મિથ્યાત્વનું સેવન કરે છે. ત્યારે વિભીષણે કહ્યું કે, હે રાવણ! ઘણું બોલવાથી શું લાભ?
તારા હિતની વાત તને કહું છું તો સાંભળ. આટલું થયું છે તો પણ હજી કાંઈ બગડયું
નથી, જો તું તારું કલ્યાણ ચાહતો હોય તો રામ સાથે પ્રીતિ રાખ. સીતા રામને સોંપી દે
અને અભિમાન છોડ. રામને પ્રસન્ન કર, સ્ત્રીના નિમિત્તે આપણા કુળને કલંક ન લગાડ.
જો તું મારું વચન નહિ માને તો લાગે છે કે તારું મૃત્યુ નજીક આવ્યું છે. સમસ્ત
બળવાનોમાં મોહ મહા બળવાન છે, તું મોહથી ઉન્મત્ત થયો છો. ભાઈનાં આ વચન
સાંભળીને રાવણને અત્યંત ક્રોધ ચડયો, તીક્ષ્ણ બાણ લઈને વિભીષણ તરફ દોડયો, બીજા
પણ રથ, ઘોડા અને હાથીના સવારો સ્વામીભક્તિમાં તત્પર ભયંકર યુદ્ધ કરવા લાગ્યા.
વિભીષણે પણ રાવણને આવતો જોઈને અર્ધચન્દ્ર બાણથી રાવણની ધજા ઉડાવી અને
રાવણે ક્રોધથી બાણ ચલાવી વિભીષણનું ધનુષ તોડી નાખ્યું અને હાથમાંથી બાણ પડી
ગયું. પછી વિભીષણે બીજું ધનુષ લઈને બાણ ચલાવ્યું અને રાવણનું ધનુષ તોડયું. આ
પ્રમાણે બન્ને ભાઈ પરસ્પર જોરથી યુદ્ધ કરવા લાગ્યા અને અનેક સામંતોનો ક્ષય થયો.
ત્યારે મહાન યોદ્ધો ઇન્દ્રજિત પિતૃભક્ત, પિતાનો પક્ષ લઈ વિભીષણ ઉપર આવ્યો. તેને
જેમ પર્વત સાગરને રોકે તેમ લક્ષ્મણે રોક્યો. અને શ્રી રામે કુંભકર્ણને ઘેર્યો. સિંહકટિ
સાથે નીલ, શંભુ સાથે નળ, સ્વયંભૂ સાથે દૂર્મતિ, ઘટોદર સાથે દુર્મુખ, શક્રાસન સાથે દુષ્ટ
ચંદ્રનખ સાથે કાલી, ભિન્નાનજન સાથે સ્કન્ધ, વિધ્ન સાથે વિરાધિત, મય સાથે અંગદ,
કુંભકર્ણનો પુત્ર કુંભ સાથે હનુમાનનો પુત્ર, સુમાલી સાથે સુગ્રીવ, કેતુ સાથે ભામંડળ, કામ
સાથે દ્રઢરથ, ક્ષોભ સાથે બુદ્ધ ઈત્યાદિ મોટા મોટા રાજા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા.
બરાબરિયા સુભટો એકબીજાને બોલાવવા લાગ્યા. કોઈ કહે છે, આ મારું શસ્ત્ર આવે છે
તેને સંભાળ. કોઈ કહે છે તું મારી સાથે લડવાને લાયક નથી, બાળક છો, વૃદ્ધ છો, રોગી
છો, નિર્બળ છો, તું જા. કોઈ કહે છે આને છેદો, કોઈ કહે છે બાણ ચલાવો, કોઈ કહે છે
એને મારો, પકડી લ્યો, બાંધો, છોડો, ચૂરા કરી નાખો, ઘા લાગે તેને સહન કરો, પ્રહાર
કરો, આગળ વધો, મૂર્ચ્છિત ન થાવ, સાવધાન થાવ, તું શા માટે ડરે છે, હું તને નહિ
મારું, કાયરોને ન મારશો, ભાગનારાઓને ન મારો, પડેલાને ન મારશો, આયુધરહિત પર
પ્રહાર ન કરવો. રોગથી પિડાયેલાને, મૂર્ચ્છિત, દીન, બાળ, વૃદ્ધ, યતિ, વ્રતી, સ્ત્રી,
શરણાગત, તપસ્વી, પાગલ, પશુપક્ષી ઈત્યાદિને સુભટ મારતા નથી. એ સામંતોની વૃત્તિ
હોય છે. કોઈ પોતાના વંશનાને ભાગતા જોઈ ધિક્કાર શબ્દ કહે છે કે કાયર છે, નષ્ટમતિ
છે, ધ્રુજે છે, ક્યાં જાય છે, ધીરો થા, પોતાના સમૂહમાં ઊભો રહે, તારાથી શું થાય તેમ
છે, તારાથી કોણ ડરે છે? તું ક્ષત્રિય શાનો છે? શૂરા અને કાયરોને ઓળખવાનો સમય
છે. મીઠું મીઠું ભોજન તો ખૂબ કરતા હતા, યથેષ્ટ ભોજન કરતા, હવે યુદ્ધમાં કેમ પાછા
પડો છો? આ પ્રમાણે વીરોની ગર્જના અને વાજિંત્રોના અવાજથી દશે દિશા અવાજમય
બની ગઈ છે અને ઘોડાની ખરીઓની રજથી અંધકાર થઈ