Padmapuran (Gujarati). Parva 75 - Ravaney Laxman par chakra chalaviyu, chakra Laxmanni pradikshina kariney tena hathma aaviyu.

< Previous Page   Next Page >


Page 475 of 660
PDF/HTML Page 496 of 681

 

background image
પદ્મપુરાણ પંચોતેરમું પર્વ ૪૭પ
તેથી બધે અંધકાર થયો, આકાશ વૃક્ષોના સમૂહથી ઢંકાઈ ગયું. તે વૃક્ષો કેવાં છે? આસાર
ફળોનો જે વરસાદ વરસાવે છે. બધે આસાર પુષ્પોના પટલ છવાઈ ગયા. રાવણે
સૂર્યબાણથી તિમિરબાણનું નિવારણ કર્યું અને લક્ષ્મણ તરફ નાગબાણ ફેંકયું. વિકરાળ
ફેણવાળા અનેક નાગ નીકળ્‌યા. લક્ષ્મણે ગરુડબાણથી નાગબાણ રોક્યું, ગરુડની પાંખો પર
આકાશ સુવર્ણની પ્રભારૂપ ભાસવા લાગ્યું. લક્ષ્મણે રાવણ પર સર્પબાણ ચલાવ્યું, તે સર્પો
પ્રલયકાળના મેઘ સમાન સુસવાટા કરતા હતા ને વિષરૂપ અગ્નિકણો ફેલાવતા હતા.
રાવણે મયૂરબાણથી સર્પબાણનું નિવારણ કર્યું અને વળતાં લક્ષ્મણ પર વિઘ્નબાણ ચલાવ્યું.
તે વિઘ્નબાણ દુર્નિવાર હતું તેનો ઉપાય સિદ્ધબાણ. તે લક્ષ્મણને યાદ ન આવ્યું એટલે
વજ્રદંડ આદિ અનેક શસ્ત્રો ચલાવ્યાં. રાવણ પણ સામાન્ય શસ્ત્રોથી યુદ્ધ કરતો હતો.
બન્ને યોદ્ધાઓ વચ્ચે સમાન યુદ્ધ થયું, જેવું ત્રિપૃષ્ઠ અને અશ્વગ્રીવ વચ્ચે થયું હતું. જેવો
પૂર્વોપાર્જિત કર્મનો ઉદય હોય તેવું ફળ થાય, તેવી ક્રિયા કરે. જે મહાક્રોધને વશ થઈને
કાર્ય આરંભ્યું હોય તેમાં ઉદ્યમી હોય તે નર તીવ્ર શસ્ત્રને, અગ્નિને, સૂર્યને અને વાયુને
ગણકારતો નથી.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણ અને લક્ષ્મણના યુદ્ધનું
વર્ણન કરનાર ચુમોતેરમું પર્વ પૂર્ણ થયું.
* * *
પંચોતેરમું પર્વ
(રાવણે લક્ષ્મણ પર ચક્ર ચલાવ્યું, ચક્ર લક્ષ્મણની પ્રદક્ષિણા કરીને તેના હાથમાં આવ્યું)
ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે, હે ભવ્યોત્તમ! બન્નેય સેનામાં તરસ્યાને
શીતળ મિષ્ટ જળ પીવરાવવામાં આવે છે, ભૂખ્યાને અમૃત સમાન આહાર અપાય છે, ખેદ
પામેલાને મલયાગિરિ ચંદનનો છંટકાવ કરવામાં આવે છે, તાડવૃક્ષના વીંઝણાથી પવન
નાખવામાં આવે છે. બરફનું પાણી છંટાય છે અને બીજા પણ અનેક ઉપચાર કરવામાં
આવે છે. પોતાનો કે પારકો કોઈ પણ હો, બધાની સારવાર કરાય છે, એ જ સંગ્રામની
નીતિ છે. યુદ્ધ કરતાં દસ દિવસ થયા. બન્નેય મહાવીર અભંગચિત્ત રાવણ અને લક્ષ્મણ
બેય સરખા-જેવા તે તેવા આ, યક્ષો, ગંધર્વો, કિન્નરો, અપ્સરાઓ આશ્ચર્ય પામ્યાં. બેયનો
યશ ગાતાં હતાં, બન્ને પર પુષ્પવર્ષા કરતાં હતાં. ચંદ્રવર્ધન નામના એક વિદ્યાધરની આઠ
પુત્રી આકાશમાં વિમાનમાં બેસી તેમને જોઈ રહી હતી. કુતૂહલથી અપ્સરા તેમને પૂછવા
લાગી-તમે દેવીઓ જેવી કોણ છો? તમારી લક્ષ્મણ તરફ વિશેષ ભક્તિ જણાય છે અને
તમે સુકુમાર શરીરવાળી છો. ત્યારે તે લજ્જાસહિત કહેવા લાગી કે તમને કુતૂહલ છે તો
સાંભળો જ્યારે સીતાનો સ્વયંવર થયો હતો ત્યારે અમારા પિતા અમારી સાથે ત્યાં
આવ્યા હતા. ત્યાં લક્ષ્મણને જોઈને અમને આપવાનું નક્કી કર્યું હતું.