વજ્રમય, અદ્ભુત નાના પ્રકારનાં રત્નો જડેલા અંગવાળું, દિવ્યમાળા અને સુગંધથી લિપ્ત,
અગ્નિના સમૂહતુલ્ય, વૈડૂર્યમણિના હજાર આરાવાળું, અસહ્યદર્શન, હજાર યક્ષો જેની સદા
સેવા કરે છે એવું, કાળનું મુખ હોય એવું ક્રોધથી ભરેલું આવું ચક્ર ચિંતવતાં જ રાવણના
હાથમાં આવ્યું. તેની જ્યોતિથી જ્યોતિષી દેવોની પ્રભા ઝાંખી પડી ગઈ, ચિત્રનો સૂર્ય
હોય એવી સૂર્યની કાંતિ થઈ ગઈ, અપ્સરા વિશ્વાવસુ, તુંબરુ, નારદ આદિ ગંધર્વો
આકાશમાં રણનું કૌતૂક જોતા હતા તે ભયથી દૂર થઈ ગયા અને લક્ષ્મણ અત્યંત ધીર
શત્રુને ચક્ર સંયુક્ત જોઈ કહેવા લાગ્યાઃ હે અધમ નર! જેમ કૃપણ કોડીને લે તેમ આને તું
શું લઈ રહ્યો છો? તારી શક્તિ હોય તો પ્રહાર કર. આમ કહ્યું ત્યારે તેણે ક્રોધે ભરાઈને,
દાંતથી હોઠ કરડતો, ચક્રને ફેરવીને લક્ષ્મણ ઉપર ચલાવ્યું. મેઘમંડળ સમાન શબ્દવાળું,
અત્યંત શીઘ્રતાથી પ્રલયકાળના સૂર્ય સમાન મનુષ્યોનાં જીવનને સંશયનું કારણ તેને
સન્મુખ આવતું જોઈ લક્ષ્મણ વજ્રામયી અણિવાળાં બાણોથી ચક્ર રોકવા તૈયાર થયા અને
શ્રી રામ વજ્રાવર્ત ધનુષ ચડાવીને અમોધ બાણોથી ચક્ર રોકવા તૈયાર થયા અને હળ-
મૂશળ ઘુમાવતાં ચક્ર સામે આવ્યા. સુગ્રીવ ગદા ફેરવીને ચક્ર સામે આવ્યો, ભામંડળ ખડ્ગ
લઈ, વિભીષણ ત્રિશૂળ લઈ ઊભા રહ્યા, હનુમાન મુદ્ગળ, લાંગૂલ, કનકાદિ લઈ તૈયાર
થયા અને અંગદ પારણ નામનું શસ્ત્ર લઈને ઊભો થયો અને અંગદનો ભાઈ અંગ કુહાડો
લઈને ઊભો થયો, બીજા પણ શ્રેષ્ઠ વિદ્યાધરો અનેક આયુધોથી યુક્ત બધા એક થઈને
જીવવાની આશા તજીને ચક્રને રોકવા તૈયાર થયા, પરંતુ ચક્રને રોકી ન શક્યા. જેની દેવ
સેવા કરે છે તે ચક્રે આવીને લક્ષ્મણને ત્રણ પ્રદક્ષિણા આપીને પોતાનું સ્વરૂપ વિનયરૂપ
કરી લક્ષ્મણના હાથમાં બેઠું, સુખદાયક શાંત આકારવાળું થઈ ગયું. ગૌતમ સ્વામી કહે છે,
હે મગધાધિપતિ! રામ-લક્ષ્મણનું મહાન ઋદ્ધિવાળું આ માહાત્મ્ય તને સંક્ષેપમાં કહ્યું, જે
સાંભળતાં પરમ આશ્ચર્ય ઉપજે છે અને જે લોકમાં શ્રેષ્ઠ છે. કેટલાકને પુણ્યના ઉદ્યમથી
પરમવિભૂતિ આવે છે અને કેટલાકને પુણ્યના ક્ષયથી નષ્ટ થાય છે. જે સૂર્યનો અસ્ત થતાં
ચંદ્રનો ઉદય થાય છે તેમ લક્ષ્મણના પુણ્યનો ઉદય જાણવો.
વર્ણન કરનાર પંચોતેરમું પર્વ પૂર્ણ થયું.