Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 563 of 660
PDF/HTML Page 584 of 681

 

background image
પદ્મપુરાણ એકસોએકમું પર્વ પ૬૩
પિતાની આજ્ઞા થતાં પુત્ર શીઘ્ર જવા નીકળ્‌યા. નગરમાં રાજપુત્રોની કૂચનાં નગારાં વાગ્યાં.
સામંતો બખ્તર પહેરી આયુધ સજી યુદ્ધ માટે ચાલવા તૈયાર થયા. નગરનો કોલાહલ અને
સામંતોનો અવાજ સાંભળી લવણ અને અંકુશે પાસેના માણસને પૂછયું કે આ કોલાહલ
શેનો છે? કોઈએ કહ્યું કે અંકુશકુમારને પરણાવવા માટે રાજા વજ્રજંઘે પૃથુની પુત્રીની
માગણી કરી હતી, તે તેણે ન આપી. તેથી રાજા યુદ્ધ માટે ચડયા અને હવે પોતાના
પુત્રોને પોતાની મદદમાં બોલાવ્યા છે તેથી આ સેનાના નીકળવાનો કોલાહલ છે. આ
સમાચાર સાંભળી બન્ને ભાઈ યુદ્ધ માટે જવા શીઘ્ર તૈયાર થયા. કુમાર આજ્ઞાભંગ સહી
શકતા નથી. રાજ વજ્રજંઘના પુત્રોએ તેમને મના કરી અને આખા રાજ્યપરિવારે મના
કરી પણ તેમણે માન્યું નહિ. સીતાનું મન પુત્રોના સ્નેહથી દ્રવ્યું અને પુત્રોને કહ્યું કે તમે
બાળક છો, તમારે હજી યુદ્ધ કરવાનો સમય નથી. ત્યારે કુમારે કહ્યું કે હે માતા! તેં આ શું
કહ્યું? મોટો થયો હોય અને કાયર હોય તો શું? આ પૃથ્વી યોદ્ધાઓએ ભોગવવા યોગ્ય
છે. અગ્નિનો કણ નાનો જ હોય છે છતાં મોટા વનને ભસ્મ કરી નાખે છે. કુમારોની વાત
સાંભળી માતા તેમને સુભટ જાણી આંખોમાંથી હર્ષ અને શોકના અશ્રુપાત કરવા લાગી.
બન્ને વીરોએ સ્નાન - ભોજન કરી આભૂષણ પહેર્યાં, મનવચનકાયાથી સિદ્ધોને નમસ્કાર
કર્યા, પછી માતાને પ્રણામ કરી સમસ્ત વિધિમાં પ્રવીણ ઘરમાંથી બહાર આવ્યા ત્યારે શુભ
શુકન થયાં. બન્ને રથમાં બેસી સર્વ શસ્ત્રો સહિત શીઘ્રગામી તુરંગ જોડી પૃથુપુર ચાલ્યા.
મોટી સેના સાથે પાંચ દિવસમાં વજ્રજંઘ પાસે પહોંચી ગયા. રાજા પૃથુ શત્રુની મોટી
સેનાને આવેલી જોઈ પોતે પણ નગરમાંથી બહાર નીકળ્‌યો. તેના ભાઈ, મિત્ર, પુત્ર તેમ
જ અંગ, બંગ, મગધાદિ અનેક દેશોના મોટા મોટા રાજાઓ સહિત વજ્રજંઘ પર ચડયો.
બન્ને સેના પાસે આવી. એટલે બન્ને ભાઈ લવણાંકુશે અતિ ઉત્સાહથી શત્રુની સેનામાં
પ્રવેશ કર્યો. બન્ને યોદ્ધા અત્યંત કૂપિત થઈ પરસેનારૂપ સમુદ્રમાં ક્રીડા કરતા બધી તરફ
શત્રુસેનાનો સંહાર કરવા લાગ્યા. જેમ વીજળીનો ચમકારો જે તરફ થાય તે દિશા ચમકી
ઊઠે તેમ ચારે દિશામાં માર માર કરતા ઘૂમવા લાગ્યા. શત્રુઓ તેમનું પરાક્રમ સહી શક્યા
નહિ. તે ધનુષ્ય પકડતા, બાણ ચલાવતાં નજરે પડતા નહિ અને બાણોથી હણાયેલા અનેક
નજરે પડતા. નાના પ્રકારનાં ક્રૂર બાણોથી વાહન સહિત, પરસેનાના ઘોડા પડયા. પૃથ્વી
દુર્ગમ્ય થઈ ગઈ, એક નિમિષમાં પૃથુની જેમ સિંહનાં ત્રાસથી મદોન્મત્ત હાથી ભાગે તેમ
ભાગી. એક ક્ષણમાં પૃથુની સેનારૂપ નદી લવણાંકુશરૂપ સૂર્યનાં બાણરૂપ કિરણોથી શોષાઈ
ગઈ. કેટલાક મર્યા, કેટલાક ભયથી ભાગ્યા, આંકડાનાં ફૂલ જેમ ઉડતા ફરે તેમ. રાજા પૃથુ
સહાય રહિત ખિન્ન થઈ ભાગવાની તૈયારી
કરવા લાગ્યો. ત્યારે બેય ભાઈઓએ કહ્યું, હે
પૃથુ! અમે તો અજ્ઞાત કુળશીલ છીએ, અમારું કુળ કોઈ જાણતું નથી, તેમનાથી ભાગતાં
તને લજ્જા નથી આવતી? તું ઊભો રહે. તને અમે અમારાં કુળશીલ બાણોથી બતાવીએ.
ભાગતો પૃથુ પાછો ફરી હાથ જોડી, નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગ્યો કે તમે
મહાધીરવીર છો, મારો અજ્ઞાનજનિત દોષ માફ કરો. મેં મૂર્ખાએ અત્યાર સુધી