Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 519 of 660
PDF/HTML Page 540 of 681

 

background image
પદ્મપુરાણ છયાંસીમું પર્વ પ૧૯
હું ડૂબું છું. તેથી મને હાથનો ટેકો આપી બહાર કાઢો. એમ કહીને કેવળીની આજ્ઞા પ્રમાણે
જેણે સમસ્ત પરિગ્રહ છોડયો છે તેવા તેમણે પોતાના હાથે શિરના કેશોનો લોચ કર્યો,
મહાવ્રત અંગીકાર કરી, જિનદીક્ષા ધારણ કરી દિગંબર થયા. ત્યારે આકાશમાં દેવો
ધન્યધન્ય કહેવા લાગ્યા અને કલ્પવૃક્ષના ફૂલોની વર્ષા કરવા લાગ્યા.
હજારથી અધિક રાજાઓએ ભરતના અનુરાગથી રાજઋદ્ધિ છોડી જિનેન્દ્રી દીક્ષા
ધારણ કરી, કેટલાક અલ્પશક્તિવાળાઓ અણુવ્રત લઈ શ્રાવક થયા. માતા કૈકેયી પુત્રનો
વૈરાગ્ય જાણી આંસુની વર્ષા કરવા લાગી, વ્યાકુળ ચિત્ત થઈને દોડી અને જમીન પર પડી,
અત્યંત મોહ પામી. પુત્રની પ્રીતિથી જેનું શરીર મડદા જેવું થઈ ગયું છે તેને ચંદનાદિ
જળથી છંટકાવ કરવા છતાં સચેત ન થઈ, ઘણીવાર પછી જાગ્રત થઈ. જેમ વાછરડા
વિના ગાય પોકાર કરે તેમ વિલાપ કરવા લાગી. અરે પુત્ર! તું અતિ વિનયી, ગુણોની
ખાણ, મનને આહ્લાદનું કારણ હતો, અરેરે! તું ક્યાં ગયો? હે પુત્ર! મારું અંગ
શોકસાગરમાં ડૂબે છે તેને રોક. તારા જેવા પુત્ર વિના દુઃખસાગરમાં ડૂબેલી હું કેવી રીતે
જીવીશ? હાય, હાય! આ શું થયું? આ પ્રમાણે વિલાપ કરતી માતાને રામ-લક્ષ્મણે
સંબોધીને વિશ્રામ આપ્યો. તેમણે ધૈર્ય બંધાવતાં કહ્યું કે હે માતા! ભરત મહાવિવેકી જ્ઞાની
છે, તમે શોક છોડો. અમે શું તમારા પુત્ર નથી? અમે તમારા આજ્ઞાંકિત સેવકો છીએ.
કૌશલ્યા, સુમિત્રા અને સુપ્રભાએ પણ ખૂબ સંબોધન કર્યું ત્યારે તે શોકરહિત થઈ
પ્રતિબોધ પામી. જેનું મન શુદ્ધ થયું છે તે પોતાના અજ્ઞાનની ખૂબ નિંદા કરવા લાગી-
ધિક્કાર છે આ સ્ત્રી પર્યાયને! આ પર્યાય અનેક દોષોની ખાણ છે, અત્યંત અશુચિ
બીભત્સ નગરની મોરી સમાન છે. હવે એવો ઉપાય કરું કે જેથી સ્ત્રી પર્યાય ધરું નહિ,
સંસારસમુદ્રને તરી જાઉં. એ સદાય જિનશાસનની ભક્ત તો હતી જ, હવે અત્યંત વૈરાગ્ય
પામી, પૃથ્વીમતી આર્યિકા પાસે આર્યિકા થઈ. એક શ્વેત વસ્ત્ર ધારણ કર્યું અને પરિગ્રહ
તજી સમ્યક્ત્વ ધારણ કરી સર્વ આરંભનો ત્યાગ કર્યો. તેની સાથે ત્રણસો આર્યિકા થઈ.
એ વિવેકી પરિગ્રહ તજી વૈરાગ્ય લઈ કલંકરહિત ચંદ્રમાની કળા મેઘપટલ રહિત શોભે
તેવી શોભતી હતી. શ્રી દેશભૂષણ કેવળીનો ઉપદેશ સાંભળી અનેક પુરુષો મુનિ થયા,
અનેક સ્ત્રીઓ આર્યિકા થઈ તેના કમળોથી સરોવરીની પેઠે પૃથ્વી શોભી ઉઠી. જેમનાં
ચિત્ત પવિત્ર બન્યાં છે એવા અનેક નરનારીઓએ નાના પ્રકારના નિયમ લીધા, શ્રાવક-
શ્રાવિકાનાં વ્રત લીધાં. એ યોગ્ય જ છે કે સૂર્યના પ્રકાશમાં નેત્રવાળા જીવો વસ્તુનું
અવલોકન કરે જ કરે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ભરત અને કૈકેયીના વૈરાગ્યનું
વર્ણન કરનાર છયાસીમું પર્વ પૂર્ણ થયું.
* * *