ધર્મધ્યાનના છે તેથી ધર્મનું સેવન કરો, બીજી રીતે વર્તશો તો સ્વામીની આજ્ઞાનો ભંગ
થશે અને તમને સારું ફળ નહિ મળે. પુત્રીનાં આ વચન સાંભળી રાજા મય ઉદ્ધતપણું
છોડી, અત્યંત શાંત થઈ, શસ્ત્ર ઉતારવા લાગ્યો, જેમ સૂર્ય આથમતી વખતે પોતાનાં
કિરણોનો ત્યાગ કરે છે, મણિઓનાં કુંડળ અને હારથી શોભતો તે પોતાના જિનમંદિરમાં
પ્રવેશ્યો. આ વાનરવંશી વિદ્યાધરોના કુમારોએ પોતાની મર્યાદા છોડીને નગરનો કોટ તોડી
નાખ્યો, વજ્રનાં બારણાં તોડયાં, દરવાજા તોડયા.
આ શું થયું? અરે, પિતાજી! જુઓ, હે ભાઈ! અમને બચાવો! હે આર્યપુત્ર! ખૂબ બીક
લાગે છે, ઠેકાણે જ રહો. આ પ્રમાણે નગરજનો વ્યાકુળતાનાં વચનો બોલવા લાગ્યા. લોકો
ભાગીને રાવણના મહેલમાં આવ્યા, પોતાનાં વસ્ત્ર હાથમાં લઈને અત્યંત વિહ્વળ
બાળકોને ગોદમાં લઈને સ્ત્રીઓ ધ્રૂજતી ભાગી રહી છે, કેટલીક પડી ગઈ, ગોઠણ છોલાઈ
ગયાં, કેટલીકના હાર તૂટી ગયા, મોટાં મોટાં મોતી વિખરાઈને પડયાં છે; જેમ મેઘમાળા
શીઘ્ર જાય તેમ જઈ રહી છે. ત્રાસ પામેલી હરણી જેવી આંખોવાળી, ઢીલા પડી ગયેલા
અંબોડાવાળી, કેટલીક પ્રીતમની છાતીએ વળગી પડી. આ પ્રમાણે લોકોને ઉદ્વેગરૂપ અત્યંત
ભયભીત જોઈ જિનશાસનના દેવ શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરના સેવક પોતાના
પક્ષનું રક્ષણ કરવા અને જિનશાસનનો પ્રભાવ ફેલાવવા તૈયાર થયા. તે મહાભૈરવનો
આકાર ધારણ કરીને શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાંથી નીકળ્યા. જુદા જુદા વેશવાળા,
વિકરાળ દાઢ અને મુખવાળા, મધ્યાહ્નના સૂર્ય સમાન તેજ નેત્રવાળા, હોઠ કરડતા દીર્ઘ
કાયાવાળા, ભયંકર શબ્દ કરતા તેમને જોઈને વાનરવંશીઓના પુત્ર ભયથી વિહ્વળ બની
ગયા. તે દેવ ક્ષણમાં સિંહ, ક્ષણમાં મેઘ, ક્ષણમાં હાથી, ક્ષણમાં સર્પ, ક્ષણમાં વાયુ, ક્ષણમાં
વૃક્ષ, ક્ષણમાં પર્વતનું રૂપ લેતા. એમનાથી કપિકુમારોને પીડા પામતા જોઈને રામના
સૈન્યના દેવો તેમને મદદ કરવા લાગ્યા. દેવોમાં પરસ્પર યુદ્ધ થયું. લંકાના દેવ સૈન્યના દેવ
સામે અને કપિકુમાર લંકા સન્મુખ આવ્યા. ત્યારે યક્ષોના સ્વામી પૂર્ણભદ્ર અને મણિભદ્ર
અત્યંત કુપિત થયા, બન્ને યક્ષેશ્વર પરસ્પર વાત કરતા હતા કે જુઓ, આ નિર્દય
કપિપુત્રો વિકાર પામ્યા છે. રાવણ તો નિરાહાર થઈ, દેહમાં નિઃસ્પૃહ, સર્વ જગતનું કાર્ય
છોડી પોષધમાં બેઠો છે એવા શાંત ચિત્તવાળાને આ પાપી નબળાઈ ગણીને પીડવા ઇચ્છે
છે. પણ એ યોદ્ધાઓની ચેષ્ટા ન કહેવાય. ત્યારે મણિભદ્ર બોલ્યોઃ હે પૂર્ણભદ્ર! ઇન્દ્ર પણ
રાવણનો પરાભવ કરવા સમર્થ નથી. રાવણ સુંદર લક્ષણોથી પૂર્ણ શાંત સ્વભાવ છે.
પૂર્ણભદ્રે કહ્યું કે લંકા પર જે વિઘ્ન આવ્યું છે તે આપણે દૂર કરશું. આમ કહી બન્ને ધીર
સમ્યગ્દ્રષ્ટિ જિનધર્મી યક્ષોના સ્વામી યુદ્ધ કરવા તૈયાર થયા એટલે વાનરવંશી કુમારો અને
તેમના પક્ષના દેવો ભાગ્યા. આ બન્ને યક્ષેશ્વર જોરદાર પવન ચલાવી પાષાણોની વર્ષા
કરવા લાગ્યા, પ્રલયકાળના મેઘ સમાન ગર્જના કરવા લાગ્યા.