આ બન્ને યક્ષેશ્વર રામની પાસે ઠપકો આપવા આવ્યા. સુબુદ્ધિ પૂર્ણભદ્રે રામની સ્તુતિ
કરીને કહ્યું કે રાજા દશરથ મહાન ધર્માત્મા હતા, તેમના તમે પુત્ર, અયોગ્ય કાર્યના
ત્યાગી, શાસ્ત્રસમુદ્રના પારગામી, શુભ ગુણોથી બધા કરતાં ઊંચા, અને તમારી સેના
લંકાને, લોકોને ઉપદ્રવ કરે, એ ક્યાંની વાત? જે જેનું દ્રવ્ય હરે છે તે તેના પ્રાણ હરે છે.
આ ધન જીવોના બાહ્ય પ્રાણ છે. અમૂલ્ય હીરા, વૈડૂર્ય, મણિ, માણેક મોતી, પદ્મરાગમણિ
ઈત્યાદિ અનેક રત્નોથી ભરેલી લંકાને ઉદ્વેગ ઉપજાવ્યો. પૂર્ણભદ્રનું વચન સાંભળી રામના
સેવક ગરુડકેતુ એટલે કે લક્ષ્મણે તીખી ભાષામાં કહ્યું કે આ શ્રી રઘુચંદ્રની પ્રાણથી પ્યારી
રાણી સીતાને, જે શીલરૂપ આભૂષણ પહેરનારી છે, દુષ્ટ રાવણ કપટ કરીને હરી ગયો છે
તેનો પક્ષ તમે કેમ કરો છો? હે યક્ષેન્દ્ર! અમે તમારો ક્યો અપરાધ કર્યો અને તેણે શું
કર્યું કે જેથી તમે ભૃકુટી વાંકી કરી. સંધ્યાની લાલાશ જેવાં નેત્રો કરીને અમને ઠપકો
આપવા આવ્યા છો? તમારું કાર્ય યોગ્ય નથી. લક્ષ્મણે આમ કહ્યું અને રાજા સુગ્રીવ
ભયભીત થઈ પૂર્ણભદ્રને અર્ધ્ય આપી કહેવા લાગ્યો, હે યક્ષેન્દ્ર! ક્રોધ ત્યજો, અમે લંકામાં
કાંઈ ઉપદ્રવ નહિ કરીએ, પરંતુ વાત આમ છે-રાવણ બહુરૂપિણી વિદ્યા સાધે છે, કદાચ
તેને વિદ્યા સિદ્ધ થાય તો તેની સામે કોઈ ટકી ન શકે, જેમ જિનધર્મના ઉપાધ્યાય સામે
વાદી ટકી શકતો નથી તેથી તે ક્ષમાવંત થઈને વિદ્યા સાધે છે. તેથી જો તેને અમે ક્રોધ
ઉત્પન્ન કરીએ તો તે વિદ્યા સાધી ન શકે, જેમ મિથ્યાદ્રષ્ટિ મોક્ષને સાધી શકે નહિ તેમ.
ત્યારે પૂર્ણભદ્રે કહ્યું કે એમ જ કરો, પરંતુ લંકાના એક જીર્ણ તણખલાને પણ બાધા નહિ
કરી શકો. વળી તમે રાવણના અંગને બાધા ન કરો, બીજી કોઈ પણ રીતે ક્રોધ ઉત્પન્ન
કરાવો. પરંતુ રાવણ અત્યંત દ્રઢ છે, તેને ક્રોધ ઉપજવો અઘરો છે. આમ કહી તે બન્ને
યક્ષેન્દ્ર જેમને ભવ્યજીવો પ્રત્યે વાત્સલ્ય છે, જેમના નેત્ર પ્રસન્ન છે તે મુનિઓના ભક્ત
અને વૈયાવ્રત કરનારા, જિનધર્મી પોતાના સ્થાનકે ગયા. રામને ઠપકો આપવા આવ્યા
હતા તે લક્ષ્મણનાં વચનોથી લજ્જિત થયા અને સમભાવથી પોતાના સ્થાનકે ગયા.
ગૌતમ સ્વામી કહે છેઃ હે શ્રેણિક! જ્યાં સુધી નિર્દોષતા હોય ત્યાં સુધી પરસ્પર પ્રીતિ રહે
છે અને દોષ ઉત્પન્ન થતાં પ્રીતિભંગ થાય છે, જેમ સૂર્ય ઉત્પાત સહિત હોય તો સારો
લાગતો નથી.
કપિકુમારોનો લંકામાં ઉપદ્રવ, પૂર્ણભદ્ર-મણિભદ્રનો કોપ અને કોપની શાંતિનું વર્ણન
કરનાર સીત્તેરમું પર્વ પૂર્ણ થયું.