Padmapuran (Gujarati). Parva 101 - Lavan aney Ankushno digvijay.

< Previous Page   Next Page >


Page 562 of 660
PDF/HTML Page 583 of 681

 

background image
પ૬ર એકસોએકમું પર્વ પદ્મપુરાણ
કહે છે કે હે રાજન્! તે બન્ને વીર ગુણરૂપ રત્નના પર્વત, જ્ઞાનવાન, લક્ષ્મીવાન, શોભા,
કાંતિ, કીર્તિના નિવાસ, ચિત્તરૂપ મત્ત હાથીને વશ કરવા માટે અંકુશ, મહારાજરૂપ મંદિરના
દ્રઢ સ્તંભ, પૃથ્વીના સૂર્ય, ઉત્તમ, આચરણના ધારક લવણ-અંકુશ પુંડરિકનગરમાં યથેષ્ટ
દેવોની જેમ રમે છે, જેમનું તેજ જોઈને સૂર્ય પણ લજ્જિત થાય છે. જેમ બળભદ્ર-
નારાયણ અયોધ્યામાં રમે છે તેમ આ બન્ને પુંડરિકપુરમાં રમે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લવણાંકુશના પરાક્રમનું વર્ણન
કરનાર સોમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસોએકમું પર્વ
(લવણ અને અંકુશનો દિગ્વિજય)
પછી તેમને અતિ ઉદાર ક્રિયામાં યોગ્ય જોઈને વજ્રજંઘ તેમને પરણાવવા તૈયાર
થયો. પોતાની લક્ષ્મી રાણીની કૂખે જન્મેલી શશિચૂલા નામની પુત્રી અને બીજી બત્રીસ
કન્યાઓ લવણકુમારને આપવાનું વિચાર્યું અને અંકુશકુમારનાં લગ્ન પણ સાથે જ કરવાનું
વિચાર્યું. તેણે મનમાં વિચાર્યું કે પૃથ્વીનગરના રાજા પૃથુની રાણી અમૃતવતીની પુત્રી
કનકમાળા ચંદ્રમાના કિરણ જેવી નિર્મળ મારી પુત્રી શશિચૂલા સમાન છે. આમ વિચારી
તેની પાસે દૂત મોકલ્યો. દૂત વિચક્ષણ હતો. દૂતે રાજા પૃથુ સાથે પ્રથમ સામાન્ય વાતો કરી
ને રાજાએ તેનું ખૂબ સન્માન કર્યું, પણ જેવી તેણે કન્યાની માગણીની વાત કરી કે તે
ગુસ્સે થયો અને કહ્યું કે તું પરાધીન છે, બીજાનું કહેલું કહે છે, દૂત જળની ધારા જેવા
હોય છે, જે દિશામાં ચલાવે તે દિશામાં ચાલે. તમારામાં તેજ કે બુદ્ધિ હોતા નથી. તેં આવાં
પાપનાં વચન કહ્યાં તેને શિક્ષા કરું? પણ તું પરનો પ્રેર્યો યંત્રસમાન છે તેથી તને હણવો
યોગ્ય નથી. હે દૂત! કુળ, શીલ, ધન, રૂપ, સમાનતા, બળ, વય, દેશ અને વિદ્યા નવ ગુણ
વરનાં કહ્યાં છે. તેમાં કુળ મુખ્ય છે તો જેનું કુળ જ ન જાણતા હોઈએ તેને કન્યા કેવી
રીતે અપાય? માટે આવી નિર્લજ્જ વાત કહે છે તે રાજા નીતિથી પ્રતિકૂળ છે તેથી કુમારી
તો ન આપું, પણ કુ એટલે ખરાબ અને મારી એટલે કે મૃત્યુ તે આપીશ. આ પ્રમાણે
કહી દૂતને વિદાય કર્યો. દૂતે આવીને વજ્રજંઘને વિગતવાર હકીકત કહી. તેથી વજ્રજંઘ
પોતે જ ચડીને અડધે રસ્તે આવી મુકામ કર્યો અને મોટા માણસોને મોકલી ફરીથી
કન્યાની માગણી કરી. તેણે ન આપી તેથી રાજા વજ્રજંઘ પૃથુના દેશને રંજાડવા લાગ્યો.
દેશનો રક્ષક રાજા વ્યાઘ્રરથ હતો તેને યુદ્ધમાં જીતી બાંધી લીધો. જ્યારે રાજા પૃથુએ
સાંભળ્‌યું કે રાજા વજ્રજંઘે વ્યાઘ્રરથને બંધનમાં મૂક્યો છે અને મારો દેશ રંજાડે છે ત્યારે
રાજા પૃથુએ પોતાના પરમમિત્ર પોદનાપુરના ધણી પરમસેનાને બોલાવ્યો, ત્યારે વજ્રજંઘે
પુંડરિકપુરથી પોતાના પુત્રોને બોલાવ્યા.