પોદનાપુર કે પૌંડ્રસુંદર લ્યો. સેંકડો રાજધાની છે તેમાંથી જે સારી તે તમારી. ત્યારે શત્રુઘ્ને
કહ્યું કે મને મથુરાનું રાજ્ય આપો. ત્યારે રામ બોલ્યા, હે ભાઈ! ત્યાં મધુનું રાજ્ય છે
અને તે રાવણનો જમાઈ છે, અને યુદ્ધોનો જીતનારો છે, ચમરેન્દ્રે તેને ત્રિશૂળ આપ્યું છે
તે જયેષ્ઠના સૂર્ય સમાન દુસ્સહ છે અને દેવોથી નિવારી શકાય તેવું નથી, તેની ચિંતા
અમને પણ નિરંતર રહે છે. તે રાજા મધુ રઘુવંશીઓના કુળરૂપ આકાશમાં સૂર્ય સમાન
પ્રતાપી છે, જેણે વંશનો ઉદ્યોત કર્યો છે, તેનો પુત્ર લવણાર્ણવ વિદ્યાધરોથી પણ અસાધ્ય
છે. પિતાપુત્ર બન્ને ખૂબ શૂરવીર છે. માટે મથુરા છોડીને બીજું ચાહે તે રાજ્ય લ્યો. તો
પણ શત્રુઘ્ને કહ્યું કે ઘણું કહેવાથી શું લાભ? મને મથુરા જ આપો. જો હું મધના પૂડાની
જેમ મધુને રણસંગ્રામમાં તોડી ન નાખું તો હું દશરથનો પુત્ર શત્રુઘ્ન નહિ. જેમ સિંહના
સમૂહને અષ્ટાપદ તોડી પાડે છે તેમ તેના સૈન્ય સહિત તેને હું ચૂરી ન નાખું તો હું તમારો
ભાઈ નહિ. જો હું મધુને મૃત્યુ ન પમાડું તો હું સુપ્રભાની કૃક્ષિમાં ઉપજ્યો નથી એમ
જાણજો. શત્રુઘ્નના આવા પ્રચંડ તેજભર્યાં વચનોથી વિદ્યાધરોના બધા અધિપતિ આશ્ચર્ય
પામ્યા અને શત્રુઘ્નની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. શત્રુઘ્ન મથુરા જવા તૈયાર થયો. શ્રી
રામે કહ્યું, હે ભાઈ! હું એક યાચના કરું છું તેની મને દક્ષિણા આપ. શત્રુઘ્ને જવાબ
આપ્યો કે બધાના દાતા આપ છો, બધા તો આપના યાચક છે, આપ યાચના કરો તે કેવી
વાત કહેવાય? મારા પ્રાણના પણ આપ સ્વામી છો તો બીજી વસ્તુની શી વાત હોય?
એક મધુ સાથે યુદ્ધ કરવાનું હું નહિ છોડું, બાકી જે કાંઈ કહેશો તે જ પ્રમાણે કરીશ. ત્યારે
શ્રી રામે કહ્યું, હે વત્સ! તું મધુ સાથે યુદ્ધ કરે તો જે સમયે તેના હાથમાં ત્રિશૂળરત્ન ન
હોય ત્યારે કરજે. શત્રુઘ્ને કહ્યું કે આપ જેમ આજ્ઞા કરશો તેમ જ થશે. આમ કહીને
ભગવાનની પૂજા કરી. ણમોક્કાર મંત્રના જપ, સિદ્ધોને નમસ્કાર કરી, ભોજનશાળામાં જઈ
ભોજન કરી, માતાની પાસે જઈને આજ્ઞા માગી. માતાએ અત્યંત સ્નેહથી તેના મસ્તક
પર હાથ મૂકી કહ્યું, હે વત્સ! તું તીક્ષ્ણ બાણોથી શત્રુઓના સમૂહને જીત. યોદ્ધાની
માતાએ પોતાના યોદ્ધા પુત્રને કહ્યું, હે પુત્ર! અત્યાર સુધી સંગ્રામમાં શત્રુઓએ તારી પીઠ
જોઈ નથી અને હવે પણ નહિ જુએ. તું રણમાં જીતીને આવીશ ત્યારે હું સ્વર્ણનાં
કમળોથી શ્રી જિનેન્દ્રની પૂજા કરાવીશ. તે ભગવાન ત્રણ લોકમાં મંગળના કર્તા, સુર-
અસુરોથી નમસ્કાર કરવા યોગ્ય રાગાદિના જીતનારા તારું કલ્યાણ કરો. તે પરમેશ્વર,
પુરુષોત્તમ અરિહંત ભગવાને અત્યંત દુર્જય મોહરિપુને જીત્યો છે, તે તને કલ્યાણ આપો.
સર્વજ્ઞ, ત્રિકાળદર્શી સ્વયંબુદ્ધના પ્રસાદથી તારો વિજય થાવ. જે કેવળજ્ઞાનથી લોકાલોકને
હથેળીમાં આંબળાની જેમ દેખે છે, તે તને મંગળરૂપ થાવ. હે વત્સ!