Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 549 of 660
PDF/HTML Page 570 of 681

 

background image
પદ્મપુરાણ સત્તાણુંમું પર્વ પ૪૯
છે, વૃક્ષોનાં પુષ્પો પડે છે, જાણે કે વૃક્ષો આંસુ સારે છે. સ્વભાવથી જ મીઠો સ્વર અને
શોકથી વિલાપ કરે છે કે અરેરે! નરોત્તમ રામ! મારી રક્ષા કરો. મારી સાથે વાર્તાલાપ
કરો. તમે તો નિરંતર ઉત્તમ ચેષ્ટાના ધારક છો, અતિગુણવાન શાંતચિત્ત છો, તમારો
લેશમાત્ર દોષ નથી. મેં પૂર્વભવમાં અશુભ કાર્ય કર્યાં હતાં તેનું ફળ મળ્‌યું છે. જેવું કરે તેવું
ભોગવે. પતિ શું કરે કે પુત્ર શું કરે, માતાપિતા-બાંધવ કોઈપણ શું કરે? પોતાનાં કર્મ
ઉદયમાં આવે તેને અવશ્ય ભોગવવાનાં છે. મેં મંદભાગિનીએ પૂર્વજન્મમાં અશુભ કર્મ કર્યાં
તેના ફળમાં આ નિર્જન વનમાં દુઃખ પામી. મેં પૂર્વભવમાં કોઈની નિંદા કરી હશે તેના
પાપથી આ કષ્ટ મળ્‌યું. પૂર્વભવમાં ગુરુની પાસેથી વ્રત લઈને ભાંગ્યું હશે તેનું આ ફળ
આવ્યું અથવા વિષફળ સમાન દુર્વચનથી કોઈનું અપમાન કર્યું તેથી આ ફળ મળ્‌યું.
પરભવમાં મેં કમળોના વનમાં રહેતાં ચકવા-ચકવીના યુગલનો વિયોગ કરાવ્યો હશે તેથી
મને સ્વામીનો વિયોગ થયો અથવા મેં પરભવમાં કુચેષ્ટા કરીને હંસ-હંસીના યુગલનો
વિયોગ કરાવ્યો, જે કમળોથી ભરપૂર સરોવરોમાં નિવાસ કરે છે, મોટા પુરુષોની ચાલને
જેની ઉપમા આપવામાં આવે છે, જેના શબ્દ અતિસુંદર હોય છે, જેની આંખ, ચાંચ અને
પગ કમળ જેવાં લાલ હોય છે તેવા હંસયુગલના વિયોગ કરાવવાથી આવી દુઃખઅવસ્થા
પામી છું. મેં પાપિણીએ કબૂતર-કબૂતરીનાં જોડાંને જુદા પાડયાં અથવા તેમને સારા
સ્થાનમાંથી ખરાબ સ્થાનમાં મૂકયાં, બાંધ્યાં, માર્યાં તેના પાપથી અસંભાવ્ય દુઃખ પ્રાપ્ત
થયું. વસંતઋતુમાં ખીલેલાં વૃક્ષો પર ક્રીડા કરતાં કોયલનાં જોડાને જુદા કર્યા હોય તેનું આ
ફળ છે અથવા જ્ઞાની જીવોએ વંદવાયોગ્ય, મહાવ્રતી જિતેન્દ્રિય મુનિઓની નિંદા કરી
અથવા પૂજાદાનમાં વિઘ્ન કર્યું, પરોપકારમાં અંતરાય કર્યો, હિંસા વગેરે પાપ કર્યાં,
ગ્રામદાહ, વનદાહ, સ્ત્રી-બાળક-પશુઘાત ઈત્યાદિ પાપ કર્યાં તેનું આ ફળ છે. અળગણ
પાણી પીધું રાત્રે ભોજન કર્યું, સડેલું અનાજ ખાધું, અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કર્યું, ન કરવા
જેવાં કામ કર્યાં તેનું આ ફળ છે. હું બળભદ્રની પટરાણી, સ્વર્ગ સમાન મહેલમાં વસનારી
હજારો સખીઓ મારી સેવા કરતી હોય તે અત્યારે પાપના ઉદયથી નિર્જન વનમાં દુઃખના
સાગરમાં ડૂબીને કેવી રીતે જીવું? રત્નોના મહેલમાં, અમૂલ્ય વસ્ત્રોથી શોભિત સુંદર શય્યા
પર સુનારી હું ક્યાં પડી છું? હું હવે એકલી વનમાં કેવી રીતે રહી શકીશ? મધુર વીણા
-બંસરી-મૃદંગાદિના સ્વરોથી સુખનિદ્રા લેનારી હું વનમાં ભયંકર અવાજો સાંભળતી
એકલી કેવી રીતે રહીશ? રામદેવની પટરાણી અપયશરૂપી દાવાનળથી જલતી; અનેક
જંતુઓ, તીક્ષ્ણ દર્ભની અણી અને કાંકરાથી ભરપૂર ધરતી પર કેવી રીતે સૂઈ શકીશ?
આવી અવસ્થા પામીને પણ મારા પ્રાણ નહિ જાય તો એ પ્રાણ જ વજ્રના છે. આવી
અવસ્થા પામીને મારા હૃદયના સો ટુકડા નથી થતા તો તે હૃદય વજ્રનું છે. શું કરું? ક્યાં
જાઉં? કોને શું કહું? કોના આશ્રયે રહું? અરેરે પિતા જનક! અરે, માતા વિદેહી! આ શું
થયું? અરે, વિદ્યાધરોના સ્વામી ભામંડળ! હું દુઃખના વમળમાં પડીને કેવી રીતે રહું?