સમીપમાં સીતા સતી સાક્ષાત્ લક્ષ્મીસમાન શોભે છે તે સુમેરુ પર્વત જોઈને રામને પૂછવા
લાગી, હે નાથ! આ જંબૂદ્વીપની મધ્યમાં અત્યંત મનોજ્ઞ સ્વર્ણ કમળ સમાન શું દેખાય છે?
રામે ઉત્તર આપ્યો કે હે દેવી એ સુમેરુ પર્વત છે, ત્યાં દેવાધિદેવ શ્રી મુનિ સુવ્રતનાથનો
જન્માભિષેક ઇન્દ્રાદિક દેવોએ કર્યો હતો. તેમને ભગવાનના પાંચેય કલ્યાણકોમાં અતિ હર્ષ
હોય છે. આ સુમેરુ પર્વત રત્નમય ઊંચાં શિખરોથી શોભતો જગપ્રસિદ્ધ છે. પછી આગળ
જતાં કહ્યું કે આ દંડકવન છે, જ્યાંથી લંકાપતિએ તારું હરણ કર્યું હતું અને પોતાનું અહિત
કર્યું. આ વનમાં આપણે ચારણ મુનિને પારણું કરાવ્યું હતું, તેની વચ્ચે આ સુંદર નદી છે
અને હે સુલોચને! આ વંશસ્થળ પર્વત છે, ત્યાં આપણે દેશભૂષણ કુલભૂષણ મુનિનાં દર્શન
કર્યાં તે જ સમયે મુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. હે સૌભાગ્યવતી કલ્યાણરૂપિણી!
આ બાલખિલ્યનું નગર છે, જ્યાંથી લક્ષ્મણે કલ્યાણમાલાને પ્રાપ્ત કરી. આ દશાંગનગર જ્યાં
રૂપવતીના પિતા પરમશ્રાવક વજ્રકર્ણ રાજ્ય કરે છે. વળી જાનકીએ પૃથ્વીપતિને પૂછયું, હે
કાંત! આ કઈ નગરી છે જ્યાંના વિમાન જેવાં ઘરો ઇન્દ્રપુરીથીય અધિક શોભે છે? અત્યાર
સુધીમાં આ પુરી મેં ક્યારેય જોઈ નથી. જાનકીનાં આ વચન સાંભળી જાનકીનાથ
અવલોકન કરી બોલ્યા, હે પ્રિયે! આ અયોધ્યાપુરી છે તેને વિદ્યાધર શિલ્પીઓએ લંકાની
જ્યોતિને પણ જીતનારી બનાવી છે.
જોઈ રામ-લક્ષ્મણે પુષ્પક વિમાનને જમીન પર ઉતાર્યું. ભરત હાથી પરથી ઉતરી પાસે
આવ્યો, સ્નેહથી ભરેલા તેણે બેય ભાઈઓને પ્રણામ કરી અર્ધપાદ્ય કર્યું. બન્ને ભાઈઓએ
વિમાનમાંથી ઉતરી ભરતને છાતી સાથે ચાંપ્યો, પરસ્પર કુશળ સમાચાર પૂછયા. પછી
ભરતને પુષ્પક વિમાનમાં બેસાડી દીધો અને અયોધ્યામાં પ્રવેશ કર્યો. રામના આગમનના
કારણે અયોધ્યાને ખૂબ શણગારવામાં આવી છે, ધજાઓ ફરકે છે, જાતજાતનાં વિમાનો,
રથો, હાથી, ઘોડાથી માર્ગમાં જગ્યા નથી. વાજિંત્રો વાગવા લાગ્યાં, મધુર ધ્વનિ સંભળાવા
લાગ્યા, વાજિંત્રોના શબ્દો, ઘોડાઓની હણહણાટી, ગજોની ગર્જના સામંતોના અટ્ટહાસ,
વીણા-બંસરીના નાદથી દશેય દિશાઓ વ્યાપ્ત થઈ ગઈ, ભાટ-ચારણો બીરુદ વખાણે છે,
નૃત્યકારિણી નૃત્ય કરે છે, ભાંડ નકલ કરે છે, નટ કળા કરે છે, સૂર્યના રથસમાન રથો,
તેના ચિત્રકારો, વિદ્યાધર મનુષ્ય પશુઓના જાતજાતના અવાજો; આ બધાનું ક્યાં સુધી
વર્ણન કરીએ? વિદ્યાધરોના અધિપતિએ પરમ શોભા કરી છે. બન્ને ભાઈ મનોહર
અયોધ્યામાં પ્રવેશ્યા. અયોધ્યા નગરી સ્વર્ગ સમાન છે, રામ-લક્ષ્મણ ઇન્દ્ર-પ્રતીન્દ્ર સમાન
છે, સમસ્ત વિદ્યાધરો દેવસમાન છે, તેમનું શું વર્ણન કરીએ? શ્રી રામચંદ્રને જોઈ પ્રજારૂપ
સમુદ્રમાં આનંદના ધ્વનિ વધતા ગયા, સારા સારા માણસો અર્ધપાદ્ય કરવા લાગ્યા, બન્ને
ધીર વીરોને સર્વજનો આશીર્વાદ આપવા લાગ્યા, હે દેવ! જયવંત વર્તો! વૃદ્ધિ પામો!