વખતે જે વન મનોહર લાગ્યું હતું તે હવે રામ વિના રમણીય ન લાગ્યું.
અંધકાર દૂર થયો. ત્યારે સીતા ઉત્તમ સ્ત્રીઓ સાથે હાથણી પર બેસી રામ પાસે ચાલી,
જેની પ્રભા મનની ઉદાસીનતાથી હણાઈ ગઈ છે તો પણ ભદ્ર પરિણામ રાખનારી અત્યંત
શોભતી હતી. જેમ ચંદ્રમાની કળા તારાઓથી મંડિત શોભે છે તેમ સખીઓથી વીંટળાયેલી
સીતા શોભે છે. આખી સભાએ વિનય સહિત સીતાને જોઈ વંદન કર્યા. એ પાપરહિત,
ધૈર્ય રાખનારી રામની પતિવ્રતા સભામાં આવી. રામ સમુદ્ર સમાન ક્ષોભ પામ્યા. સીતાના
જવાથી લોકો વિષાદથી ઘેરાયેલા હતા અને કુમારોના પ્રતાપ જોઈ આશ્ચર્યથી ભરાઈ ગયા.
સીતાના આવવાથી હર્ષભર્યા આવા શબ્દો બોલ્યા-હે માતા! સદા જયવંત હો, આનંદ
પામો, વૃદ્ધિ પામો, ફૂલોફળો. ધન્ય છે આ રૂપને, ધન્ય આ ધૈર્યને, ધન્ય આ સત્યને,
ધન્ય આ પ્રકાશ, ધન્ય આ ભાવુકતા, ધન્ય આ ગંભીરતા, ધન્ય આ નિર્મળતા. આવાં
વચન સમસ્ત સ્ત્રીપુરુષના સમુદાયમાંથી આવ્યાં. આકાશમાં વિદ્યાધરો, ભૂમિગોચરીઓ
અત્યંત કૌતુકપૂર્ણ, પલકરહિત સીતાનાં દર્શન કરવા લાગ્યા. પરસ્પર બોલતા હતા કે
પૃથ્વીના પુણ્યના ઉદયથી જનકસુતા પાછી આવી. કેટલાક ત્યાં શ્રી રામ તરફ જુએ છે
જેમ દેવો ઇન્દ્ર તરફ જુએ, રામની પાસે બેઠેલા લવણ અને અંકુશને જોઈ પરસ્પર કહે
છે-આ કુમાર રામ જેવા જ છે. કોઈ લક્ષ્મણ તરફ જુએ છે, જે શત્રુઓના પક્ષનો ક્ષય
કરવાને સમર્થ છે. કોઈ ભામંડળ તરફ, કોઈ શત્રુધ્ન તરફ, કોઈ હનુમાન તરફ, કોઈ
વિભીષણ તરફ, કોઈ વિરાધિત તરફ, કોઈ સુગ્રીવ તરફ નીરખે છે અને કોઈ આશ્ચર્ય
પામી સીતા તરફ જુએ છે.
રાજાઓએ પ્રણામ કર્યા. સીતા ઉતાવળથી પાસે આવવા લાગી ત્યારે રામ જોકે ક્ષોભ
પામ્યા છે તો પણ ક્રોધથી મનમાં વિચારવા લાગ્યા કે આને વનમાં મૂકી હતી તે મારા
મનને હરનારી ફરી આવી. જુઓ, આ મહાધીઠ છે, મેં તજી તો પણ મારા પ્રત્યે અનુરાગ
છોડતી નથી? રામની આવી ચેષ્ટા જોઈને મહાસતી ચિત્તમાં ઉદાસ થઈ વિચારવા લાગી-
મારા વિયોગનો અંત આવ્યો નથી, મારું મનરૂપ જહાજ વિરહરૂપ સમુદ્રના તીરે આવી
તૂટી જવાનું હોય તેમ લાગે છે. આવી ચિંતાથી વ્યાકુળ થઈ પગના અંગૂઠાથી જમીન
ખોતરવા લાગી. બળદેવની પાસે ભામંડળની બહેન ઇન્દ્ર આગળ સંપદા જેવી શોભે છે.
ત્યારે રામે કહ્યું-હે સીતે! મારી પાસે કેમ ઊભી છે? તું દૂર જા, હું તને જોવાનો અનુરાગ
રાખતો નથી, મારી આંખ મધ્યાહ્નના સૂર્યને અને આશીવિષ સર્પને જોઈ શકે, પરંતુ
તારા શરીરને જોઈ શકતી નથી. તું ઘણા મહિના રાવણના ઘરમાં રહી,