તેના નગરમાં જઈ તેની પુત્રીની સ્તુતિ કરી અને નગરીમાંથી નીકળીને સર્વહિત નામના
મુનિને પૂછયું, હે પ્રભો! દ્રોણમેઘની પુત્રી વિશલ્યાનું ચરિત્ર કહો. ત્યારે ચાર જ્ઞાનના
ધારક મુનિ, મહાવાત્સલ્યધારીએ કહ્યું, કે હે ભરત! મહાવિદેહ ક્ષેત્રમાં સ્વર્ગ સમાન
પુંડરિક દેશ છે, ત્યાં ત્રિભુનાનંદ નામનું નગર છે, ત્યાં ચક્રધર નામના ચક્રવર્તી રાજાનું
રાજ્ય છે, તેની પુત્રી અનંગશરા ગુણરૂપ આભૂષણવાળી, સ્ત્રીઓના અદ્ભુત રૂપવાળી
હતી તેને પ્રતિષ્ઠિતપુરનો ધણી રાજા પુનર્વસુ વિદ્યાધર, જે ચક્રવર્તીનો સામંત હતો, તે
કન્યાને જોઈ કામબાણથી પીડિત થઈ વિમાનમાં બેસાડીને લઈ ગયો. તેથી ચક્રવર્તીએ
ગુસ્સે થઈને કિંકર મોકલ્યા. તેમણે તેની સાથે યુદ્ધ કર્યું, તેનું વિમાન તોડી નાખ્યું એટલે
તેણે વ્યાકુળ થઈને કન્યાને આકાશમાંથી નીચે ફેંકી તે શરદઋતુના ચંદ્રમાની જ્યોતિ
સમાન પુનર્વસુની પર્ણલઘુવિદ્યાથી અટવીમાં આવીને પડી. તે અટવી દુષ્ટ જીવોથી
ભયાનક, જેનું નામ શ્વાપદ રૌરવ હતું, જ્યાં વિદ્યાધરો પણ આવી શકતા નહિ, વૃક્ષોના
સમૂહથી અંધકારરૂપ હતી, નાના પ્રકારના વેલોથી વીંટાયેલાં ઊંચા વૃક્ષોની સઘનતાથી ત્યાં
સૂર્યનાં કિરણો પણ પ્રવેશતા નહિ અને ચિત્તા, વાઘ, સિંહ, અષ્ટાપદ, ગેંડા, રીંછ, ઈત્યાદિ
અનેક વનચરો તેમાં ફરતા, ભૂમિ ઊંચીનીચી વિષમ હતી, તેમાં મોટા મોટા ખાડા હતા.
આ ચક્રવર્તીની કન્યા અનંગશરા એકલી તે વનમાં અત્યંત દુઃખી થઈ, નદીના કિનારે
જઈ, દિશાઓનું અવલોકન કરતી માતાપિતાને યાદ કરીને રુદન કરતી હતી, અરેરે! હું
ચક્રવર્તીની પુત્રી, મારા પિતા ઇન્દ્ર સમાન, તેની હું અત્યંત લાડકી, દૈવયોગે આવી
અવસ્થા પામી, હવે હું શું કરું? આ વનનો અંત નથી, આ વન જોઈને દુઃખ ઉપજે છે.
અરે પિતા! સકળ લોકમાં પ્રસિદ્ધ મહાપરાક્રમી છે, આ વનમાં હું અસહાય પડી છું, મારા
ઉપર કોણ દયા કરે? અરે માતા! અત્યંત દુઃખપૂર્વક તમે મને ગર્ભમાં રાખી, હવે કેમ
મારી ઉપર દયા કરતાં નથી? અરે! મારા પરિવારના ઉત્તમ મનુષ્યો! એક ક્ષણમાત્ર મને
છોડતા નહોતા, તો હવે કેમ મને ત્યજી દીધી? અરે! હું જન્મતાં જ કેમ મરણ ન પામી?
શા માટે દુઃખની ભૂમિકા થઈ? ઈચ્છા પ્રમાણે મૃત્યુ મળતું નથી, શું કરું? ક્યાં જાઉં, હું
પાપણી ક્યાં રહું? આ સ્વપ્ન છે કે સત્ય છે? આ પ્રમાણે ચિરકાળ વિલાપ કરીને અત્યંત
વિહ્વળ બની ગઈ. એવો વિલાપ કર્યો કે જે સાંભળીને અત્યંત દુષ્ટ પશુનું ચિત્ત પણ
કોમળ થઈ જાય. આ કન્યા દીનચિત્ત થઈને ક્ષુધા-તૃષાથી દગ્ધ, શોકસાગરમાં મગ્ન,
ફળપત્રાદિથી જીવતી કર્મના યોગથી તે વનમાં કેટલાક શીતકાળ રહી. કેવા છે શીતકાળ?
કમળના વનની શોભાના સર્વસ્વને હરનાર. તેણે અનેક ગ્રીષ્મકાળના આતાપ સહ્યા. જેમાં
જળના સમૂહ સુકાય છે, દાવાનળોથી અનેક વનવૃક્ષ બને છે અને અનેક્ જંતુ મરે છે.
તેણે વનમાં વર્ષાકાળ પણ અનેક વીતાવ્યા. તે વખતે જળધારાના અંધકારથી સૂર્યની
જ્યોતિ દબાઈ ગઈ છે તેનું શરીર વર્ષાએ ધોયેલા ચિત્ર જેવું થઈ ગયું છે. કાંતિરહિત,
દુર્બળ વીખરાયેલા વાળ, મળયુક્ત શરીર લાવણ્યરહિત થયું, જાણે સૂર્યના પ્રકાશથી ચંદ્રની
કળાનો પ્રકાશ ક્ષીણ થઈ ગયો. કૈથના વનમાં બેઠી પિતાને યાદ કરીને રુદન કરે છે કે મેં
ચક્રવર્તીને ત્યાં જન્મ તો લીધો, પણ પૂર્વજન્મનાં