બંધનમાં છે અને કુંભકર્ણ પણ બંધનમાં છે. તે પુણ્યાધિકારી સુભટ, મહાગુણવંત, તેમને શ્રી
રામચંદ્ર પ્રત્યે પ્રીતિ કરીને છોડાવો. હે પ્રાણવલ્લભ, પ્રાણનાથ! ઊઠો, અમારી સાથે હિતની
વાત કરો. હે દેવ! બહુ લાંબો વખત સૂઈ શું રહેવાનું? રાજાઓએ તો રાજનિતિમાં જાગ્રત
રહેવાનું હોય માટે આપ રાજ્યકાર્યમાં પ્રવર્તો. હે સુંદર! હે પ્રાણપ્રિય! અમારાં શરીર
વિરહરૂપ અગ્નિથી અત્યંત જળે છે તેને સ્નેહના જળથી બુઝાવો. હે સ્નેહીઓના પ્યારા!
તમારું આ વદનકમળ કોઈ જુદી જ અવસ્થા પામ્યું છે તેથી તેને જોતાં અમારા હૃદયના
ટુકડા કેમ ન થઈ જાય? આ અમારું પાપી હૃદય વજ્રનું છે કે દુઃખના ભાજન એવા તમારી
આ અવસ્થા જોઈને નાશ પામતું નથી? આ હૃદય અત્યંત નિર્દય છે. અરે, વિધાતા! અમે
તમારું કયું અહિત કર્યું છે તે તમે નિર્દય બનીને અમારા શિરે આવું દુઃખ નાખ્યું? હે
પ્રીતમ! જ્યારે અમે માન કરતી ત્યારે તમે અમને છાતીએ વળગાડીને અમારું માન દૂર
કરતા અને વચનરૂપ અમૃત અમને પીવડાવતા, ખૂબ પ્રેમ બતાવતા, અમારા પ્રેમરૂપ કોપને
દૂર કરવા અમારા પગે પડતા અને અમારું હૃદય આપને વશ થઈ જતું. આપ અમારી સાથે
અતિમનોહર ક્રીડા કરતા. હે રાજેશ્વર! અમારી સાથે પ્રેમ કરો, પરમ આનંદ આપનારી તે
ક્રીડાઓ અમને યાદ આવે છે તેથી અમારું હૃદય અત્યંત બળે છે. હવે આપ ઊઠો, અમે
તમારા પગમાં પડીએ છીએ, તમને નમસ્કાર કરીએ છીએ. પોતાના પ્રિયજનો પ્રત્યે ઘણો
ગુસ્સો ન કરો. પ્રેમમાં કોપ શોભતો નથી. હે શ્રેણિક! આ પ્રમાણે રાવણની રાણીઓ
વિલાપ કરતી હતી, જેને સાંભળી કોનું હૃદય ન દ્રવી ઊઠે?
હે રાજન્! ઘણું રોવાથી શો લાભ? હવે વિષાદ છોડો, આ કર્મની ચેષ્ટા શું તમે પ્રત્યક્ષ
નથી જાણતા? પૂર્વકર્મના પ્રભાવથી આનંદ પામતાં પ્રાણીઓને કષ્ટની પ્રાપ્તિ અવશ્ય થાય
છે, તેનો શોક શો? અને તમારો ભાઈ સદાય જગતના હિતમાં સાવધાન, પરમ પ્રીતિનું
ભાજન, સમાધાનરૂપ બુદ્ધિવાળો, રાજકાર્યમાં પ્રવીણ પ્રજાનો પાલક, સર્વ શાસ્ત્રોના અર્થથી
જેનું ચિત્ત નિર્મળ થયું હતું તે બળવાન મોહથી દારુણ અવસ્થા પામ્યો છે. જ્યારે જીવનો
વિનાશકાળ આવે છે ત્યારે બુદ્ધિ અજ્ઞાનરૂપ થઈ જાય છે. રામે આવાં શુભ વચન કહ્યાં.
પછી ભામંડળે મધુર વાતો કરી કે હે વિભીષણ મહારાજ! તમારા ભાઈ રાવણ ઉદાર
ચિત્તે રણમાં યુદ્ધ કરતાં વીર મરણથી પરલોક પામ્યા છે. જેનું નામ ન ગયું તેણે કાંઈ જ
ગુમાવ્યું નથી. જે સુભટપણે પ્રાણ ત્યજે તેને ધન્ય છે. તે મહાપરાક્રમી વીર હતા, તેમનો
શોક શો? રાજા અરિંદમની કથા સાંભળો. અક્ષપુર નામનું એક નગર હતું. ત્યાનો રાજા
અરિંદમ મોટી વિભૂતિનો સ્વામી હતો. એક દિવસ કોઈ બાજુએથી પોતાના મહેલમાં
શીઘ્રગામી અશ્વ પર બેસીને અચાનક આવ્યો. તેણે રાણીને શણગાર સજેલી