બકે છે? વળી કહ્યું કે લંકામાં કોઈ વૈદ્ય નથી કે મંત્રવાદી નથી, વાયુનો તૈલાદિ વડે ઉપાય
કેમ નથી કરતા? નહિતર સંગ્રામમાં લક્ષ્મણ બધા રોગ મટાડી દેશે અર્થાત્ મારશે.
નિંદાના વચન કહે છે? સુગ્રીવને અને મારે ઘણી વાત થઈ અને વિરાધિતને કહ્યું કે
વધારે શા માટે બોલો છો, તારી એવી શક્તિ હોય તો મારા એકલા સાથે જ યુદ્ધ કરી લે
અને રામને કહ્યું-હે રામ! તમે ઘોર યુદ્ધમાં રાવણનું પરાક્રમ જોયું નથી, કોઈ તમારા
પુણ્યના યોગથી તે વીર વિકરાળ ક્ષમામાં આવ્યા છે, તે કૈલાસને ઊંચકનાર, ત્રણ
જગતમાં પ્રસિદ્ધ પ્રતાપી તમારું હિત કરવા ચાહે છે અને રાજ્ય આપે છે તેના સમાન
બીજું શું હોય? તમે તમારી ભુજાઓથી દશમુખરૂપ સમુદ્રને કેવી રીતે તરશો? કેવો છે
દશમુખરૂપ સમુદ્ર? પ્રચંડ સેનારૂપી તરંગોની માળાથી પૂર્ણ છે. શસ્ત્રરૂપી જળચરોથી
ભરેલો છે. હે રામ! તમે કેવી રીતે રાવણરૂપ ભયંકર વનમાં પ્રવેશ કરશો. રાવણરૂપ વન
દુર્ગમ છે, દુષ્ટ હાથીઓથી પૂર્ણ છે, સેનારૂપ વૃક્ષોના સમૂહથી અતિવિષમ છે. હે રામ! જેમ
કમળપત્રની હવાથી સુમેરુ ન ડગે, સૂર્યનાં કિરણોથી સૂર્ય ન સુકાય, બળદનાં શિંગડાંથી
પૃથ્વી ન ઊંચકાય તેમ તમારા જેવા નરોથી નરપતિ દશાનન ન જિતાય. આવા પ્રચંડ
વચન મેં કહ્યાં ત્યારે ભામંડળે ક્રોધથી મને મારવા ખડ્ગ કાઢયું, તે વખતે લક્ષ્મણે તેને
રોક્યો અને કહ્યું કે દૂતને મારવો તે ન્યાય નથી. શિયાળ ઉપર સિંહ કોપ ન કરે તે સિંહ
ગજેન્દ્રના કુંભસ્થળ પોતાના નખથી વિદારે. માટે હે ભામંડળ! પ્રસન્ન થાવ, ક્રોધ છોડો,
મહાતેજસ્વી, શૂરવીર, નૃપતિઓ દીન પર પ્રહાર કરતા નથી. જે ભયથી કંપતો હોય તેને
ન હણે. શ્રમણ એટલે મુનિ, બ્રાહ્મણ એટલે વ્રતધારી ગૃહસ્થ, શૂન્ય, સ્ત્રી, બાળક, વૃદ્ધ,
પશુ, પક્ષી અને દૂત એ અવધ્ય છે, એમને શૂરવીર સર્વથા ન હણે ઈત્યાદિ વચનો વડે
મહાપંડિત લક્ષ્મણે ભામંડળને સમજાવીને પ્રસન્ન કર્યો. કપિધ્વજના કુમાર મહાક્રૂરે મને
વજ્ર સમાન વચનોથી વીંધ્યો ત્યારે હું તેમના અસાર વચનો સાંભળી આકાશમાં ગમન
કરી, આયુષ્યકર્મના યોગથી આપની નિકટ આવ્યો છું. હે દેવ! જો લક્ષ્મણ ન હોત તો
આજ મારું મરણ જ થાત. શત્રુઓ અને મારી વચ્ચે જે વિવાદ થયો તે બધો મેં આપને
કહ્યો. મેં જરાય બીક રાખી નથી. હવે આપના મનમાં જે આવે તે કરો, અમારા જેવા
કિંકરો તો વચન કહે છે, જે કહો તે પ્રમાણે કરીએ. ગૌતમ ગણધર કહે છે કે હે શ્રેણિક!
જે અનેક શાસ્ત્રો જાણતા હોય અને નયોમાં પ્રવીણ હોય, જેના મંત્રી પણ નિપુણ હોય
અને સૂર્ય જેવા તેજસ્વી હોય તો પણ મોહરૂપ મેઘપલટથી આચ્છાદિત થયા હોય તે
પ્રકાશરહિત થાય છે. આ મોહ મહાઅજ્ઞાનનું મૂળ છે અને વિવેકીઓએ તજવા યોગ્ય છે.