તેના પગમાં પડયો અને પદ્મરુચિની સ્તુતિ કરી, જેમ શિષ્ય ગુરુની કરે, તેણે કહ્યું-હું
મહાઅવિવેકી પશુ મૃત્યુના કષ્ટથી દુઃખી હતો અને તમે મારા સાચા મિત્ર ણમોકારમંત્રના
દાતા સમાધિમરણનું કારણ થયા. તમે દયાળુ પરભવના સુધારનાર મને મહામંત્ર આપ્યો
તેથી હું રાજકુમાર થયો. જેવો ઉપકાર રાજા, દેવ, માતા, સહોદર, મિત્ર કે કુટુંબ કોઈ ન
કરે તેવો તમે કર્યો. તમે મને ણમોકાર મંત્ર આપ્યો અને તેના જેવો પદાર્થ ત્રણ લોકમાં
નથી, તેનો બદલો હું શું આપું. તમારાથી ઋણમુક્ત તો નહિ થઈ શકું તો પણ તમારા
પ્રત્યે મને ખૂબ ભક્તિ ઉત્પન્ન થઈ છે. તમે જે આજ્ઞા આપો તે પ્રમાણે હું કરું. હેં
પુરુષોત્તમ! તમે આજ્ઞા આપી મને ભક્ત બનાવો, આ આખું રાજ્ય લ્યો, હું તમારો દાસ,
આ મારું શરીર તેની પાસે જે ઈચ્છા હોય તે સેવા કરાવો; આ પ્રમાણે વૃષભધ્વજે કહ્યું.
તેથી પદ્મરુચિ અને આની વચ્ચે ખૂબ પ્રીતિ વધી. બન્ને સમ્યગ્દ્રષ્ટિ રાજમાં શ્રાવકનાં વ્રત
પાળતાં, ઠેકાણે ઠેકાણે ભગવાનનાં મોટાં મોટાં ચૈત્યાલય બનાવરાવ્યાં, તેમાં જિનબિંબ
પધરાવ્યા. આ પૃથ્વી તેનાથી શોભાયમાન થઈ. પછી સમાધિમરણ કરી વૃષભધ્વજ
પુણ્યકર્મના પ્રસાદથી બીજા સ્વર્ગમાં દેવ થયો. દેવાંગનાઓના નયનકમળને પ્રફુલ્લિત
કરનાર સૂર્યસમાન થયો ત્યાં મનવાંછિત ક્રિડા કરી. પદ્મરુચિ શેઠ પણ સમાધિમરણ કરી
બીજા જ સ્વર્ગમાં દેવ થયાં, ત્યાં બન્ને પરમ મિત્ર થયા. ત્યાંથી ચ્યવીને પદ્મરુચિનો જીવ
પશ્ચિમ વિદેહમાં વિજ્યાર્ધગિરિ પર નંદ્યાવર્તનગરના રાજા નંદીશ્વરની રાણી કનકપ્રભાનો
નયનાનંદ નામનો પુત્ર થયો. તેણે વિદ્યાધરોના ચક્રીપદની સંપદા ભોગવી. પછી
મહામુનિની અવસ્થા ધારણ કરી વિષમ તપ કર્યું. સમાધિમરણ કરી ચોથા સ્વર્ગમાં દેવ
થયા. ત્યાં પુણ્યરૂપ વેલના સુખરૂપ મનોજ્ઞ ફળ ભોગવ્યાં. ત્યાંથી ચ્યવી સુમેરુ પર્વતની
પૂર્વ દિશાના વિદેહમાં ક્ષેમપુરી નગરીના રાજા વિપુલવાહનની રાણી પદ્માવતીના શ્રીચંદ્ર
નામના પુત્ર થયા. ત્યાં સ્વર્ગ સમાન સુખ ભોગવ્યાં. તેમના પુણ્યના પ્રભાવથી
દિનપ્રતિદિન રાજ્યની વૃદ્ધિ થઈ, અખૂટ ભંડાર થયો. સમુદ્રાંત પૃથ્વી એક ગામની પેઠે વશ
કરી તેમની સ્ત્રી ઇન્દ્રાણી સમાન હતી તેથી ઇન્દ્ર જેવા સુખ ભોગવ્યાં. હજારો વર્ષ
સુખપૂર્વક રાજ્ય કર્યું. એક દિવસ મહાસંઘ સહિત ત્રણ ગુપ્તિના ધારક સમાધિગુપ્તિ
યોગીશ્વર નગરની બહાર આવી બિરાજ્યા. તેમનું ઉદ્યાનમાં આગમન જાણી નગરના લોકો
વંદન માટે ચાલ્યા. તેઓ સ્તુતિ ગાતાં, વાજિંત્રો વગાડતાં હર્ષથી જાય છે ત્યારે શ્રીચંદ્રે
પાસેના લોકોને પૂછયું કે આ આનંદનો અવાજ સમુદ્રગર્જન જેવો સંભળાય છે તેનું કારણ
શું છે? મંત્રીઓએ સેવકોને મોકલીને નક્કી કર્યું કે મુનિ આવ્યા છે તેમના દર્શન કરવા
લોકો જાય છે. આ સમાચાર સાંભળી રાજા હર્ષથી ખીલી ઊઠયા. તેના શરીરમાં રોમાંચ
થઈ ગયો. રાજા સમસ્ત લોક અને પરિવાર સહિત મુનિનાં દર્શને ગયા. પ્રસન્નમુખ
મુનિરાજને જોઈ રાજા પ્રણામ કરી વિનયપૂર્વક જમીન પર બેઠો. ભવ્યજીવરૂપ કમળને
પ્રફુલ્લિત કરનાર સૂર્યસમાન ઋષિનાથના દર્શનથી રાજાને અતિ ધર્મસ્નેહ ઉપજ્યો. તે મહા
તપોધન ધર્મશાસ્ત્રના વેત્તા પરમગંભીર લોકોને તત્ત્વજ્ઞાનનો