Padmapuran (Gujarati). Parva 70 - Ravanni vidhyasadhna aney Vanarvanshi kumaro dvara Lankama updrav.

< Previous Page   Next Page >


Page 454 of 660
PDF/HTML Page 475 of 681

 

background image
૪પ૪ સીત્તેરમું પર્વ પદ્મપુરાણ
અહંકાર છોડો. જ્યાં સુધી મારો નિયમ પૂરો ન થાય ત્યાં સુધી સર્વ લોકો શ્રદ્ધાળુ બની
સંયમ રાખે, કદાચિત્ કોઈ બાધા કરે તો નિશ્ચયથી સહન કરે, બળવાન હોય તે બળનો
ગર્વ ન કરે. આ દિવસોમાં જે કોઈ ક્રોધથી વિકાર કરશે તે અવશ્ય સજા પામશે. મારા
પિતા સમાન પૂજ્ય હશે તે પણ આ દિવસોમાં કષાય કરશે, કલહ કરશે, તેને હું મારીશ.
જે પુરુષ સમાધિમરણથી યુક્ત ન હોય તે સંસાર સમુદ્રને તરતા નથી; જેમ આંધળો
માણસ પદાર્થોને ઓળખતો નથી તેમ અવિવેકી ધર્મને નીરખતો નથી તેથી સર્વ વિવેકથી
રહે, પાપક્રિયા ન કરવા પામે. મંદોદરીને આ આજ્ઞા કરીને રાવણ જિનમંદિરમાં ગયો.
મંદોદરીએ મંત્રીઓને અને યમદંડ નામના કોટવાળને બોલાવી પતિની આજ્ઞા કરી, બધાએ
કહ્યું કે જે આજ્ઞા હશે તેમ જ કરીશું. આમ કહી આજ્ઞા શિર પર ચડાવી સૌ ઘેર ગયા
અને સંયમસહિત નિયમધર્મના ઉદ્યમી થઈ રાજાની આજ્ઞા પ્રમાણ કરી. સમસ્ત પ્રજા
જિનપૂજામાં અનુરાગી થઈ, સમસ્ત કાર્ય તજીને સૂર્યથી અધિક કાંતિવાળા જિનમંદિરમાં
આવીને નિર્મળ ભાવથી સંયમ નિયમનું સાધન કરવા લાગ્યા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લંકાના લોકોને નિયમપાલનના
આદેશનું વર્ણન કરનાર ઓગણસીત્તેરમું પર્વ પૂર્ણ થયું.
* * *
સીત્તેરમું પર્વ
(રાવણની વિદ્યાસાધના અને વાનરવંશી કુમારો દ્વારા લંકામાં ઉપદ્રવ)
શ્રી રામના કટકમાં ગુપ્તચરો દ્વારા એવા સમાચાર આવ્યા કે રાવણ બહુરૂપિણી
વિદ્યા સાધવા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં પ્રયત્ન કરે છે. ચોવીસ દિવસમાં આ
બહુરૂપિણી વિદ્યા સિદ્ધ થશે. આ વિદ્યા એવી પ્રબળ છે કે દેવોનો મદ પણ ખંડિત કરે.
તેથી બધા કપિધ્વજોએ એવો વિચાર કર્યો કે તે નિયમમાં બેસી વિદ્યા સાધે છે તો તેને
ક્રોધ ઉત્પન્ન કરવો જેથી આ વિદ્યા સિદ્ધ ન થાય. જો તે વિદ્યા સિદ્ધ કરી લેશે તો ઇન્દ્રાદિ
દેવોથી પણ જીતી નહિ શકાય, આપણા જેવા રંકની તો શી વાત? ત્યારે વિભીષણે કહ્યું કે
તેને ગુસ્સે કરવાનો ઉપાય તરત જ કરો. પછી બધાએ મંત્રણા કરીને રામને કહ્યું કે લંકા
લેવાનો આ સમય છે. રાવણના કાર્યમાં વિઘ્ન કરીએ અને આપણે જે કરવું હોય તે
કરીએ. કપિધ્વજોનાં આ વચન સાંભળી મહાધીર, જેમની ચેષ્ટા મહાપુરુષોની છે એવા શ્રી
રામચંદ્રે કહ્યું, હે વિદ્યાધરો! તમે અત્યંત મૂર્ખાઈની વાત કરો છો, ક્ષત્રિયના કુળનો એ
ધર્મ નથી કે આવાં કાર્ય કરે. આપણા કુળની એ રીત છે કે જે ભયથી ભાગે તેનો વધ ન
કરવો, તો જે નિયમ ધારણ કરીને જિનમંદિરમાં બેઠા છે તેમને ઉપદ્રવ કેવી રીતે કરીએ?
આ નીચનું કામ છે તે કુળવાનને યોગ્ય નથી. આ અન્યાય પ્રવૃત્તિ ક્ષત્રિયોની નથી.
ક્ષત્રિય તો મહામાન્યભાવ અને શસ્ત્રકર્મમાં પ્રવીણ છે. રામનાં આ વચન સાંભળી