ભયભીત થઈ. તે મનમાં વિચારે છે કે આના બળનો પાર નથી તેથી રામ-લક્ષ્મણ પણ
આને નહિ જીતી શકે. હું મંદભાગિની રામ અથવા લક્ષ્મણ અથવા મારા ભાઈ ભામંડળને
હણાયેલો ન સાંભળું. આમ વિચારીને વ્યાકુળ ચિત્તવાળી, કંપતી ચિંતારૂપ બેઠી છે ત્યાં
રાવણ આવ્યો અને કહેવા લાગ્યો કે હે દેવી! મેં પાપીએ તારું કપટથી હરણ કર્યું એ વાત
ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થયેલા ધીરવીરને સર્વથા ઉચિત નથી, પરંતુ કર્મની ગતિ એવી છે,
મોહકર્મ બળવાન છે અને મેં પૂર્વે અનંતવીર્ય સ્વામીની સમીપે વ્રત લીધું હતું કે જે
પરનારી મને ન ઇચ્છે તેને હું નહિ સેવું; ઉર્વશી, રંભા અથવા બીજી કોઈ મનોહર હોય
તો પણ મારે તેનું પ્રયોજન નથી. આ પ્રતિજ્ઞા પાળતાં મેં તારી કૃપાની જ અભિલાષા
કરી, પરંતુ બળાત્કારે રમણ કર્યું નહિ. હે જગતની ઉત્તમ સુંદરી! હવે મારી ભુજાઓથી
ચલાવેલાં બાણોથી તારા આધાર રામ-લક્ષ્મણને ભેદાયેલ જ જાણ અને તું મારી સાથે
પુષ્પક વિમાનમાં બેસી આનંદથી વિહાર કર. સુમેરુના શિખર પર ચૈત્યવૃક્ષ, અનેક વન,
ઉપવન, નદી, સરોવરનું અવલોકન કરતી વિહાર કર. ત્યારે સીતા બેય હાથ કાન પર
મૂકી ગદગદ વાણીથી દીન શબ્દો બોલવા લાગી-હે દશાનન! તું ઊંચા કુળમાં જન્મ્યો છે
તો આટલું કરજે કે કદાચ તારે સંગ્રામમાં મારા વલ્લભ સાથે શસ્ત્રપ્રહાર થાય તો પહેલાં
આ સંદેશો કહ્યા વગર મારા કંથને હણીશ નહિ. એમ કહેજે કે હે પદ્મ! ભામંડળની બહેને
તમને એમ કહ્યું છે કે તમારા વિયોગથી મહાદુઃખના ભારથી હું અત્યંત દુઃખી છું, મારા
પ્રાણ તમારા સુધી જ છે, પવનથી હણાયેલી દીપકની જ્યોત જેવી મારી દશા થઈ છે. હે
રાજા દશરથના પુત્ર! જનકની પુત્રીએ તમને વારંવાર સ્તુતિ કરીને એમ કહ્યું છે કે
તમારાં દર્શનની અભિલાષાથી આ પ્રાણ ટકી રહ્યા છે. આમ કહીને મૂર્ચ્છિત થઈને જેમ
મત્ત હાથીથી ભગ્ન કલ્પવૃક્ષની વેલ તૂટી પડે તેમ ધરતી પર પડી ગઈ. મહાસતીની આ
અવસ્થા જોઈને રાવણનું મન કોમળ થયું, તે ખૂબ દુઃખી થયો, એ ચિંતવવા લાગ્યો અહો,
કર્મોના યોગથી આના સ્નેહનો નિઃસંદેહ ક્ષય થવાનો નથી અને ધિક્કર છે મને કે મેં
અતિ અયોગ્ય કાર્ય કર્યું છે. આવા સ્નેહવાળા યુગલનો વિયોગ કર્યો, પાપાચારી નીચ
મનુષ્ય પેઠે નિષ્કારણ અપયશરૂપ મળથી હું ખરડાયો, શુદ્ધ ચંદ્રમા સમાન અમારા ગોત્રને
મેં મલિન કર્યું. મારા જેવો દુષ્ટ મારા વંશમાં થયો નથી. આવું કાર્ય કોઈએ ન કર્યું તે મેં
કર્યું. જે પુરુષોમાં શ્રેષ્ઠ છે તે સ્ત્રીને તુચ્છ ગણે છે, આ સ્ત્રી સાક્ષાત્ વિષતુલ્ય છે,
કલેશની ઉત્પત્તિનું સ્થાન, સર્પના મસ્તકના મણિસમાન અને મહામોહનું કારણ છે. પ્રથમ
તો સ્ત્રીમાત્ર જ નિષિદ્ધ છે અને પરસ્ત્રીની તો શી વાત? સર્વથા ત્યાજ્ય જ છે. પરસ્ત્રી
નદી સમાન કુટિલ, મહાભયંકર, ધર્મ-અર્થનો નાશ કરનારી, સંતોને સદા ત્યાજ્ય જ છે.
હું મહાપાપની ખાણ, અત્યાર સુધી આ સીતા મને દેવાંગનાથી પણ અતિપ્રિય ભાસતી
હતી તે હવે વિષના કુંભતુલ્ય ભાસે છે. એ તો કેવળ રામ પ્રત્યે જ અનુરાગવાળી છે.
અત્યાર સુધી એ ઇચ્છતી નહોતી, પરંતુ મને અભિલાષા હતી, હવે તે મને જીર્ણ તૃણવત્
ભાસે છે. એ તો ફક્ત રામ સાથે તન્મય છે, મને કદી પણ નહિ મળે.