કહ્યો છે તે સાંભળો. આપ આત્મકલ્યાણ ચાહતા હો તો જેમ મને તજી તેમ જિનેન્દ્રની
ભક્તિ ન છોડતા. જેમ લોકાપવાદથી મારા પર ઘણો અનુરાગ હતો તો પણ મને તજી, તેમ
કોઈના કહેવાથી જિનશાસનની શ્રદ્ધા ન છોડશો. લોકો વગર વિચાર્યે નિર્દોષ પર દોષ
લગાવે છે. જેમ મારા પર લગાડયો, તો આપ ન્યાય કરો ત્યારે આપની બુદ્ધિથી યથાર્થનો
વિચાર કરજો. કોઈના કહેવાથી કોઈ ઉપર જૂઠો દોષ ન લગાડતા. સમ્યગ્દર્શનથી વિમુખ
મિથ્યાદ્રષ્ટિ જિનધર્મરૂપ રત્નોનો અપવાદ કરે છે તેથી તેના અપવાદના ભયથી
સમ્યગ્દર્શનની શુદ્ધતા છોડશો નહિ. વીતરાગનો માર્ગ હૃદયમાં દ્રઢ રાખજો. મને છોડવાથી
આ ભવનું થોડુંક દુઃખ છે, પણ સમ્યગ્દર્શનની હાનિથી જન્મે જન્મે દુઃખ આવે છે. આ
જીવને લોકમાં નિધિ, રત્ન, સ્ત્રી, વાહન, રાજ્ય બધું જ સુલભ છે, એક સમ્યગ્દર્શન રત્ન
જ મહાદુર્લભ છે. રાજમાં તો પાપથી નરકમાં પડવાનું છે, ઊર્ધ્વગમન સમ્યગ્દર્શનના
પ્રતાપથી જ થાય છે. જેણે પોતાના આત્માને સમ્યગ્દર્શનરૂપ આભૂષણથી મંડિત કર્યો તે
કૃતાર્થ થયો. આ શબ્દો જાનકીએ કહ્યા છે, જે સાંભળીને કોને ધર્મબુદ્ધિ ન ઉપજે? હે દેવ!
એક તો સીતા સ્વભાવથી જ બીકણ અને બીજું મહાભયંકર વનના દુષ્ટ જીવો, તે કેવી રીતે
જીવશે? જ્યાં ભયાનક સર્પો અને અલ્પ જળવાળાં સરોવરોમાં મત્ત હાથીઓ કાદવ કરી મૂકે
છે, જ્યાં મૃગો ઝાંઝવાના જળમાં જળ માની વૃથા દોડીને વ્યાકુળ થાય છે, જેમ સંસારની
માયામાં રાગથી રાગી જીવ દુઃખી થાય છે. ત્યાં વાંદરા અતિ ચંચળ બની કૂદતા રહે છે,
તરસ્યા સિંહ-વાઘ જીભના લબકારા કરે છે. ચણોઠી જેવાં લાલ નેત્રવાળા ભુજંગો ફૂંફાડા
મારે છે, તીવ્ર પવનના ચાલવાથી ક્ષણમાત્રમાં પાંદડાંના ઢગલા થઈ જાય છે, જ્યાં
અજગરના-વિષમય અગ્નિથી અનેક વૃક્ષ ભસ્મ થઈ ગયાં છે. મત્ત હાથીઓની ભયંકર
ગર્જના સાંભળી તેનું શું થશે? ભૂંડના સમૂહોથી ત્યાંનાં સરોવરોનાં જળ મલિન થઈ ગયાં
છે. ધરતી પર ઠેકઠેકાણે કાંટા, સાપનાં દર, કાંકરા પથરાયેલા છે, દર્ભની અણી સોયથી પણ
તીક્ષ્ણ છે, સૂકાં પાન, ફૂલ પવનથી ઊડયાં કરે છે. આવા મહાઅરણ્યમાં હે દેવ! જાનકી
કેવી રીતે જીવશે? મને એમ લાગે છે કે તે ક્ષણમાત્ર પણ પ્રાણ ટકાવી શકશે નહિ.
મૂઢ બનીને દુષ્ટોનાં વચનથી કેવું નિંદ્ય કાર્ય કર્યું? ક્યાં તે રાજપુત્રી અને ક્યાં તે ભયંકર
વન? આમ વિચારી મૂર્ચ્છા પામી ગયા. શીતોપચારથી સચેત થયા ત્યારે વિલાપ કરવા
લાગ્યા. સીતામાં જ જેમનું ચિત છે તે બોલવા લાગ્યા કે હે કમળનેત્રી! નિર્મળ ગુણોની
ખાણ! જાનકી! તું મારી સાથે બોલ, તું જાણે જ છે કે મારું ચિત્ત તારા વિના અતિ
કાયર છે. હે નિરૂપમ શીલવતી! જેના આલાપ હિતકારી છે એવી હે નિરપરાધ! તું કેવી
અવસ્થા પામી હોઈશ? તે ક્રૂર જીવોથી ભરેલા, કોઈ પણ સામગ્રી વિનાના ભયંકર વનમાં
તું કેવી રીતે રહી શકીશ? હે લાવણ્યરૂપ જળની સરોવરી,