વિદ્યાધરો આવે, બધાના દેખતા સીતા શપથ લઈને શુદ્ધ થઈ મારા ઘરમાં પ્રવેશ કરે. જેમ
શચિ ઇન્દ્રના ઘરમાં પ્રવેશ કરે. ત્યારે બધાએ કહ્યું કે આપ જેમ આજ્ઞા કરશો તે પ્રમાણે
જ થશે. પછી બધા દેશના રાજાઓને બોલાવવામાં આવ્યા. તે બાળ, વૃદ્ધ, સ્ત્રી, પરિવાર
સહિત અયોધ્યા નગરમાં આવ્યા. જેણે સૂર્યને પણ જોયો નહોતો, ઘરમાં જ રહેતી એવી
સ્ત્રીઓ પણ આવી. બીજા લોકોની તો શી વાત? અનેક પ્રસંગોના જાણનાર વૃદ્ધો દેશમાં
જે અગ્રણી હતા તે બધા દેશમાંથી આવ્યા. કોઈ ઘોડા પર બેસીને, કોઈ રથમાં બેસીને,
કોઈ પાલખી કે અનેક પ્રકારનાં વાહનો દ્વારા આવ્યા. વિદ્યાધરો આકાશમાર્ગે વિમાનમાં
બેસીને આવ્યા અને ભૂમિગોચરી જમીનમાર્ગે આવ્યા જાણે કે જગત જંગમ થઈ ગયું.
રામની આજ્ઞાથી જે અધિકારી હતા તેમણે નગરની બહાર લોકોને રહેવા માટે તંબુ ઊભા
કરાવ્યા અને અનેક વિશાળ મહેલો બનાવ્યા. તેના મજબૂત થાંભલા ઉપર ઊંચા મંડપો,
વિશાળ ઝરુખા, સુંદર જાળીઓ ગોઠવી, જેમાં સ્ત્રીઓ અને પુરુષો ભેગા થયા. પુરુષો
યોગ્ય સ્થાને બેઠા, સૌને સીતાના શપથ લેતી વખતનું દ્રશ્ય જોવાની અભિલાષા હતી.
જેટલા માણસો આવ્યા તે બધાની સર્વ પ્રકારની મહેમાનગતિ રાજ્યના અધિકારીઓએ
કરી. બધાને શય્યા, આસન, ભોજન, તાંબુલ, વસ્ત્ર, સુગંધ, માળાદિક બધી સામગ્રી
રાજદ્વારેથી પહોંચી, બધાની સ્થિરતા કરવામાં આવી. રામની આજ્ઞાથી ભામંડળ,
વિભીષણ, સુગ્રીવ, હનુમાન, વિરાધિત, રત્નજટી એ મોટા મોટા રાજાઓ આકાશમાર્ગે
ક્ષણમાત્રમાં પુંડરિકપુર ગયા. તે બધી સેનાને નગરની બહાર રાખી પોતે જ્યાં જાનકીને
રાખી હતી ત્યાં આવ્યા, જય જય શબ્દ બોલીને પુષ્પાંજલિ ચડાવીને ચરણોમાં પ્રણામ કરી
અતિવિનયપૂર્વક આંગણામાં બેઠા. ત્યારે સીતા આંસુ સારતી પોતાની નિંદા કરવા લાગી-
દુર્જનોનાં વચનરૂપ દાવાનળથી મારાં અંગ ભસ્મ થઈ ગયાં છે તે ક્ષીરસાગરના
જળસીંચનથી પણ શીતળ થાય તેમ નથી. ત્યારે તેમણે કહ્યું કે હે દેવી! ભગવતી! હવે
આપ શોક તજો. આપના મનમાં સમાધાન કરો. આ પૃથ્વી પર એવો કોણ મનુષ્ય છે જે
આપનો અપવાદ કરે એવું કોણ છે જે પૃથ્વીને પણ ચલિત કરે? અને અગ્નિની શિખાને
પીવે તથા સુમેરુને ઊંચકવાનો ઉદ્યમ કરે, જીભથી સૂર્યચંદ્રને ચાટે? એવો કોઈ નથી.
આપના ગુણરૂપ રત્નોના પર્વતને કોઈ ચલાવી શકે નહિ. જે તમારા જેવી મહાસતીઓની
નિંદા કરે તેની જીભના હજાર ટુકડા કેમ ન થઈ જાય? જે કોઈ ભરતક્ષેત્રમાં અપવાદ
કરશે તે દુષ્ટોનો અમે સેવકો મોકલી નાશ કરીશું. જે વિનયી તમારા ગુણ ગાવામાં
અનુરાગી છે તેમનાં ઘરોમાં રત્નવૃષ્ટિ કરીશું. આ પુષ્પક વિમાન શ્રી રામચંદ્રે મોકલ્યું છે.
તેમાં આનંદપૂર્વક બેસી અયોધ્યા તરફ ગમન કરો. જેમ ચંદ્રકળા વિના આકાશ ન શોભે,
દીપક વિના ઘર ન શોભે, શાખા વિના વૃક્ષ ન શોભે તેમ આખો દેશ, નગર અને શ્રી
રામનું ઘર તમારા વિના શોભતું નથી. હે રાજા જનકની પુત્રી! આજે રામનું મુખચંદ્ર
જુઓ. હે પતિવ્રતે! તમારે પતિનું વચન અવશ્ય માનવું. જ્યારે તેમણે આમ કહ્યું ત્યારે
સીતા મુખ્ય સહેલીઓને લઈ પુષ્પક વિમાનમાં આરૂઢ થઈ. શીઘ્ર સંધ્યાના સમયે આવી.
સૂર્યાસ્ત થઈ ગયો