મયે વિભીષણનું બખ્તર તોડયું તેથી વિભીષણ અશોકવૃક્ષના પુષ્પ સમાન લાલ થઈ
રુધિરની ધારા વહાવવા લાગ્યો. આથી વાનરવંશીઓની સેના ચલાયમાન થઈ ગઈ. રામ
યુદ્ધ માટે આવ્યા, વિદ્યામય સિંહના રથ પર ચડી તરત જ મય સામે આવ્યા. તેમણે
વાનરવંશીઓને કહ્યું કે તમે ડરો નહિ. રાવણની વીજળી સહિતની કાળી ઘટા સમાન
સેનામાં ઊગતા સૂર્ય સમાન શ્રી રામે પ્રવેશ કર્યો અને દુશ્મનની સેનાનો નાશ કરવા
લાગ્યા. આથી હનુમાન, ભામંડળ, સુગ્રીવ, વિભીષણને ધૈર્ય ઉપજ્યું અને વાનરવંશી સેના
ફરી યુદ્ધમાં પ્રવૃત્ત થઈ. રામનું બળ પામી રામના સેવકોનો ભય મટયો, બન્ને સેનાના
યોદ્ધાઓ પરસ્પર શસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા. જે જોઈને દેવો પણ આશ્ચર્ય પામ્યા. બન્ને
સેનામાં અંધકાર થઈ ગયો. પ્રકાશ વિના લોકો દેખાતા નહિ. શ્રી રામે રાજા મયને
બાણોથી ઢાંકી દીધો, થોડા જ શ્રમે મયને વિહ્વળ કરી મૂક્યો, જેમ ઇન્દ્ર ચમરેન્દ્રને કરે.
રામનાં બાણોથી મયને વિહ્વળ જોઈ કાળ સમાન રાવણ ક્રોધ કરીને રામ પર દોડયો.
લક્ષ્મણે રાવણને રામ તરફ આવતો જોઈ અત્યંત તેજથી કહ્યું, હે વિદ્યાધર! તું ક્યાં જાય
છે? મેં તને આજે જોયો, ઊભો રહે. હે રંક! પાપી, ચોર, પરસ્ત્રીરૂપ દીપકના પતંગિયા,
અદ્યમ, દુરાચારી! આજે હું તારી એવી હાલત કરીશ, જેવી કાળ પણ નહિ કરે. હે
કુમાનુષ! શ્રી રાઘવદેવ, જે સમસ્ત પૃથ્વીના પતિ છે તેમણે મને આજ્ઞા કરી છે કે આ
ચોરને સજા કરો. ત્યારે દશમુખ ક્રોધથી લક્ષ્મણને કહેવા લાગ્યોઃ અરે મૂઢ! તેં શું
લોકપ્રસિદ્ધ મારો પ્રતાપ સાંભળ્યો નથી? આ પૃથ્વી પર જે સુખદાયક સાર વસ્તુ છે તે
મારી જ છે, હું પૃથ્વીપતિ રાજા, જે ઉત્કૃષ્ટ વસ્તુ છે, તે મારી છે. ઘંટ ગજના કંઠમાં શોભે,
શ્વાનના કંઠમાં નહિ, તેમ યોગ્ય વસ્તુ મારા ઘેર શોભે, બીજાને ત્યાં નહિ. તું માત્ર મનુષ્ય
વૃથા વિલાપ કરે છે, તારી શક્તિ કેટલી? તું દીન મારા સમાન નથી, હું રંક સાથે શું યુદ્ધ
કરું? તું અશુભના ઉદયથી મારી સાથે યુદ્ધ કરવા ચાહે છે તે જીવનથી ઉદાસ થઈ મરવા
ચાહે છે. લક્ષ્મણ બોલ્યાઃ તું કેવો પૃથ્વીપતિ છે તેવો તને હું સારી પેઠે જાણું છું. આજ
તારી ગર્જના પૂરી કરું છું. લક્ષ્મણના આમ કહેતાં જ રાવણે લક્ષ્મણ પર પોતાનાં બાણ
ચલાવ્યાં અને લક્ષ્મણે રાવણ પર. જેમ વર્ષાના મેઘજળવૃષ્ટિથી પર્વતને ઢાંકી દે તેમ
બાણવૃષ્ટિથી એકબીજાએ અરસપરસને વીંધ્યા. લક્ષ્મણે રાવણનાં બાણ વજ્રદંડથી વચમાં
જ તોડી નાખ્યાં, પોતાના સુધી આવવાં ન દીધાં. બાણોના સમૂહને તોડીફોડી ચૂરો કરી
નાખ્યો. ધરતી અને આકાશ બાણના ટુકડાથી ભરાઈ ગયાં. લક્ષ્મણે રાવણને સામાન્ય
શસ્ત્રોથી વિહ્વળ કર્યો ત્યારે રાવણે જાણ્યું કે આ સામાન્ય શસ્ત્રોથી જિતાશે નહિ એટલે
રાવણે લક્ષ્મણ પર મેઘબાણ ચલાવ્યું તેથી ધરતી અને આકાશ જળમય બની ગયાં.
પ્રત્યુત્તરમાં લક્ષ્મણે પવનબાણ ચલાવ્યું, ક્ષણમાત્રમાં મેઘબાણનો નાશ કર્યો. પછી દશમુખે
અગ્નિબાણ ચલાવ્યું અને દશે દિશાઓ સળગવા લાગી તો લક્ષ્મણે વરુણશસ્ત્ર ચલાવ્યું
અને એક નિમિષમાં અગ્નિબાણ નાશ પામ્યું. હવે લક્ષ્મણે પાપબાણ છોડયું અને
ધર્મબાણથી રાવણે તેને રોકી લીધું. પછી લક્ષ્મણે ઈંધનબાણ ચલાવ્યું, રાવણે અગ્નિબાણથી
તેને ભસ્મ કર્યું. લક્ષ્મણે તિમિરબાણનો પ્રયોગ કર્યો