વિચાર કર્યો હતો તેના બદલે મને આ વનમાં તજી દીધી.
વિભૂતિ સાથે પાછો જઈ રહ્યો હતો તેના શૂરવીર પ્યાદા સૈનિકોએ આ રુદનના શબ્દો
સાંભળ્યા અને સંશય તથા ભય પામ્યા. એક પગલું પણ આગળ વધી શક્યા નહિ.
ઘોડેસવારો પણ તેનું રુદન સાંભળી ઊભા રહી ગયા. તેમને આશંકા થઈ કે આ વનમાં
અનેક દુષ્ટ જીવો રહે છે ત્યાં આ સુંદર સ્ત્રીના રુદનનો અવાજ ક્યાંથી આવે છે? મૃગ,
સસલાં, રીંછ, સાપ, નોળિયા, જંગલી પાડા, ચિત્તા, ગેંડા, સિંહ, અષ્ટાપદ, જંગલી સુવ્વર,
હાથી વગેરે પ્રાણીઓથી વિકરાળ આ વનમાં આ ચંદ્રકળા સમાન કોણ રોવે છે? આ કોઈ
દેવાંગના સૌધર્મ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી છે. આમ વિચારી સૈનિકો આશ્ચર્યથી ઊભા
રહી ગયા. આ સેના સમુદ્ર સમાન છે. તેમાં તુરંગરૂપી મગરો, પ્યાદારૂપ માછલાં અને
હાથીરૂપ ગ્રાહ છે. સમુદ્રનું ગર્જના થાય અને સેના પણ ગર્જન કરે છે. સમુદ્રની જેમ સેના
પણ ભયંકર છે. તે આખી સેના સ્થિર થઈ.
વજ્રજંઘના આગમનનું વર્ણન કરનાર સત્તાણુંમું પર્વ પૂર્ણ થયું.
રાજપુત્રીના સમાચાર કહ્યા. ત્યાર પહેલાં રાજાએ પણ રુદનનો અવાજ સાંભળ્યો,
સાંભળીને પૂછયું કે આ મધુર સ્વરમાં રુદનનો અવાજ આવે છે તે કોનો છે? ત્યારે કોઈ
એક જણ આગળ જઈને સીતાને પૂછવા લાગ્યો કે હે દેવી! તું કોણ છે અને આ નિર્જન
વનમાં કેમ રુદન કરે છે? તું દેવી છે, કે નાગકુમારી છે કે કોઈ ઉત્તમ નારી છે? તું
કલ્યાણરૂપિણી ઉત્તમ શરીર ધરનારી, તને આ શોક શેનો? અમને ખૂબ જિજ્ઞાસા થાય છે.
તે શસ્ત્રધારક પુરુષને જોઈને ભય પામી. તેનું શરીર કંપવા લાગ્યું, ભયથી પોતાના
આભૂષણ ઊતારી તેને આપવા લાગી. તે રાજાના ભયથી બોલ્યો હે દેવી! તું કેમ ડરે છે?
શોક તજ, ધીરજ રાખ, તારાં આભૂષણ અમને શા માટે આપે છે? તારાં આ આભૂષણ
તારી પાસે જ રાખ, એ જ તને યોગ્ય છે. હે માતા! તું વિહ્વળ કેમ થાય છે? વિશ્વાસ
રાખ. આ રાજા વજ્રજંઘ પૃથ્વી પર પ્રસિદ્ધ, નરોત્તમ, રાજનીતિથી યુક્ત છે.