ઉજ્જવળ ચામરયુક્ત, મેઘમાળામાં પૂર્ણિમાના ચંદ્ર સમાન શોભતો હતો. તેની સાથે અનેક
સામંતો અને કુમારો અશ્વારોહી અને પ્યાદાં ચંદનનો અંગે લેપ કરી, તાંબુલથી હોઠ લાલ
કરી. ખભે ખડ્ગ મૂકી, સુંદર વસ્ત્રો પહેરી, આગળ-પાછળ, ડાબે-જમણે સૈનિકો ચાલ્યા
જાય છે, વીણા-બંસરી-મૃદંગાદિ વાગે છે, નૃત્ય થતું જાય છે. કપિવંશીઓના કુમારો
સ્વર્ગપુરીમાં અસુરકુમાર પ્રવેશ કરે તેમ લંકામાં પ્રવેશ્યા. લંકામાં પ્રવેશતા અંગદને જોઈને
સ્ત્રીઓ પરસ્પર વાતો કરવા લાગી જુઓ, આ અંગદ દશમુખની નગરીમાં નિર્ભયપણે
ચાલ્યો જાય છે, આણે શું કરવાનું આરંભ્યું હશે? હવે પછી શું થશે? લોકોની આવી વાત
સાંભળતા તે ચાલતા ચાલતા રાવણના મહેલમાં ગયા. ત્યાં મણિઓનો ચોક જોઈ તેમણે
જાણ્યું કે એ સરોવર છે તેથી ત્રાસ પામ્યા પછી બરાબર જોતાં તે મણિનો ચોક છે એમ
જાણી આગળ ગયા. સુમેરુની ગુફા જેવું રત્નોથી નિર્માયિત મંદિરનું દ્વાર જોયું, મણિઓનાં
તોરણોથી દેદીપ્યમાન અંજન પર્વત સરખા ઇન્દ્રનીલમણિના ગજ જોયા, તેમના વિશાળ
કુંભસ્થળ, અત્યંત મનોજ્ઞ સ્થૂળ દાંત અને મસ્તક પર સિંહના ચિહ્ન, જેના શિર પર પૂંછ
છે, હાથીઓના કુંભસ્થળ પર વિકરાળ વદનવાળા સિંહ, તીક્ષ્ણ દાઢ અને ભયાનક કેશ,
તેમને જોઈને પ્યાદાં ડરી ગયાં, તેમણે જાણ્યું કે સાચા હાથી છે તેથી ભયથી વિહ્વળ
થઈને ભાગ્યાં અંગદે ખૂબ સમજાવ્યા ત્યારે આગળ ચાલ્યાં. રાવણના મહેલમાં કપિવંશી
સિંહની ગુફામાં મૃગની પેઠે ગયા. અનેક દ્વાર વટાવીને આગળ જવા શક્તિમાન થયા.
ઘરની રચના ગહન તેથી જન્મઅંધની પેઠે ભટક્યા. સ્ફટિકમણિના મહેલો હતા ત્યાં
આકાશની આશંકાથી ભ્રમ પામ્યા અને તે ઇન્દ્રનીલમણિની પેઠે અંધકારરૂપ ભાસે,
મસ્તકમાં શિલા વાગી તેથી જમીન પર પડયા, તેમની આંખો વેદનાથી વ્યાકુળ બની,
કોઈ ઉપાયે માર્ગ મેળવીને આગળ ગયા જ્યાં સ્ફટિકમણિની પેઠે ઘણાના ગોઠણ ભાંગ્યા,
કપાળ ફૂટયાં, દુઃખી થયા અને પાછા ફર્યા તો માર્ગ ન મળે. આગળ એક રત્નમયી સ્ત્રી
જોઈ તેને સાચી સ્ત્રી જાણીને તેને પૂછવા લાગ્યા પણ તે શું ઉત્તર આપે? ત્યારે તે શંકાથી
ભરેલા આગળ ગયા, વિહ્વળ થઈને સ્ફટિકમણિની ભૂમિમાં પડયા. આગળ શાંતિનાથના
મંદિરનું શિખર નજરે પડયું, પણ જઈ શકે તેમ નહોતું, આડી સ્ફટિકની ભીંત હતી. જેમ
તે સ્ત્રી નજરે પડી હતી એક રત્નમય દ્વારપાળ નજરે પડયો. તેના હાથમાં સોનાની
લાકડી હતી. તેને કહ્યું કે શ્રી શાંતિનાથના મંદિરનો માર્ગ બતાવો, તે શું બતાવે? પછી
તેને હાથથી કૂટયો તો કૂટનારની આંગળીના ચૂરા થઈ ગયા. વળી આગળ ગયા, તેમને
લાગ્યું કે આ ઇન્દ્રનીલમણિનું દ્વાર છે, ત્યાંથી શાંતિનાથના મંદિરમાં જવાની ઇચ્છા કરી.
જેના ભાવ કુટિલ છે એવા એકવચન બોલતા મનુષ્યને જોયો, તેના વાળ પકડયા અને