વળી, શ્વાસના પ્રકાશથી તેમને જીવતા જાણી તે ડરી જાય છે, જેમ ડાકણ મંત્રવાદીથી દૂર
રહે છે. સામંતોને જીવતા જાણી યક્ષિણી ઊડી જાય છે, જેમ દુષ્ટ નારી, ચંચળ આંખોને
ચિત્તવાળી પતિની સમીપેથી જતી રહે છે. જીવોના શુભાશુભ પ્રકૃતિનો ઉદય યુદ્ધમાં દેખાય
છે; બન્ને બરાબર હોય ને છતાં કોઈની હાર અને કોઈની જીત થાય છે. કોઈ વાર અલ્પ
સેનાનો સ્વામી મોટી સેનાના સ્વામીને જીતે છે અને કોઈ સુકૃતના સામર્થ્યથી ઘણાને જીતે
અને કોઈ ઘણા પણ પાપના ઉદયથી હારી જાય. જે જીવોએ પૂર્વભવમાં તપ કર્યું હોય તે
રાજ્યના અધિકારી થાય છે, વિજય પામે છે અને જેણે તપ ન કર્યું હોય અથવા તપનો
ભંગ કર્યો હોય તેની હાર થાય છે. ગૌતમ સ્વામી કહે છે હે શ્રેણિક! આ ધર્મ મર્મની રક્ષા
કરે છે અને દુર્જયને જીતે છે, ધર્મ જ મહાન સહાયક છે, મોટો પક્ષ ધર્મનો છે, ધર્મ બધે
રક્ષણ કરે છે. ઘોડા સહિતના રથ, પર્વત, સમાન હાથી, પવન સમાન તુરંગ અસુરકુમાર
જેવાં પ્યાદાં ઇત્યાદિ સામગ્રી પૂર્ણ હોય પરંતુ પૂર્વપુણ્યના ઉદય વિના કોઈ રાખવા સમર્થ
નથી, એક પુણ્યાધિકારી જ શત્રુઓને જીતે છે. આ પ્રમાણે રામ-રાવણના યુદ્ધની પ્રવૃત્તિમાં
યોદ્ધાઓ વડે યોદ્ધાઓ હણાયા, તેમનાથી રણક્ષેત્ર ભરાઈ ગયું, ખાલી જગા ન રહી.
આયુધો સાથે યોદ્ધા ઊછળે છે, પડે છે તેથી આકાશ એવું લાગતું હતું જાણે કે ઉત્પાતનાં
વાદળોથી મંડિત છે.
પક્ષના યોદ્ધાઓએ રાક્ષસોની સેનાને દબાવી. રાવણના યોદ્ધા કુંદ, કુંભ, નિકુંભ, વિક્રમ,
ક્રમાણ, જંબુમાલી, કાકબલી, સૂર્યાર, મકરધ્વજ, અશનિરથ ઇત્યાદિ રાક્ષસોના મોટા મોટા
રાજાઓ તરત જ યુદ્ધ માટે ઊભા થયા અને તેમની સાથે ભૂધર, અચલ, સમ્મેદ, નિકાલ,
કુટિલ, અંગદ, સુષેણ, કાલચંદ્ર, ઊર્મિતરંગ ઈત્યાદિ વાનરવંશી યોદ્ધા આવ્યા, બન્ને પક્ષના
યોદ્ધા પરસ્પર મહાન યુદ્ધ કરવા લાગ્યા. અંજનાનો પુત્ર હાથીઓના રથ પર ચઢી રણમાં
ક્રીડા કરવા લાગ્યો, જેમ કમળોથી ભરેલા સરોવરમાં મહાગજ ક્રીડા કરે. ગૌતમ ગણધર
કહે છે કે હે શ્રેણિક! શૂરવીર હનુમાને રાક્ષસોને ખૂબ ચલિત કરી દીધા, એને જે ગમ્યું તે
કર્યું. એટલે મંદોદરીનો બાપ રાજા મય વિદ્યાધર દૈત્યવંશી ક્રોધથી લાલ આંખો કરી
હનુમાનની સન્મુખ આવ્યો. કમળનયન હનુમાને બાણવૃષ્ટિ કરી અને મયના રથના ચૂરા
કરી નાખ્યા. મય બીજા રથ પર ચડી યુદ્ધ કરવા લાગ્યો એટલે હનુમાને તે રથ પણ તોડી
નાખ્યો. મયને વિહ્વળ જોઈ રાવણે બહુરૂપિણી વિદ્યાથી પ્રજ્વલિત ઉત્તમ રથ શીઘ્ર
મોકલ્યો. રાજા મયે તે રથ પર ચડીને હનુમાનનો રથ તોડયો. હનુમાનને દબાતો જોઈને
ભામંડળ મદદ માટે આવ્યો. મયે બાણવર્ષા કરી ભામંડળનો પણ રથ તોડી નાખ્યો. ત્યારે
રાજા સુગ્રીવ તેની મદદે આવ્યો, મયે તેને શસ્ત્રરહિત કર્યો અને ધરતી પર પાડયો. હવે
એની મદદે વિભીષણ આવ્યો. વિભીષણ અને મય વચ્ચે ભયંકર યુદ્ધ થયું, પરસ્પર બાણ છોડયાં.