Padmapuran (Gujarati). Parva 80 - Vibishannu potana dada adiney sambodhan.

< Previous Page   Next Page >


Page 490 of 660
PDF/HTML Page 511 of 681

 

background image
૪૯૦ એંસીમું પર્વ પદ્મપુરાણ
ફૂલોની વર્ષા કરવા લાગ્યા, સુગંધી જળની વર્ષા કરવા લાગ્યા ને મુખમાંથી ઉચ્ચારવા
લાગ્યા કે અહો, અનુપમ શીલવાળી શુભચિત્ત સીતાને ધન્ય છે, તેની અચળતા અને
ગંભીરતાને ધન્ય છે. વ્રતશીલની મનોજ્ઞતા તથા નિર્મળપણાને ધન્ય છે. સીતા સતીઓમાં
ઉત્કૃષ્ટ છે, જેણે મનથી પણ બીજો પુરુષ ઇચ્છયો નથી, જેનાં વ્રત-નિયમ શુદ્ધ છે. તે જ
વખતે અતિભક્તિ ભરેલો લક્ષ્મણ આવી સીતાના પગમાં પડયો, વિનય સંયુક્ત લક્ષ્મણને
જોઈ સીતા આંસુ વહાવતી તેને છાતીએ વળગાડી બોલીઃ હે વત્સ! મહાજ્ઞાની મુનિ કહેતા
હતા કે આ વાસુદેવ પદના ધારક છે તે પ્રગટ થયું અને તેં અર્ધચક્રીપદનું રાજ્ય મેળવ્યું,
નિર્ગ્રંથનાં વચન અન્યથા હોતાં નથી. તારા આ મોટા ભાઈ પુરુષોત્તમ બળદેવે વિરહરૂપ
અગ્નિમાં બળતી મને બહાર કાઢી. પછી ચંદ્રમા સમાન જ્યોતિવાળો ભાઈ ભામંડળ
બહેનની સમીપે આવ્યો, તેને જોઈને અતિમોહથી મળી. ભાઈ વિનયવાન છે, રણમાં તેણે
મોટું પરાક્રમ કર્યું હતું. પછી સુગ્રીવ, હનુમાન, નળ, નીલ, અંગદ, વિરાધિત, ચંદ્ર, સુષેણ,
જાંબવત ઇત્યાદિક મોટા મોટા વિદ્યાધરો પોતાનું નામ કહી સીતાને વંદન અને સ્તુતિ
કરવા લાગ્યા, નાના પ્રકારનાં વસ્ત્ર, આભૂષણ, કલ્પવૃક્ષનાં પુષ્પોની માળા તેના ચરણ
સમીપે સુવર્ણપાત્રમાં ભેટરૂપે મૂકવા લાગ્યા. તેમણે સ્તુતિ કરીઃ હે દેવી! તમે ત્રણ લોકમાં
પ્રસિદ્ધ છો અત્યંત ઉદાર છો, ગુણસંપદાથી સૌથી મોટા છો, દેવો દ્વારા સ્તુતિ કરવા યોગ્ય
છો, તમારું દર્શન મંગળરૂપ છે, જેમ સૂર્યની પ્રભા સૂર્યસહિત પ્રકાશ કરે તેમ તમે પણ શ્રી
રામચંદ્ર સહિત જયવંત રહો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી.
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-સીતાના મિલનનું વર્ણન
કરનાર ઓગણએંસીમું પર્વ પૂર્ણ થયું.
* * *
એંસીમું પર્વ
(વિભીષણનું પોતાના દાદા આદિને સંબોધન)
પછી સીતાના મિલનથી જેમનું મુખકમળ ખીલી ઊઠયું છે એવા શ્રી રામ પોતાના
હાથે સીતાનો હાથ પકડી ઊભા થયા, ઐરાવત ગજ સમાન હાથી પર સીતા સહિત બેઠાં.
મેઘ સમાન હાથીની પીઠ પર જાનકીરૂપ રોહિણી સહિત રામરૂપ ચંદ્રમા પોતાના અનુરાગી
મોટા મોટા વિદ્યાધરો અને લક્ષ્મણ સાથે સ્વર્ગવિમાન તુલ્ય રાવણના મહેલમાં પધાર્યા.
રાવણના મહેલની મધ્યમાં શ્રી શાંતિનાથ ભગવાનનું અતિસુંદર મંદિર છે, તેમાં સુવર્ણના
હજારો સ્તંભ છે, મંદિરની મનોહર ભીંત રત્નોથી મંડિત છે, મહાવિદેહમાં સુમેરુગિરિ શોભે
તેવું રાવણના મહેલની મધ્યમાં શ્રી શાંતિનાથનું મંદિર શોભે છે. તેને જોતાં નેત્રો મોહ
પામે છે. ત્યાં ઘંટારવ થાય છે, ધજા ફરકે છે, તેનું વર્ણન કરવું શક્ય નથી. શ્રી રામ હાથી
ઉપરથી નીચે ઊતર્યા, પ્રસન્ન નેત્રે જાનકી