સિદ્ધાર્થ, રતિવર્ધન, મેઘરથ, જાંબૂનદ, શલ્ય, શશાંક, વિરસ, નંદન, નંદ, આનંદ, સુમતિ,
સદાશ્રય, મહાબુદ્ધિ, સુર્ય, ઈન્દ્રધ્વજ, જનવલ્લભ, શ્રુતિધર, સુચંદ્ર, પૃથ્વીધર, અલંક,
સુમતિ, અક્રોધ, કુંદર, સત્યવાન્ હરિ, સુમિત્ર, ધર્મમિત્ર, પૂર્ણચંદ્ર, પ્રભાકર, નધુષ, સુન્દન,
શાંતિ, પ્રિયધર્મા ઇત્યાદિ એક હજારથી અધિક રાજાઓએ વૈરાગ્ય લીધો. વિશુદ્ધ કુળમાં
ઉપજેલા, સદાચારમાં તત્પર, પૃથ્વીમાં જેમની શુભ ચેષ્ટ પ્રસિદ્ધ હતી, એવા ભાગ્યશાળી
રાજાઓએ હાથી, ઘોડા, રથ, પ્યાદા, સુવર્ણ રત્ન રણવાસ સર્વનો ત્યાગ કરી પંચમહાવ્રત
ધારણ કર્યાં. તેમણે જીર્ણ તૃણની પેઠે રાજ્યનો ત્યાગ કર્યોં. તે શાંત યોગીશ્વર જાતજાતની
ઋદ્ધિ પામ્યા. આત્મધ્યાન કરનાર તેમાંના કેટલાક મોક્ષ પામ્યા, કેટલા અહમિન્દ્ર થયા,
કેટલાક ઉત્કૃષ્ટ દેવ થયા. ભરત ચક્રવર્તી જેવા દશરથ પુત્ર ભરત ઘરમાંથી નીકળ્યા પછી
લક્ષ્મણ તેમનાં ગુણોને યાદ કરી કરીને અતિ શોક પામ્યા. પોતાના રાજ્યને શૂન્ય ગણવા
લાગ્યા, શોકથી જેમનું ચિત્ત વ્યાકુળ છે તે અતિ દીર્ઘ નિશ્વાસ નાખવા લાગ્યા, આંસુ
સારવા લાગ્યા, તેની નીલકમળ જેવી કાંતિ કરમાઈ ગઈ, વિરાધિતની ભુજા પર હાથ મૂકી
તેના સહારે બેસી મંદ મંદ વચન કહેવા લાગ્યા, હે ભરત મહારાજ, ગુણ જ જેમનાં
આભૂષણ છે તે ક્યાં ગયાં? જેમણે તરુણ અવસ્થામાં શરીર પ્રત્યેની પ્રીતિ છોડી દીધી, જે
ઇન્દ્ર સમાન રાજા હતા અને અમે બધા તેમના સેવક હતા તે રઘુવંશના તિલક સમસ્ત
વિભૂતિ તજીને મોક્ષને અર્થે અતિ દુર્દ્ધર મુનિનો ધર્મ ધારવા લાગ્યા. શરીર તો અતિ
કોમળ છે તે પરીષહ કેવી રીતે સહન કરશે? તેમને ધન્ય છે. મહાજ્ઞાની શ્રી રામે કહ્યું,
ભરતનો મહિમા કથનમાં આવે નહિ, તેમનું ચિત્ત કદી સંસારમાં ડૂબ્યું નહિ. જે વિષભર્યા
અન્નની જેમ રાજ્ય છોડીને જિનદીક્ષા ધારે છે તેમની જ શુદ્ધ બુદ્ધિ છે અને તેમનો જ
જન્મ કૃતાર્થ છે. તે પૂજ્ય પરમ યોગીનું વર્ણન દેવેન્દ્ર પણ કરી શકે નહિ તો બીજાની શી
શક્તિ હોય તે કરે. તે રાજા દશરથના પુત્ર, કૈકેયીના નંદનનો મહિમા અમારાથી કહી
શકાય નહીં. આ ભરતનાં ગુણ ગાતાં એક મુહૂર્ત સભામાં બેઠા બધા રાજા ભરતનાં જ
ગુણ ગાયા કરે છે. પછી શ્રી રામ-લક્ષ્મણ બન્ને ભાઈ ભરતના અનુરાગથી અતિઉદ્વેગથી
ઊભા થયા, બધા રાજાઓ પોતપોતાના સ્થાનકે ગયા. ઘરે ઘરે ભરતની જ ચર્ચા થાય છે.
બધા લોકો આશ્ચર્ય પામ્યા. આ તો એમની યુવાન અવસ્થા હતી અને આ રાજ્ય, આવા
ભાઈ અને બધી સામગ્રીપૂર્ણ, આવા જ પુરુષ ત્યાગ કરે તે જ પરમપદ પામે. આ પ્રમાણે
બધા જ પ્રશંસા કરવા લાગ્યા.