Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 598 of 660
PDF/HTML Page 619 of 681

 

background image
પ૯૮ એકસો છમું પર્વ પદ્મપુરાણ
ઉપદેશ આપવા લાગ્યા. યતિનો ધર્મ અને શ્રાવકનો ધર્મ સંસાર સમુદ્રને તારનાર અનેક
ભેદસહિત વર્ણવ્યો. પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગનું સ્વરૂપ કહ્યું.
પ્રથમાનુયોગ એટલે ઉત્તમ પુરુષોનું ચરિત્રકથન, કરણાનુયોગ એટલે ત્રણ લોકનું કથન
અને ચરણાનુયોગ એટલે મુનિ શ્રાવકનો ધર્મ અને દ્રવ્યાનુયોગ એટલે છ દ્રવ્ય, સાત
તત્ત્વ, નવ પદાર્થ, પંચાસ્તિકાયનો નિર્ણય. વકતાઓમાં શ્રેષ્ઠ મુનિરાજે આક્ષેપિણી એટલે
જિનમાર્ગનો ઉદ્યોત કરનારી, ક્ષેપિણી એટલે મિથ્યાત્વનું ખંડન કરનારી, સંવેગિની એટલે
ધર્માનુરાગિણી, નિર્વેદિની એટલે વૈરાગ્ય ઉપજાવનાર આ ચાર પ્રકારની કથા કહી. આ
સંસારસાગરમાં કર્મના યોગથી ભટકતા આ પ્રાણી અતિકષ્ટથી મોક્ષમાર્ગ પામે છે.
સંસારના ઠાઠ વિનાશીક છે. જેમ સંધ્યા સમયના રંગ અને પાણીના પરપોટા, પાણીના
ફીણ, પાણીના તરંગ, વીજળીના ચમકારા તથા ઇન્દ્રધનુષ ક્ષણભંગુર છે, અસાર છે; એવું
જગતનું ચરિત્ર ક્ષણભંગુર, જાણવું, એમાં સાર નથી. નરક તિર્યંચ ગતિ તો દુઃખરૂપ જ છે
અને દેવ મનુષ્યગતિમાં આ પ્રાણી સુખ માને છે તે સુખ નથી, દુઃખ જ છે. જેનાથી તૃપ્તિ
નથી તે જ દુઃખ, જે મહેન્દ્ર સ્વર્ગના ભોગોથી તૃપ્ત ન થયો તે મનુષ્યભવના તુચ્છ
ભોગોથી કેવી રીતે તૃપ્ત થાય? આ મનુષ્યભવ ભોગયોગ્ય નથી, વૈરાગ્યયોગ્ય છે. કોઈ
એક પ્રકારે દુર્લભ મનુષ્યભવ મેળવ્યો જેમ દરિદ્રી નિધાન પામે તે વિષયરસનો લોભી થઈ
વૃથા ખોયો, મોહ પામ્યો. જેમ સૂકા બળતણથી અગ્નિની કેવી રીતે તૃપ્તિ થાય અને
નદીઓના જળથી સમુદ્રને કેવી રીતે તૃપ્તિ થાય? તેમ વિષયસુખથી જીવોને તૃપ્તિ થાય
નહિ. ચતુર હોય પણ વિષયરૂપ મદથી મોહિત થઈ મદ પામે છે. જેનું મન અજ્ઞાનરૂપ
તિમિરથી મંદ થયું છે તે જળમાં ડૂબતાં ખેદખિન્ન થાય તેમ ખેદખિન્ન છે. પરંતુ અવિવેકી
તો વિષયને જ ભલા જાણે છે. સૂર્ય તો દિવસે જ તાપ ઉપજાવે છે અને કામ રાતદિવસ
આતાપ ઉપજાવે છે. સૂર્યનો આતાપ નિવારવાના અનેક ઉપાય છે, કામને નિવારવાનો
ઉપાય એક વિવેક જ છે. જન્મજરામરણનું દુઃખ સંસારમાં ભયંકર છે. જેનું ચિંતવન
કરતાંય કષ્ટ ઉપજે છે. કર્મજનિત જગતનો ઠાઠ રહેંટના ઘડા સમાન છે. ખાલી ભરાય છે,
ભરેલો ખાલી થાય છે. નીચેનો ઉપર અને ઉપરનો નીચે આવે છે. આ શરીર દુર્ગંધ છે,
યંત્ર સમાન ચલાવવાથી ચાલે છે, વિનાશીક છે, મોહકર્મના યોગથી જીવનો સ્નેહ કાયા
સાથે છે, જળના પરપોટા સમાન મનુષ્ય ભવના ઉપજેલા સુખને અસાર જાણી ઊંચા
કુળમાં ઉપજેલા પુરુષ વિરક્ત થઈ જિનરાજનો કહેલ માર્ગ અંગીકાર કરે છે. ઉત્સાહરૂપ
બખ્તર પહેરી, નિશ્ચયરૂપ અશ્વ પર બેસી ધ્યાનરૂપ ખડ્ગના ધારક ધીર, કર્મરૂપ શત્રુનો
વિનાશ કરી નિર્વાણરૂપ નગર લે છે. આ શરીર ભિન્ન અને હું ભિન્ન એવું ચિંતવન કરી
શરીરનો સ્નેહ તજી હે મનુષ્યો! ધર્મ કરો, ધર્મ સમાન બીજું કાંઈ નથી. ધર્મોમાં મુનિનો
ધર્મ શ્રેષ્ઠ છે જે મહામુનિઓને સુખદુઃખ સમાન, પોતાનું અને પારકું સમાન, જે
રાગદ્વેષરહિત મહાપુરુષ છે તે પરમ ઉત્કૃષ્ટ શુક્લધ્યાનરૂપ અગ્નિથી દુઃખરૂપ દુષ્ટોથી ભરેલ
કર્મરૂપ વનને ભસ્મ કરે છે.