બધા લોકોને સ્વર્ગના દેવ જેવા લક્ષ્મીવાન બનાવી દીધા. નગરમાં એવી ઘોષણા કરી કે
જેને જે વસ્તુની ઇચ્છા હોય તે લઈ જાવ. ત્યારે બધા લોકોએ આવીને કહ્યું કે અમારા
અખૂટ ભંડાર ભર્યા છે, કોઈ વસ્તુની ઇચ્છા નથી. અયોધ્યામાંથી દરિદ્રતાનો નાશ થયો.
રામ-લક્ષ્મણના પ્રતાપરૂપ સૂર્યથી જેમનાં મુખકમળ ખીલી ઊઠયાં છે એવા અયોધ્યાના
નગરજનો પ્રશંસા કરવા લાગ્યા. અનેક શિલ્પી વિદ્યાધરોએ આવીને અત્યંત ચતુરાઈથી
રત્ન સુવર્ણમય મહેલો બનાવ્યા, ભગવાનનાં અનેક મનોજ્ઞ ચૈત્યાલયો બનાવ્યાં, જાણે કે
વિંધ્યાચળનાં શિખરો જ હોય. હજારો સ્તંભથી મંડિત નાના પ્રકારના મંડપો રચ્યા, રત્નો
જડેલા તેના દરવાજા બનાવ્યા. તે મંદિરો પર ધજાઓ ફરફરે છે, તોરણોથી શોભતાં
જિનમંદિરો રચ્યાં, તેમાં મહોત્સવ થયા, અયોધ્યા અનેક આશ્ચર્યોથી ભરાઈ ગઈ. લંકાની
શોભાને જીતનારા સંગીતના ધ્વનિથી દશે દિશા ગુંજાયમાન થઈ, કાળી ઘટા સમાન વન-
ઉપવન શોભતાં હતાં, તેમાં નાના પ્રકારનાં ફળફૂલો પર ભમરાઓ ગુંજતા હતા, જાણે કે
નંદનવન જ છે. બાર યોજન લાંબી, નવ યોજન પહોળી અયોધ્યા નગરી અત્યંત શોભી
રહી. સોળ દિવસમાં શિલ્પી વિદ્યાધરોએ એવી રચના કરી કે સો વર્ષે પણ તેનું વર્ણન પૂરું
ન થાય. ત્યાં વાવનાં પગથિયાં રત્ન અને સુવર્ણના, સરોવરના તટ રત્નનાં, તેમાં કમળો
ખીલી ઊઠયાં છે, ગ્રીષ્મ ઋતુમાં પણ સદા ભરપૂર જ રહે છે, તેમના તટ પર ભગવાનનાં
મંદિરો અને વૃક્ષોની પંક્તિથી સ્વર્ગપુરી સમાન શોભતી હતી. પછી બળભદ્ર-નારાયણ
લંકામાંથી અયોધ્યા તરફ આવવા નીકળ્યા. ગૌતમ સ્વામી કહે છે, હે શ્રેણિક! જે દિવસથી
નારદના મુખે રામ-લક્ષ્મણે માતાની વાત સાંભળી તે દિવસથી તેઓ બીજી બધી વાત
ભૂલી ગયા, બન્ને માતાનું જ ધ્યાન ધરવા લાગ્યા. પૂર્વજન્મના પુણ્યથી આવા પુત્રો મળે
છે, પુણ્યના પ્રભાવથી સર્વ વસ્તુની સિદ્ધિ થાય છે. પુણ્યથી શું ન થાય? માટે હે
પ્રાણીઓ! પુણ્યમાં તત્પર થાવ જેથી શોકરૂપ સૂર્યનો આતાપ લાગે નહિ.
એકાસીમું પર્વ પૂર્ણ થયું.
રામ-લક્ષ્મણની સેવામાં તત્પર પરિવારસહિત સાથે ચાલ્યા, છત્ર અને ધ્વજાઓથી સૂર્યની
પ્રભા જેમણે રોકી લીધી છે, તે આકાશમાં ગમન કરતાં દૂરથી પૃથ્વીને જોતાં જાય છે.
પૃથ્વી, ગિરિ, નગર, વન,