Padmapuran (Gujarati). Parva 87 - Trilokmandan hathinu svarggaman aney Bharat mahamuninu nirvangaman.

< Previous Page   Next Page >


Page 520 of 660
PDF/HTML Page 541 of 681

 

background image
પર૦ સત્તાસીમું પર્વ પદ્મપુરાણ
સત્તાસીમું પર્વ
(ત્રૈલોક્યમંડન હાથીનું સ્વર્ગગમન અને ભરત મહામુનિનું નિર્વાણગમન)
પછી ત્રૈલોક્યમંડન હાથીએ અતિ પ્રશાંત ચિત્તે કેવળીની નિકટ શ્રાવકનાં વ્રત
લીધા. સમ્યગ્દર્શન સહિત જ્ઞાની હાથી શુભ ક્રિયામાં ઉદ્યમી થયો. પંદર દિવસના ઉપવાસ
તથા માસોપવાસ કરવા લાગ્યો, સૂકાં પાંદડાંથી પારણું કરતો હાથી સંસારથી ભયભીત,
ઉત્તમ ચેષ્ટામાં પરાયણ, લોકો વડે પૂજ્ય, વિશુદ્ધતા વધારતો પૃથ્વી પર વિહાર કરતો હતો.
કોઈ વાર પક્ષોપવાસ કોઈ વાર માસોપવાસના પારણા નિમિત્તે ગ્રામાદિકમાં જાય તો
શ્રાવકો તેને અત્યંત ભક્તિથી શુદ્ધ અન્ન અને શુદ્ધ જળથી પારણું કરાવતા. તેનું શરીર
ક્ષીણ થયું હતું, વૈરાગ્ય ખીલા સાથે બંધાયેલો તે ઉગ્ર તપ કરતો રહ્યો. યમનિયમરૂપ જેના
અંકુશ છે તે ઉગ્ર તપ કરનાર ગજ ધીરે ધીરે આહારનો ત્યાગ કરી, અંતે સલ્લેખના
ધારણ કરી, શરીર તજી છઠ્ઠા સ્વર્ગનો દેવ થયો. અનેક દેવાંગનાથી યુક્ત, હાર-કુંડળાદિ
આભૂષણોથી મંડિત પુણ્યના પ્રભાવથી દેવગતિમાં સુખ ભોગવવા લાગ્યો. તે છઠ્ઠા
સ્વર્ગમાંથી આવ્યો હતો. અને છઠ્ઠા જ સ્વર્ગમાં ગયો, પરંપરાએ તે મોક્ષ પામશે. અને
મહામુનિ ભરત મહાતપના ધારક, પૃથ્વીના ગુરુ જેમને શરીરનું મમત્વ નથી તે મહાધીર
જ્યાં પાછલો દિવસ રહે ત્યાં જ બેસી રહેતા. જે એક સ્થાનમાં રહે નહિ, પવન સરખા
અસંગી, પૃથ્વી સમાન ક્ષમાના ધારક, જળ સમાન નિર્મળ, અગ્નિ સમાન કર્મકાષ્ઠના ભસ્મ
કરનાર અને આકાશ સમાન નિર્લેપ, ચાર આરાધનામાં ઉદ્યમી, તેર પ્રકારનું ચારિત્ર
પાળતા વિહાર કરતા હતા. સ્નેહ બંધનથી રહિત, મૃગેન્દ્ર, સરખા નિર્ભય, સમુદ્ર સમાન
ગંભીર સુમેરુ સમાન નિશ્ચળ, યથાજાતરૂપધર, સત્યનું વસ્ત્ર પહેરી, ક્ષમારૂપ ખડ્ગ ધારી,
બાવીસ પરીષહના વિજેતા, જેમને શત્રુમિત્ર સમાન છે, સુખ દુઃખ સમાન છે, તૃણ કે રત્ન
સમાન છે, ઉત્કૃષ્ટ મુનિ શાસ્ત્રોક્ત માર્ગ પર ચાલતા હતા. તેમને તપના પ્રભાવથી અનેક
ઋદ્ધિ ઉપજી. પગમાં તીક્ષ્ણ સોય જેવી તૃણની સળી ભોંકાય છે, પરંતુ તેમને તેનું ભાન
નથી. તે ઉપસર્ગ સહેવા માટે શત્રુઓના સ્થાનમાં વિહાર કરતા. તેમને સંયમના પ્રભાવથી
શુક્લ ધ્યાન ઉત્પન્ન થયું. તેના બળથી મોહનો નાશ કરી, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને
અંતરાય કર્મનો નાશ કરી લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન પ્રગટ થયું, પછી અઘાતિકર્મ પણ
દૂર કરી સિદ્ધપદ પામ્યા. હવે તેમને સંસારમાં ભટકવું થશે નહિ. આ કૈકેયીના પુત્ર
ભરતનું ચરિત્ર જે ભક્તિથી વાંચશે, સાંભળશે તે સર્વ કલેશથી રહિત થઈ યશ, કીર્તિ,
બળ, વિભૂતિ અને આરોગ્ય પામી, સ્વર્ગમોક્ષ પામશે. આ પવિત્ર ચરિત્ર, ઉજ્જવળ, શ્રેષ્ઠ
ગુણોથી યુક્ત ભવ્ય જીવ સાંભળો જેથી શીઘ્ર સૂર્યથી અધિક તેજના ધારક થાવ.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ભરતના નિર્વાણગમનનું વર્ણન
કરનાર સત્યાસીમું પર્વ પૂર્ણ થયું.