂર્ય છે. સુગ્રીવ અને ભામંડળ એ બન્ને પોતાની સેનાને દબાયેલી જોઈ
યુદ્ધ કરવા તૈયાર થયા. એમના યોદ્ધા ઇન્દ્રજિતના યોદ્ધાઓ સાથે અને આ બન્ને ઇન્દ્રજિત
સાથે યુદ્ધ કરવા લાગ્યા, શસ્ત્રોથી આકાશમાં અંધકાર થઈ ગયો, યોદ્ધાઓને જીવવાની
આશા નથી. ગજ સાથે ગજ, રથ સાથે રથ, તુરંગ સાથે તુરંગ, સામંતો સાથે સામંતો
ઉત્સાહથી યુદ્ધ કરવા લાગ્યા. પોતપોતાના સ્વામી પ્રત્યેના અનુરાગથી યોદ્ધાઓ પરસ્પર
અનેક આયુધોથી પ્રહાર કરવા લાગ્યા. તે જ સમયે ઇન્દ્રજિત સુગ્રીવની સમીપે આવ્યો.
અને ઊંચા અવાજે દુર્વચન બોલવા લાગ્યો. અને વાનરવંશી પાપી! સ્વામીદ્રોહી! રાવણ
જેવા સ્વામીને છોડીને સ્વામીના શત્રુનો કિંકર થયો. હવે મારી પાસેથી ક્યાં જઈશ? તારું
શિર તીક્ષ્ણ બાણથી તત્કાળ છેદું છું. તે બન્ને ભૂમિગોચરી ભાઈઓ તારું રક્ષણ કરો.
સુગ્રીવે જવાબ આપ્યો. આવાં વૃથા ગર્વના વચનોથી તું શા માટે માનના શિખરે ચડયો
છો? હમણાં જ તારું માનભંગ કરું છું. આથી ઇન્દ્રજિતે ક્રોધથી