આપણું ગોત્ર અપકીર્તિરૂપ મેઘમાળાથી આચ્છાદિત થાય છે તે ન ઢંકાય એ જ મારો
પ્રયત્ન છે. જેમ સૂકા ઈંધનમાં લાગેલી આગ જળથી બુઝાવ્યા વિના ફેલાતી રહે છે તેમ
અપકીર્તિરૂપ અગ્નિ પૃથ્વી પર ફેલાય છે તે રોક્યા વિના મટે નહિ. આ તીર્થંકરદેવોનું કુળ
અત્યંત ઉજ્જવળ પ્રકાશરૂપ છે. એને કલંક ન લાગે એવો ઉપાય કરો. જોકે સીતા અત્યંત
નિર્દોષ છે તો પણ હું તેનો ત્યાગ કરીશ, આપણો યશ મલિન નહિ કરું. ત્યારે લક્ષ્મણે
કહ્યું હે દેવ! સીતાને શોક ઉપજાવવો તે યોગ્ય નથી. લોકો તો મુનિઓની પણ નિંદા કરે
છે, જિનધર્મનોય અપવાદ કરે છે તો શું લોકાપવાદથી આપણે ધર્મનો ત્યાગ કરીએ
છીએ? તેમ માત્ર લોકાપવાદથી જાનકીને કેમ તજાય? જે બધી સતીઓની શિરમોર છે
અને કોઈ પ્રકારે નિંદાયોગ્ય નથી. અને પાપી જીવો શીલવાન પ્રાણીઓની નિંદા કરે છે, શું
તેમનાં વચનોથી શીલવંતોને દોષ લાગે છે? તે તો નિર્દોષ જ છે. આ લોક અવિવેકી છે,
એમનાં વચન પરમાર્થ નથી, વિષથી દુષિત નેત્રવાળા ચંદ્રને શ્યામ દેખે છે, પરંતુ ચંદ્ર શ્વેત
જ છે, શ્યામ નથી. તેમ લોકોના કહેવાથી નિષ્કલંકીઓને કલંક લાગતું નથી. જે શીલથી
પૂર્ણ છે તેમને પોતાનો આત્મા જ સાક્ષી છે, બીજા જીવોનું પ્રયોજન નથી. નીચ જીવોના
અપવાદથી વિવેકી પંડિતો ગુસ્સે ન થાય, જેમ કૂતરાના ભસવાથી ગજેન્દ્ર કોપ કરતો
નથી. આ લોકની ગતિ વિચિત્ર હોય છે, તેમની ચેષ્ટા તરંગ સમાન છે. બીજાઓની નિંદા
કરવામાં આસક્ત એ દુષ્ટોનો પોતાની મેળે જ નિગ્રહ થશે, જેમ કોઈ અજ્ઞાની શિલાને
ઉપાડીને ચંદ્ર તરફ ફેંકે અને મારવા ઈચ્છે તો સહેજે પોતે જ ચોક્કસ નાશ પામે છે. જે
દુષ્ટ બીજાના ગુણો સહન ન કરી શકે અને સદાય બીજાની નિંદા કરે છે તે પાપી
નિશ્ચયથી દુર્ગતિ પામે છે. લક્ષ્મણનાં આ વચનો સાંભળી શ્રી રામચંદ્રે કહ્યુંઃ હે લક્ષ્મણ! તું
કહે છે તે બધું સાચું છે, તારી બુદ્ધિ રાગદ્વેષરહિત અતિમધ્યસ્થ છે, પરંતુ જે શુદ્ધ
ન્યાયમાર્ગી મનુષ્ય છે તે લોકવિરુદ્ધ કાર્યને તજે છે. જેની દશે દિશા અપકીર્તિરૂપી
દાવાનળની જ્વાળા પ્રજ્વલિત છે તેને જગતમાં સુખ કેવું અને તેનું જીવન પણ શા
કામનું? અનર્થ કરનાર અર્થથી શો લાભ? અને વિષસંયુક્ત ઔષધિથી શો ફાયદો? જે
બળવાન હોય, જીવોની રક્ષા ન કરે, શરણે આવેલાનું પાલન ન કરે તેના બળનો શો
અર્થ? જેનાથી આત્મકલ્યાણ ન થાય તે આચરણથી શું? ચારિત્ર તો તેજ કે જે આત્માનું
હિત કરે. જે અધ્યાત્મગોચર આત્માને ન જાણે તેના જ્ઞાનથી શો લાભ? જેની કીર્તિરૂપ
વધૂને અપવાદરૂપ બળવાન હરી જાય તેનો જન્મ પ્રશસ્ત નથી, એવા જીવનથી મરણ
ભલું છે. લોકાપવાદની વાત દૂર રાખો, મારો એ જ મોટો દોષ છે કે પરપુરુષે હરેલી
સીતાને હું પાછી ઘરમાં લાવ્યો. રાક્ષસનાં મહેલના ઉદ્યાનમાં એ ઘણા દિવસ રહી અને
તેણે (રાવણે) દૂતી મોકલીને મનવાંછિત માગણી કરી અને પાસે આવીને દુષ્ટ દ્રષ્ટિથી
જોઈ અને તેના મનમાં આવ્યા તેવા શબ્દો કહ્યા, એવી સીતાને હું ઘરમાં લાવ્યો. એના
જેવી બીજી લજ્જા કઈ હોય? મૂઢ મનુષ્યો શું શું ન કરે? આ સંસારની માયામાં હું જ
મૂઢ થયો. આ પ્રમાણે કહીને આજ્ઞા