વજ્રજંઘનો દેશ ખૂબ સુખી છે, ઠેકઠેકાણે વન-ઉપવન છે, ઠેકઠેકાણે ચૈત્યાલયો જોઈ તે
અતિહર્ષ પામી. તે મનમાં વિચારે છે કે જ્યાં રાજા ધર્માત્મા હોય ત્યાં પ્રજા સુખી હોય જ.
તે અનુક્રમે પુંડરિકપુર પાસે આવ્યા. રાજાની આજ્ઞાથી સીતાનું આગમન સાંભળી
નગરજનો સામે આવ્યાં, ભેટ આપી, નગરની શોભા કરી, પૃથ્વી પર સુગંધી જળનો
છંટકાવ કર્યો છે, શેરી, બજાર બધું શણગાર્યું છે, તોરણો બાંધ્યા, ઘરના દ્વારે પૂર્ણ કળશની
સ્થાપના કરી છે, મંદિરો પર ધજા ચડાવવામાં આવી, ઘેરઘેર મંગળ ગવાય છે. જાણે કે તે
નગર આનંદથી નૃત્ય કરે છે. નગરના દરવાજા પર અને કોટના કાંગરે લોકો ઊભા રહી
જોઈ રહ્યા છે, હર્ષની વૃદ્ધિ થઈ રહી છે, નગરની બહાર અને અંદર રાજદ્વાર સુધી
સીતાના દર્શન માટે લોકો ઊભા છે. જોકે નગર સ્થાવર છે, પણ ચાલતા લોકસમુદાયથી
તે જંગમ થઈ ગયું હોય એવું લાગે છે. જાતજાતનાં વાજિંત્રો વાગે છે. તેના અવાજથી
દશેય દિશા ગુંજી ઊઠી છે, શંખ વાગે છે, બંદીજનો વખાણ કરે છે, નગરનાં લોકો આશ્ચર્ય
પામીને જોઈ રહ્યાં છે. સીતાએ નગરમાં પ્રવેશ કર્યો, જેમ લક્ષ્મી દેવલોકમાં પ્રવેશ કરે
તેમ. વજ્રજંઘના મહેલમાં અતિસુંદર જિનમંદિર છે, રાજકુટુંબની બધી સ્ત્રીઓ સીતાની
સામે આવી. સીતા પાલખીમાંથી ઊતરીને જિનમંદિરમાં ગઈ. જિનમંદિર સુંદર બગીચાથી
વીંટળાયેલું છે. વાવ, સરોવરથી શોભિત છે, સુમેરુ શિખર સમાન સ્વર્ણમય છે. જેમ ભાઈ
ભામંડળ સીતાનું સન્માન કરે તેમ વજ્રજંઘે તેનો આદર કર્યો. વજ્રજંઘના પરિવારના બધા
માણસો, રાજકુટુંબની બધી રાણીઓ સીતાની સેવા કરે છે અને આવા મનોહર શબ્દો કહે
છે, હે દેવી! હે પૂજ્ય! હે સ્વામિની! સદા જયવંત રહો, દીર્ઘાયુ થાવ, આનંદ પ્રાપ્ત કરો,
વૃદ્ધિ પામો, આજ્ઞા કરો. આ પ્રમાણે સ્તુતિ કરે છે અને સીતાની દરેક આજ્ઞા માથે ચડાવે
છે, દોડીદોડીને સેવા કરે છે, હાથ જોડી, મસ્તક નમાવી નમસ્કાર કરે છે. ત્યાં સીતા
આનંદથી જિનધર્મની કથા કરતી રહે છે. રાજા કે સામંતોની જે ભેટ મળે છે તેને જાનકી
ધર્મકાર્યમાં લગાવે છે. પોતે તો અહીં ધર્મની આરાધના કરે છે.
કૃતાંતવક્રે આવી શ્રી રામચંદ્રજીનાં ચરણોને નમસ્કાર કર્યા અને કહ્યું, હે પ્રભો! હું આપની
આજ્ઞાનુસાર સીતાને ભયાનક વનમાં મૂકી આવ્યો છું. હે દેવ! તે વન નાના પ્રકારના
ભયંકર પ્રાણીઓથી અતિભયાનક છે. જેમ પ્રેતોના વનનો આકાર જોયો ન જાય તેમ
સઘન વૃક્ષોના સમૂહથી અંધકારભર્યું વન છે. ત્યાં સ્વભાવથી જ જંગલી પાડા અને સિંહ
દ્વેષથી સદા યુદ્ધ કરે છે, ગુફામાં સિહ ગર્જે છે, વૃક્ષના મૂળમાં અજગર ફૂંફાડા મારે છે,
વાઘ, ચિત્તાથી મૃગ જ્યાં હણાઈ રહ્યાં છે, કાળને પણ વિકરાળ લાગે એવા વનમાં હે
પ્રભો! સીતાએ અશ્રુપાત કરતાં કરતાં આપને જે સંદેશો