હર્ષ પામ્યા અને પરસ્પર કહેવા લાગ્યા-અગાઉ ભગવાન અનંતવીર્ય કેવળીએ કહ્યું હતું કે
લક્ષ્મણ આઠમા વાસુદેવ છે અને રામ આઠમા બળદેવ છે. તેથી આ મહાજ્યોતિ
(લક્ષ્મણ) ચક્રપાણિ થયાં. આ શ્રી રામ બળદેવ, જેમનો રથ તેજવંત સિંહ ચલાવે છે,
જેણે રાજા મયને પકડયો, જેમના હાથમાં દેદીપ્યમાન હળમૂશળ મહારત્ન શોભે છે. આ
બેય ભાઈ બળભદ્ર-નારાયણ પુરુષોત્તમ પ્રગટયા છે. પુણ્યના પ્રભાવથી પરમ પ્રેમથી
ભરેલ લક્ષ્મણના હાથમાં સુદર્શનચક્ર જોઈને રાક્ષસોનો અધિપતિ ચિત્તમાં ચિંતવે છે કે
ભગવાન અનંતવીર્યે આજ્ઞા કરી હતી તેમ જ થયું. નિશ્ચયથી કર્મરૂપ પવનનો પ્રેર્યો આ
સમય આવ્યો. જેનું છત્ર જોતાં વિદ્યાધરો ડરતા અને શત્રુની સેના ભાગતી, શત્રુસેનાનાં
ધ્વજછત્ર મારા પ્રભાવથી તણાઈ જતાં, અને હિમાચલ વિંધ્યાચળ છે સ્તન જેના, સમુદ્ર છે
વસ્ત્ર જેનું એવી આ પૃથ્વી મારી દાસી સમાન આજ્ઞાકારિણી હતી-એવો હું રાવણ રણમાં
ભૂમિગોચરીઓથી જિતાયો. આ અદ્ભુત વાત છે, કષ્ટની અવસ્થા આવી, ધિક્કાર છે આ
રાજ્યલક્ષ્મીને, જેની ચેષ્ટા કુલટા જેટલી છે, પૂજ્ય પુરુષ આ પાપણીને તત્કાળ ત્યજે છે.
આ ઇન્દ્રિયના ભોગ ઇન્દ્રાયણનાં ફળ સમાન છે એનો પરિપાક વીરસ છે. અનંત દુઃખ
સંબંધના કારણરૂપ સાધુઓ દ્વારા નિંધ છે. પૃથ્વી પર ભરત ચક્રવતી આદિ ઉત્તમ પુરુષો
થયા તેમને ધન્ય છે, જેમણે નિષ્કંટક છ ખંડ પૃથ્વીનું રાજ્ય કર્યું અને વિષમિશ્રિત
અન્નની જેમ તજીને જિનેન્દ્રવ્રત ધારી, રત્નત્રયને આરાધી પરમપદને મેળવ્યું. હું રંક,
વિષયોનો અભિલાષી, મને બળવાન મોહે જીત્યો. આ મોહ સંસારભ્રમણનું કારણ છે.
ધિક્કાર છે મને, જેણે મોહને વશ થઈ આવી ચેષ્ટા કરી. રાવણ તો આ પ્રમાણે ચિંતવન
કરે છે અને જેની પાસે ચક્ર આવ્યું છે તે લક્ષ્મણે વિભીષણની તરફ નીરખીને રાવણને
કહ્યુંઃ હે વિદ્યાધર! હજી પણ કાંઈ ગયું નથી, જાનકીને લાવી શ્રી રામચંદ્રને સોંપી દે અને
એમ કહે કે શ્રી રામના પ્રસાદથી જીવું છું. અમારે તારું કાંઈ જોઈતું નથી, તારી
રાજ્યલક્ષ્મી તારી પાસે રહેશે. ત્યારે રાવણ મંદ હાસ્ય કરી બોલ્યો, હે રંક! તને વૃથા ગર્વ
ઉપજ્યો છે, હમણાં જ તને મારું પરાક્રમ બતાવું છું, હે અધમ નર! હું તારી જે અવસ્થા
કરું છું તેને ભોગવ; હું રાવણ પૃથ્વીપતિ વિદ્યાધર, તું ભૂમિગોચરી રંક! ત્યારે લક્ષ્મણ
બોલ્યા, ઘણું કહેવાથી શું લાભ? નારાયણ સર્વથા તને મારનાર થયો છે. રાવણે કહ્યું કે
ઇચ્છામાત્રથી જ નારાયણ થાય છે તો તું જે ચાહે છે તે કેમ ન થાય? ઇન્દ્ર પણ થા. તું
કુપુત્ર, તને તારા પિતાએ રાજ્યમાંથી કાઢયો. મહાદુઃખી દરિદ્રી, વનચારી, ભિખારી,
નિર્લજ્જ, તારી વાસુદેવ પદવી અમે જાણી લીધી, તારા મનમાં ઇર્ષ્યા છે તેથી તારા
મનોરથનો હું ભંગ કરીશ. આ ઘોઘલા જેવું ચક્ર મળ્યું તેનાથી તું ગર્વિષ્ઠ થયો છે, પણ
રંકોની એ જ રીત છે. એક ખોળનો ટુકડો મળે ત્યાં મનમાં ઉત્સવ કરે. ઘણું કહેવાથી શું?
આ પાપી વિદ્યાધરો તને મળ્યા છે તેમના સહિત અને આ ચક્ર-વાહન સહિત તારો નાશ
કરી તને પાતાળમાં પહોંચાડું છું. રાવણનાં આ વચન સાંભળી લક્ષ્મણે કોપથી ચક્રને
ઘુમાવીને રાવણ પર ચલાવ્યું. વજ્રપાત જેવો ભયંકર અવાજ કરતું અને પ્રલયકાળના સૂર્ય
જેવું તેજ ધરતું ચક્ર રાવણ પર આવ્યું. ત્યારે