રામાદિ હાથી પરથી નીચે ઊતરી આગળ ચાલ્યા. બન્ને હાથ જોડી પ્રણામ કરીને પૂજા
કરી. પોતે યોગ્ય સ્થાન પર વિનયપૂર્વક બેઠા અને કેવળીનાં વચનો સાવધાન ચિત્તથી
સાંભળવા લાગ્યા. તે વચનો વૈરાગ્યનું કારણ અને રાગાદિના નાશક છે, કેમ કે રાગાદિક
સંસારનું કારણ છે અને સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર મોક્ષનું કારણ છે. કેવળીના દિવ્યધ્વનિમાં
આ પ્રમાણે વ્યાખ્યાન થયું-અણુવ્રતરૂપ શ્રાવકનો ધર્મ અને મહાવ્રતરૂપ યતિનો ધર્મએ
બન્નેય કલ્યાણનું કારણ છે. યતિનો ધર્મ સાક્ષાત નિર્વાણનું કારણ છે અને શ્રાવકનો ધર્મ
પરંપરાએ મોક્ષનું કારણ છે. ગૃહસ્થનો ધર્મ અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહવાળો કાંઈક
સુગમ છે અને યતિનો ધર્મ નિરારંભ, નિષ્પરિગ્રહરૂપ અતિકઠિન શૂરવીરો વડે જ સધાય
છે. આ લોક અનાદિનિધન છે, તેના આદિઅંત નથી, તેમાં આ પ્રાણી લોભથી મોહાઈને
જુદા જુદા પ્રકારની કુયોનિમાં દુઃખ પામે છે, સંસારનો તારનાર ધર્મ જ છે. આ ધર્મ
જીવોનો પરમ મિત્ર અને સાચો હિતુ છે. ધર્મનું મૂળ જીવદયા છે તેનો મહિમા કહી શકાય
તેમ નથી. તેના પ્રસાદથી પ્રાણી મનવાંછિત સુખ પામે છે, ધર્મ જ પૂજ્ય છે. જે ધર્મનું
સાધન કરે છે તે જ પંડિત છે. આ દયામૂળ ધર્મ જે મહાન કલ્યાણનું કારણ છે તે
જિનશાસન સિવાય અન્યત્ર નથી. જે પ્રાણી જિનપ્રણિત ધર્મમાં સ્થિર થયા તે ત્રણ
લોકના અગ્રે પરમધામને પામ્યા. આ જિનધર્મ પરમ દુર્લભ છે. આ ધર્મનું મુખ્ય ફળ તો
મોક્ષ જ છે અને ગૌણ ફળ સ્વર્ગમાં ઇન્દ્રપદ, પાતાળમાં નાગેન્દ્રપદ અને પૃથ્વી પર
ચક્રવર્ત્યાદિ નરેન્દ્રપદ છે. આ પ્રમાણે કેવળીએ ધર્મનું નિરૂપણ કર્યું. પછી લક્ષ્મણે પ્રસંગ
પામીને પૂછયું કે હે પ્રભો! ત્રૈલોક્યમંડન હાથી ગજબંધન ઉખાડીને ક્રોધે ભરાયો પછી
તત્કાળ શાંત બની ગયો તેનું કારણ શું? ત્યારે કેવળી દેશભૂષણે ઉત્તર આપ્યો કે પ્રથમ
તો આ લોકોની ભીડ જોઈને મદોન્મત્તતાથી તે ગુસ્સે થયો હતો. પછી તેણે ભરતને જોઈ,
પોતાના પૂર્વભવનું સ્મરણ કર્યું અને તે શાંત થયો. ચોથા કાળની શરૂઆતમાં આ
અયોધ્યામાં નાભિરાજાની રાણી મરુદેવીના ગર્ભમાં શ્રી ઋષભદેવ આવ્યા. તેમણે
પૂર્વભવમાં સોળ કારણ ભાવના ભાવીને ત્રણ લોકને આનંદનું કારણ એવું તીર્થંકર પદ
ઉપાજર્યું હતું. તે પૃથ્વી પર આવ્યા, ઇન્દ્રાદિક દેવોએ તેમના ગર્ભ અને જન્મકલ્યાણક
ઉજવ્યા. તે પુરુષોત્તમ ત્રણ લોકથી વંદવાયોગ્ય પૃથ્વીરૂપ પત્નીના પતિ થયા. વિંધ્યાચળ
ગિરિ જેના સ્તન છે અને સમુદ્ર જેની કટિમેખલા છે તે પૃથ્વીનું ઘણાં વર્ષો સુધી તેમણે
રાજ્ય કર્યું. જેમનું ઐશ્વર્ય જોઈને ઇન્દ્રાદિ દેવ આશ્ચર્ય પામ્યા. તેમનાં ગુણોને કેવળી
સિવાય કોઈ જાણવા સમર્થ નથી.
ભરતને રાજ્ય આપી મુનિ થયા. ઇન્દ્રાદિક દેવોએ તપકલ્યાણકનો ઉત્સવ કર્યો. તેમણે
તિલક નામના ઉદ્યાનમાં મહાવ્રત લીધાં. ત્યારથી એ સ્થાન પ્રયાગ કહેવાયું. ભગવાને એક
હજાર વર્ષ સુધી તપ કર્યું. સુમેરું સમાન અચળ, સર્વ પરિગ્રહના ત્યાગી તપ કરવા લાગ્યા.
તેમની સાથે ચાર