તે આ લોકમાં પરમ ઉત્સવનો યોગ પામે છે. આ પ્રાણી પોતાના સ્વાર્થથી સંસારમાં
મહિમા પામતો નથી, કેવળ પરમાર્થથી મહિમા થાય છેઃ જેમ સૂર્ય પર પદાર્થને પ્રકાશે તે
પ્રમાણે શોભા પામે છે.
મુક્તિનું નિરૂપણ કરનાર એકસઠમું પર્વ પૂર્ણ થયું.
ગજોની ગર્જના, અશ્વોના હણહણાંટના અવાજ સાંભળી કૈલાસને ઊંચકનાર, પ્રચંડ
બુદ્ધિશાળી, મહામાની, દેવ જેવી વિભૂતિવાળો રાવણ સેનારૂપ સમુદ્રથી સંયુક્ત, શસ્ત્રોના
તેજથી પૃથ્વી પર પ્રકાશ રેલાવતો, પુત્ર અને ભાઈ સહિત લંકામાંથી નીકળી યુદ્ધ માટે
તૈયાર થયો. બન્ને સેનાના યોદ્ધા બખ્તર પહેરી સંગ્રામના અભિલાષી નાના પ્રકારનાં
વાહનોમાં આરૂઢ થઈ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ચક્ર, કરવત, કુહાડા, ધનુષ, બાણ,
ખડ્ગ, લોકયષ્ટિ, વજ્ર, મુદ્ગર, કનક, પરિઘ ઈત્યાદિ આયુધો ચલાવવા લાગ્યા. ઘોડેસવાર
ઘોડેસવારો સાથે, હાથી પર સવાર હાથીના સવારો સાથે, રથના મહાધીર રથીઓ સાથે,
પ્યાદાં પ્યાદાંઓ સાથે લડતાં હતાં. ઘણા વખત પછી વાનરસેના રાક્ષસોના યોદ્ધાઓથી
દબાણી ત્યારે નળ-નીલ સંગ્રામ કરવા લાગ્યા, એમના ઘસારાથી રાક્ષસોની સેના હટી
એટલે લંકેશ્વરના યોદ્ધા સમુદ્રના તરંગો જેવા ચંચળ વિદ્યુદ્વચન, મારીચ, ચન્દ્રાર્ક,
સુખસારણ, કૃતાંત, મૃત્યુ, ભૂતનાદ, સંક્રોધન ઈત્યાદિ પોતાની સેનાને ધૈર્ય આપીને
કપિધ્વજોની સેનાને હટાવવા લાગ્યા. મર્કટવંશી યોદ્ધા પણ રાક્ષસોની સેનાને હણવા
લાગ્યા. પછી રાવણ પોતાની સેનારૂપ સમુદ્રને કપિધ્વજરૂપ કાળાગ્નિથી સુકાતો જોઈને
કોપ કરીને યુદ્ધ કરવા તૈયાર થયા. રાવણરૂપ પ્રલયકાળના પવનથી વાનરવંશી સૂકાં
પાંદડાંની જેમ ઊડવા લાગ્યા ત્યારે મહાન લડવૈયા વિભીષણ તેમને ધૈર્ય બંધાવી તેમની
રક્ષા કરવા પોતે રાવણ સામે યુદ્ધ કરવા આવ્યો. રાવણ નાના ભાઈને યુદ્ધ કરવા આવેલો
જોઈ ક્રોધથી નિરાદરના શબ્દો કહેવા લાગ્યો, અરે બાળક! તું નાનો ભાઈ છે તેથી મારવા
યોગ્ય નથી, મારી સામેથી ખસી જા, હું તને જોવાથી રાજી થતો નથી. વિભીષણે રાવણને
કહ્યું કે કાળના યોગથી તું મારી નજરે પડયો છે, હવે મારી પાસેથી ક્યાં જઈશ? રાવણ
અત્યંત ગુસ્સે થઈ બોલ્યો, હે પુરુષત્વહીન, ધૃષ્ટ, પાપી, કુચેષ્ટા કરનાર! તને ધિક્કાર છે,
તારા જેવા દીનને મારવાથી મને હર્ષ થતો નથી, તું નિર્બળ, રંક, અવધ્ય છે અને તારા
જેવો મૂર્ખ બીજો કોણ છે જે વિદ્યાધરોનું સંતાન હોવા છતાં