Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 42 of 660
PDF/HTML Page 63 of 681

 

background image
૪૨ પાંચમું પર્વ પદ્મપુરાણ
ગણધરદેવે સહસ્ત્રનયન અને મેઘવાહનને કહ્યું કે તમે પોતાના પિતાનું આ
પ્રકારનું ચરિત્ર જાણીને, સંસારનું વેર છોડી સમતાભાવ ધારણ કરો. ત્યારે સગર
ચક્રવર્તીએ ગણધરદેવને પૂછયું કે હે મહારાજ! મેઘવાહન અને સહસ્ત્રનયનને વેર કેમ
થયું? તે વખતે ભગવાનની દિવ્ય ધ્વનિમાં એમ આવ્યું કે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં પદ્મક
નામનું નગર છે ત્યાં આરંભ નામનો અંક ગણિતશાસ્ત્રનો પાઠી મહાધનવાન રહેતો હતો.
તેને બે શિષ્ય હતા. એક ચન્દ્ર, બીજો આવલી. આ બન્ને વચ્ચે મૈત્રી હતી. બન્ને
ધનવાન, ગુણવાન, વિખ્યાત હતા. એમના ગુરુ આરંભે કે જે અનેક નીતિઓમાં અતિ
વિચક્ષણ હતા તેમણે મનમાં વિચાર્યું કે કદાચ આ બન્ને મારું પદ લઈ લેશે. આમ જાણીને
એ બન્નેનાં ચિત્ત જુદાં કરી નાખ્યાં. એક દિવસ ચન્દ્ર ગાય વેચવા માટે ગોપાળને ઘેર
ગયો, તે ગાય વેચીને ઘેર આવતો હતો અને આવલીને તે જ ગાય ગોવાળિયા પાસેથી
ખરીદીને લાવતો જોયો. આથી ચન્દ્રે આવલીને માર્ગમાં મારી નાખ્યો. તે મ્લેચ્છ થયો અને
ચન્દ્ર મરીને બળદ થયો. તે મ્લેચ્છે બળદને મારીને ખાધો. મ્લેચ્છ નરક, તિર્યંચ યોનિમાં
ભ્રમણ કરીને ઉંદર થયો ને ચન્દ્રનો જીવ બિલાડી થયો. બિલાડી ઉંદરને ખાઈ ગઈ. આમ,
બન્ને પાપકર્મના યોગથી અનેક યોનિઓમાં ભ્રમણ કરીને કાશીમાં સંભ્રમદેવની દાસીના
પુત્ર બેય ભાઈ થયા. એકનું નામ કૂટ અને બીજાનું નામ કાર્પાટિક. આ બન્નેને સંભ્રમદેવે
ચૈત્યાલયની ટહેલ કરવા મોકલ્યા. તે મરીને પુણ્યના યોગથી રૂપાનંદ અને સ્વરૂપાનંદ
નામના વ્યંતરદેવ થયા. રૂપાનંદ ચન્દ્રનો જીવ હતો અને સ્વરૂપાનંદ આવલીનો જીવ હતો.
પછી રૂપાનંદ ચ્યવીને કંલૂબીનો પુત્ર કુલંધર થયો અને સ્વરૂપાનંદ પુરોહિતનો પુત્ર
પુષ્પભૂત થયો. આ બન્ને પરસ્પરના મિત્ર એક સ્ત્રીને માટે વેરી બન્યા. કુલંધર
પુષ્પભૂતને મારવા દોડયો. ત્યાં એક વૃક્ષની નીચે સાધુ વિરાજતા હતા. તેમની પાસેથી
ધર્મનું શ્રવણ કરી કુલંધર શાંત થયો. રાજાએ એને સામંત જાણીને ખૂબ ઊંચે ચડાવ્યો.
પૂષ્પભૂત કુલંધરને જૈનધર્મના પ્રસાદથી સંપત્તિવાન થયેલો જોઈને જૈની થયો અને વ્રત
ધારણ કરી ત્રીજા સ્વર્ગમાં ગયો. કુલંધર પણ મરીને ત્રીજા સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાંથી
ચ્યવીને બન્ને ધાતકી ખંડના વિદેહક્ષેત્રમાં અરિજય પિતા અને જયાવતી માતાના પુત્ર
થયા. એકનું નામ અમરશ્રુત, બીજાનું નામ ધનશ્રુત. આ બન્ને ભાઈ મહાન યોદ્ધા હતા.
તે હજાર સેનાના નાયક જગપ્રસિદ્ધ થયા. એક દિવસ રાજા હજાર સૂંઢોવાળા હાથીને
પકડવા વનમાં ગયો. આ બન્ને ભાઈ પણ સાથે ગયા. વનમાં ભગવાન કેવળી બિરાજતા
હતા. તેમના પ્રતાપથી સિંહ, હરણાદિ જાતિવિરોધી જીવોને એક જગ્યાએ બેઠેલા જોઈને
રાજા આશ્ચર્ય પામ્યો. આગળ વધીને કેવળીના દર્શન કર્યા. રાજા તો મુનિ થઈ નિર્વાણ
પામ્યા અને આ બન્ને ભાઈ મુનિ થઈ અગિયારમાં સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવીને
ચન્દ્રનો જીવ અમરશ્રુત તો મેઘવાહન થયો અને આવલીનો જીવ ધનશ્રુત સહસ્ત્રનયન
થયો. આ બન્નેના વેરનું વૃત્તાન્ત છે. હવે સગર ચક્રવર્તીએ ભગવાનને પૂછયું કે હે પ્રભો!
સહસ્ત્રનયનથી મારું જે અતિહિત થયું તો એમાં શું કારણ છે? ત્યારે ભગવાને કહ્યું કે
આરંભ નામનો ગણિતશાસ્ત્રનો પાઠી મુનિને આહારદાન દઈને