પકડવા જાય છે. ત્યાં સુધીમાં હનુમાન તેની ભુજાના ગાળીયામાંથી નીકળી ગયો, જેમ
નવું પકડેલું પક્ષી પીંજરામાંથી નીકળી જાય. હનુમાન નવીન જ્યોતિ ધારણ કરતો અંગદ
સાથે વિમાનમાં બેઠો. બન્ને દેવ જેવા શોભતા હતા. અંગદનો ભાઈ અંગ અને ચંદ્રોદયનો
પુત્ર વિરાધિત એ બન્ને સાથે લક્ષ્મણ, સુગ્રીવ, અને ભામંડળની સેનાને ધૈર્ય આપી રોકવા
લાગ્યા. વિભીષણ ઇન્દ્રજિત અને મેઘવાહન પર ગયો. વિભીષણને આવતો જોઈ ઇન્દ્રજિત
મનમાં વિચારવા લાગ્યો કે જો ન્યાયથી વિચારીએ તો મારા પિતામાં અને આનામાં શું
ભેદ છે? તેથી આની સાથે લડવું ઉચિત નથી માટે એની સામે ઊભા ન રહેવું એ જ
યોગ્ય છે. અને આ બેય ભામંડળ અને સુગ્રીવ નાગપાશમાં બંધાયા છે તે ચોક્કસ મૃત્યુ
પામ્યા હશે અને કાકાથી ભાગીએ તેમાં દોષ નથી, આમ વિચારી બન્ને ભાઈ ન્યાયવેત્તા
વિભીષણથી દૂર ચાલ્યા ગયા જેની પાસે ત્રિશૂળનું આયુધ છે તે વિભીષણ રથમાંથી
ઊતરી સુગ્રીવ ભામંડળની પાસે ગયા. બન્નેને નાગપાશથી મૂર્ચ્છિત જોઈને ખેદખિન્ન
થયા. ત્યારે લક્ષ્મણે રામને કહ્યું, હે નાથ! આ બન્ને વિદ્યાધરોના અધિપતિ મોટી સેનાના
સ્વામી, મહાન શક્તિના ધણી રાવણના પુત્રો દ્રારા શસ્ત્રરહિત થઈને અચેત પડયા છે,
આમના વિના આપ રાવણને કેવી રીતે જીતશો? ત્યારે રામને પુણ્યના ઉદયથી ગરુડેન્દ્રએ
વર આપ્યો હતો તે યાદ કરી લક્ષ્મણને કહેવા લાગ્યા, હે ભાઈ! વંશસ્થળગિરિ પર
દેશભૂષણ-કૂળભૂષણ મુનિનો ઉપસર્ગ નિવાર્યો હતો તે વખતે ગરુડેન્દ્રે વર આપ્યો હતો.
આમ કહી રામે ગરુડેન્દ્રનું ચિંતન કર્યું, તે સુખમાં બેઠો હતો ત્યાં તેનું સિંહાસન કંપ્યું. તે
અવધિજ્ઞાનથી રામ-લક્ષ્મણનું કામ જાણી ચિંતાવેગ નામના દેવને બેય વિદ્યા આપી
મોકલ્યો. તેણે આવી ખૂબ આદરથી રામ-લક્ષ્મણને બેય વિદ્યા આપી. શ્રી રામને
સિંહવાહિની વિદ્યા આપી અને લક્ષ્મણને ગરુડવાહિની વિદ્યા આપી. પછી એ બન્ને વીર
વિદ્યા લઈ ચિંતાવેગનું ખૂબ સન્માન કરી, જિનેન્દ્ર ભગવાનની પૂજા કરવા લાગ્યા.
ગરુડેન્દ્રની ખૂબ પ્રશંસા કરી. પછી દેવે તેમને જળબાણ, અગ્નિબાણ, પવનબાણ, ઈત્યાદિ
અનેક દિવ્ય શસ્ત્રો આપ્યાં અને ચંદ્ર -સૂર્ય જેવા બન્ને ભાઈઓને છત્ર આપ્યા, ચામર
આપ્યા, નાના પ્રકારના કાંતિનાં સમૂહ રત્ન આપ્યા અને લક્ષ્મણને વિદ્યુદ્વક્ર નામની ગદા
આપી તથા રામને દુષ્ટોને ભયના કારણ જેવા હળ-મૂશળ આપ્યા. આ પ્રમાણે તે દેવ
અને દેવોપુનિત શસ્ત્રો આપી સાથે સેંકડો આશિષ આપી પોતાના સ્થાનકે ગયો. આ બધું
ધર્મનું ફળ જાણો, જે સમયને અનુસરીને યોગ્ય વસ્તુની પ્રાપ્તિ થાય છે. જેણે વિધિપૂર્વક
નિર્દોષ ધર્મનું આરાધન કર્યું હોય તેમને માટે આ અનુપમ ફળ છે જે પ્રાપ્ત કરવાથી દુઃખ
મટે છે. મહાવીર્યના ધણી પોતે કુશળરૂપ રહે અને બીજાઓને કુશળરૂપ કરે છે
મનુષ્યલોકની સંપદાની તો શી વાત છે? પુણ્યાધિકારીઓને દેવલોકની વસ્તુ પણ સુલભ
થાય છે તેથી નિરંતર પુણ્ય કરો. અહો, પ્રાણીઓ! જો તમે સુખ ચાહતા હો તો બીજા
પ્રાણીઓને સુખ આપો. જે ધર્મના પ્રસાદથી સૂર્ય સમાન તેજના ધારક થાવ અને
આશ્ચર્યકારી વસ્તુઓનો સંયોગ પ્રાપ્ત કરો.