Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 557 of 660
PDF/HTML Page 578 of 681

 

background image
પદ્મપુરાણ નવ્વાણુંમું પર્વ પપ૭
તું ક્યાં ગઈ? તારા શ્વાસની સુગંધથી મુખ પર ગુંજારવ કરતા ભમરાને હસ્તકમળથી
અટકાવતી તું ખેદ પામી હોઈશ. યુથભ્રષ્ટ હરણી જેવી એકલી તું ક્યાં જઈશ? ચિંતવન
કરતાં પણ દુસ્સહ એવા વનમાં તું એકલી કેવી રીતે રહીશ? કમળના ગર્ભ સમાન તારાં
કોમળ ચરણ કર્કશ ભૂમિનો સ્પર્શ કેવી રીતે સહી શકશે? વનના ભીલ, મ્લેચ્છ કૃત્ય-
અકૃત્યના ભેદથી રહિત છે મન જેનું તે તને તેમની ભયંકર પલ્લીમાં લઈ ગયા હશે તે
તો અગાઉનાં દુઃખ કરતાં પણ અધિક દુઃખ છે. તું મારા વિના અત્યંત દુઃખ પામી અંધારી
રાતમાં વનની રજથી રગદોળાયેલી ક્યાંક પડી હોઈશ અને કદાચ તને હાથીઓએ કચરી
નાખી હશે, એના જેવો અનર્થ ક્યો હોય? ગીધ, રીંછ, સિંહ, વાઘ, ઈત્યાદિ દુષ્ટ જીવોથી
ભરેલા વનમાં કેવી રીતે રહી શકીશ? જ્યાં માર્ગ નથી, વિકરાળ દાઢવાળાં હિંસક ક્ષુધાતુર
પશુ ફરતાં હશે તેણે તારી કેવી દશા કરી હશે? જે કહી શકાય તેમ નથી અથવા સૂર્યનાં
અતિદુસ્સહ કિરણોના આતાપથી લાખની જેમ પીગળી ગઈ હોઈશ, છાંયામાં જવાની પણ
જેની શક્તિ નહિ રહી હોય. અથવા શોભાયમાન શીલની ધારક તું મારા નિર્દયમાં મન
રાખીને હૃદય ફાટીને મૃત્યુ પામી હોઈશ. પહેલાં જેમ રત્નજટીએ મને સીતાની કુશળતાના
સમાચાર આપ્યા હતા તેમ અત્યારે પણ કોઈ કહે. અરે પ્રિયે! તું ક્યાં ગઈ, ક્યાં ક્યાં
રહીશ? શું કરીશ? હે કૃતાંતવક્ર! શું તેં ખરેખર તેને વનમાં જ તજી દીધી? જો ક્યાંય
સારા ઠેકાણે મૂકી હોય તો તારા મુખમાંથી અમૃતરૂપ વચન નીકળો. જ્યારે રામે આમ
કહ્યું ત્યારે સેનાપતિએ લજ્જાના ભારથી પોતાનું મુખ નીચું કર્યું, તેજરહિત થઈ ગયો,
કાંઈ બોલી ન શક્યો, અતિવ્યાકુળ થયો, મૌન રહ્યો, ત્યારે રામે જાણ્યું કે સાચે જ એ
સીતાને ભયંકર વનમાં મૂકી આવ્યો છે. તેથી રામ મૂર્ચ્છા ખાઈને નીચે પડી ગયા. ઘણા
વખત પછી ધીરે ધીરે જાગ્રત થયા. તે વખતે લક્ષ્મણ આવ્યા અને મનમાં શોક ધરતાં
કહેવા લાગ્યા. હે દેવ! શા માટે વ્યાકુળ થયા છો? ધૈર્ય રાખો. જે કર્મ પૂર્વે ઉપાર્જ્યાં હતાં
તેનું ફળ આવીને મળ્‌યું, બધા લોકોને અશુભના ઉદયથી દુઃખ આવ્યું છે, ફક્ત સીતાને જ
દુઃખ પડયું નથી. સુખ કે દુઃખ જે પ્રાપ્ત થવાનું હોય તે સ્વયંમેવ કોઈ પણ નિમિત્તે આવી
મળે છે. હે પ્રભો! કોઈને કોઈ આકાશમાં લઈ જાય અથવા ક્રૂર જીવોથી ભરેલા વનમાં
છોડી દે, કે પર્વતના શિખર પર મૂકી આવે તો પણ પૂર્વનું પુણ્ય હોય તો પ્રાણીની રક્ષા
થાય છે, આખી પ્રજા દુઃખથી તપ્ત છે, આંસુઓના પ્રવાહ બધે વહે છે. આમ કહી લક્ષ્મણ
પણ અતિવ્યાકુળ થઈ રુદન કરવા લાગ્યા, અગ્નિથી જેમ કમળ કરમાઈ જાય તેવું તેમનું
મુખકમળ થઈ ગયું છે. અરેરે માતા! તું ક્યાં ગઈ? જેનું શરીર દુષ્ટજનોનાં વચનરૂપ
અગ્નિથી પ્રજ્વલિત છે, જે ગુણરૂપ ધાન્ય ઉગાડનારી ભૂમિસ્વરૂપ બાર અનુપ્રેક્ષાનું
ચિંતવન કરનારી છે, શીલરૂપ પર્વતની ભૂમિ છે, સૌમ્ય સ્વભાવવાળી છે, જેનું હૃદય
દુષ્ટોનાં વચનરૂપ તુષારથી બળી ગયું છે, રાજહંસ શ્રી રામને પ્રસન્ન કરવા માટે
માનસરોવર સમાન, સુભદ્રા, જેવી કલ્યાણરૂપ, સર્વ આચારમાં પ્રવીણ, હે શ્રેષ્ઠે! તું ક્યાં
ગઈ? જેમ સૂર્ય વિના આકાશની શોભા કેવી હોય અને ચંદ્ર વિના રાત્રિની શોભા ક્યાંથી
હોય? તેમ