થયા છે, મારી અભિલાષા રામનાં દર્શન કરવાની છે માટે રામનાં દર્શન કરીશ. અને તમે
જે લક્ષ્મણના જીવવાની ઈચ્છા રાખો છો તો હું તેના જીવનનો ઉપાય કહીશ. જ્યારે તેણે
આમ કહ્યું ત્યારે ભામંડળ અતિપ્રસન્ન થઈ દ્વાર પર પોતાના જેવા જ બીજા સુભટને
મૂકીને તેને સાથે લઈને શ્રી રામ પાસે આવ્યો. પછી વિદ્યાધર શ્રી રામને નમસ્કાર કરી
કહેવા લાગ્યો, હે દેવ! તમે ખેદ ન કરો, લક્ષ્મણકુમાર નિશ્ચયથી જીવશે. દેવગતિ નામનું
નગર છે, ત્યાં રાજા શશિમંડળ રાજ્ય કરે છે. તેમની રાણી સુપ્રભાનો પુત્ર હું ચંદ્રપ્રીતમ
છું. હું એક દિવસ આકાશમાં વિચરતો હતો ત્યારે રાજા વેલાધ્યક્ષના પુત્ર સહસ્ત્રવિજય
સાથે મારે વેર હતું, કેમ કે તેની માગેલી કન્યાને હું પરણ્યો હતો. તેની અને મારી વચ્ચે
મોટું યુદ્ધ થયું, તેણે ચંડરવા નામની શક્તિ મને મારી તેથી હું આકાશમાંથી અયોધ્યાના
મહેન્દ્ર નામના ઉદ્યાનમાં પડયો. મને પડતો જોઈને અયોધ્યાના સ્વામી રાજા ભરત
આવીને ઊભા રહ્યા. શક્તિથી ભેદાયેલ મારું વક્ષસ્થળ જોઈને અત્યંત દયાળુ, મારા
જીવનદાતાએ મને ચંદનના જળથી છાંટા નાખ્યા તેથી શક્તિ નીકળી ગઈ, મારું રૂપ જેવું
હતું તેવું થઈ ગયું. કાંઈક વધારે પણ થયું. તે રાજા ભરતે મને નવો જન્મ આપ્યો જેથી
તમારાં દર્શન થયાં.
તેણે મને કહ્યું કે આ અમારો આખો દેશ રોગથી પીડિત થયો હતો, કોઈ ઉપાયથી સારું
થતું નહોતું, પૃથ્વી પર કયા કયા રોગ ફેલાય છે તે સાંભળો. ઉરોગાત, મહાદાહજ્વર,
લાલ પરિશ્રમ, સર્વશૂન્ય, અને છિરદ ઈત્યાદિ અનેક રોગ આખા દેશના પ્રાણીઓને થયા
હતા. જાણે કે ક્રોધથી રોગોની ધાડ જ દેશમાં આવી. એક રાજા દ્રોણમેઘ તેની પ્રજા સહિત
નીરોગ રહ્યા હતા તેથી મેં તેમને બોલાવ્યા અને પૂછયું કે હે મામા! તમે જેવા નિરોગ છો
તેવો મને અને મારી પ્રજાને તરત કરો. ત્યારે રાજા દ્રોણમેઘે જેની સુગંધથી દશ દિશામાં
સુગંધ ફેલાય તેવા જલથી મને સીંચ્યો અને હું સાજો થઈ ગયો. તે જળથી મારા રાજ્યની
પ્રજા પણ નીરોગ થઈ ગઈ. આખો દેશ સારો થઈ ગયો, બધા રોગ મટી ગયા. હજારો
રોગ ઉત્પન્ન કરનાર અત્યંત દુસ્સહ વાયુ જે મર્મને ભેદે છે તે વાયુનો જળથી નાશ થયો.
પછી મેં દ્રોણમેઘને પૂછયું કે આ જળ કયાનું છે કે જેનાથી સર્વ રોગોનો નાશ થાય છે?
દ્રોણમેઘે જવાબ આપ્યો કે હે રાજન્! મારે વિશલ્યા નામની પુત્રી છે તે સર્વ વિદ્યામાં
પ્રવીણ અને ગુણોથી સંયુક્ત છે. તે જ્યારે ગર્ભમાં આવી ત્યારે મારા દેશમાં અનેક
વ્યાધિઓ ફેલાયેલી હતી, પણ પુત્રી ગર્ભમાં આવતાં જ બધા રોગ અદ્રશ્ય થઈ ગયા.
પુત્રી જિનશાસનમાં પ્રવીણ છે, ભગવાનની પૂજામાં તત્પર છે, આખા કુટુંબની પૂજ્ય છે,
તેના સ્નાનનું આ જળ છે, તેના શરીરની સુગંધથી જળ પણ સુગંધી બન્યું છે. ક્ષણમાત્રમાં
સર્વ રોગનો વિનાશ કરે છે. દ્રોણમેઘના આ વચન સાંભળી હું અચરજ પામ્યો.