અને અમારું મન પણ લક્ષ્મણમાં મોહિત થયું હતું. હવે તે આ સંગ્રામમાં વર્તે છે, ખબર
નથી કે શું થાય? આ મનુષ્યોમાં ચંદ્ર સમાન અમારા પ્રાણનાથ છે, જે એમની દશા તે
અમારી. એમના આવા મનોહર શબ્દો સાંભળી લક્ષ્મણે ઊંચે જોયું ત્યારે તે આઠેય કન્યા
એમના દેખવાથી અત્યંત હર્ષ પામી અને કહેવા લાગી-હે નાથ! તમારું કામ સર્વથા સિદ્ધ
થાવ. તે વખતે લક્ષ્મણને વિઘ્નબાણનો ઉપાય સિદ્ધબાણ છે એ યાદ આવ્યું અને તેનું
વદન પ્રસન્ન થયું. તેણે સિદ્ધબાણ ચલાવી વિઘ્નબાણનો વિલય કર્યો અને મહાપ્રતાપરૂપ
યુદ્ધ માટે તૈયાર થયા. રાવણ જે જે શસ્ત્ર ચલાવતો તેને લક્ષ્મણ છેદી નાખતા. રાવણ
બહુરૂપિણી વિદ્યાના બળથી રણક્રીડા કરતો હતો. લક્ષ્મણે રાવણનું એક શિર છેદ્યું તો બે
શિર થયાં, બે છેદ્યાં ત્યારે ચાર થયાં, બે ભુજા છેદી ત્યારે ચાર થઈ, ચાર છેદી તો આઠ
થઈ. આ પ્રમાણે જેટલી છેદી તેનાથી બમણી થતી ગઈ ને શિર બમણાં થયાં. હજારો શિર
અને હજારો ભુજાઓ થઈ. રાવણના હાથ હાથીની સૂંઢ જેવા ભુજબંધનથી શોભિત અને
મસ્તક મુગટથી મંડિત, તેનાથી રણક્ષેત્ર ભરાઈ ગયું, જાણે રાવણરૂપ સમુદ્ર મહાભયંકર
અને તેનાં હજારો શિર તે મગરમચ્છ અને હજારો ભુજાઓ તે તરંગો, તેનાથી વધતો
ગયો. રાવણરૂપ મેઘ, જેના બાહુરૂપ વીજળી અને પ્રચંડ શબ્દ તથા શિર તે જ શિખરો,
તેનાથી શોભતો હતો. રાવણ એકલો જ મોટી સેના જેવો થઈ ગયો, અનેક મસ્તકો, જેના
ઉપર છત્ર ફરતાં હતાં. લક્ષ્મણે એને જાણે કે એમ વિચારીને બહુરૂપ કર્યો કે આગળ હું
એકલો અનેક સાથે યુદ્ધ કરતો, હવે આ એકલા સાથે શું યુદ્ધ કરું? તેથી તેને અનેક
શરીરોવાળો કર્યો. રાવણ પ્રજ્વલિત વન સમાન ભાસતો હતો, રત્નોનાં આભૂષણો અને
શસ્ત્રોનાં કિરણોથી પ્રદીપ્ત રાવણ લક્ષ્મણને હજારો ભુજાઓ વડે બાણ, શક્તિ, ખડ્ગ,
બરછી, સામાન્ય ચક્ર ઇત્યાદિ શસ્ત્રોની વર્ષા કરી આચ્છાદવા લાગ્યો. લક્ષ્મણે તે બધાં
બાણ છેદી નાખ્યાં અને ક્રોધથી સૂર્ય સમાન તેજરૂપ બાણોથી રાવણને આચ્છાદવાની
તૈયારી કરી. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, દશ, વીશ, સો, હજાર રાવણનાં માયામયી
શિર છેદ્યાં, હજારો શિર અને ભૂજાઓ ભૂમિ પર પડી, રણભૂમિ એનાથી આચ્છાદિત
થયેલી, જાણે સર્પોની ફેણો સાથેનું કમળોનું વન હોય તેવી શોભવા લાગી. ભુજાસહિત
શિર પડયાં તે ઉલ્કાપાત જેવાં ભાસ્યાં. બહુરૂપિણી વિદ્યાથી રાવણનાં જેટલા શિર અને
ભુજા થયાં તે બધાંને સુમિત્રાપુત્રે છેદી નાખ્યાં રુધિરની ધારા નિરંતર વહેતી, જેનાથી
આકાશમાં જાણે કે સંધ્યા ખીલી હોય તેવું લાગતું બે ભુજાના ધારક લક્ષ્મણે રાવણની
અસંખ્યાત ભુજાઓ વિફળ કરી નાખી. રાવણનું અંગ પરસેવાથી લદબદ થઈ ગયું છે,
જોરથી શ્વાસ ચાલી રહ્યો છે. જોકે તે મહાબળવાન હતો, તો પણ વ્યાકુળચિત્ત થયો.
ગૌતમ સ્વામી કહે છે-હે શ્રેણિક! બહુરૂપિણી વિદ્યાના બળથી રાવણે મહાભયંકર યુદ્ધ કર્યું,
પણ લક્ષ્મણ આગળ બહુરૂપિણી વિદ્યાનું બળ ન ચાલ્યું એટલે રાવણ માયાચાર છોડી,
ક્રોધપૂર્વક સહજરૂપ થઈને યુદ્ધ કરવા લાગ્યો, અનેક દિવ્ય શસ્ત્રોથી અને સામાન્ય
શસ્ત્રોથી યુદ્ધ કર્યું, પરંતુ વાસુદેવને જીતી ન શક્યો. ત્યારે પ્રલયકાળના સૂર્ય સમાન જેની
પ્રભા છે, પરપક્ષનો જે ક્ષય કરનાર છે તે ચક્રરત્નને યાદ કર્યું.