લીધું. ચક્રવર્તી છ ખંડ પૃથ્વીનું રાજ કરતા હતા અને ચક્રવર્તીનો સાળો સહસ્ત્રનયન
વિદ્યાધરની બન્ને શ્રેણીનું રાજ્ય કરતો હતો. પૂર્ણધનનો પુત્ર મેઘવાહન ભયથી ભાગ્યો.
સહસ્ત્રનયનના યોદ્ધા મારવા માટે પાછળ દોડયા એટલે મેઘવાહન સમોસરણમાં શ્રી
અજિતનાથને શરણે આવ્યો. ઇન્દ્રે ભયનું કારણ પૂછયું, ત્યારે મેઘવાહને કહ્યું કે મારા
પિતાએ સુલોચનને માર્યો હતો અને સુલોચનના પુત્ર સહસ્ત્રનયને ચક્રવર્તીનો સાથ લઈ
મારા પિતાને માર્યા અને અમારાં સગાઓનો નાશ કર્યો અને મને મારવાનો પ્રયત્ન કરે
છે તેથી હું ઘેરથી હંસોની સાથે ઊડીને શ્રી ભગવાનના શરણમાં આવ્યો છું. આમ કહીને
મનુષ્યોના કોઠામાં બેઠો. સહસ્ત્રનયનના યોદ્ધા તેને મારવા માટે આવ્યા હતા તે એને
સમોસરણમાં આવેલો જાણીને પાછા ગયા અને સહસ્ત્રનયનને બધી હકીકત જણાવી.
એટલે એ પણ સમોસરણમાં આવ્યો. ભગવાનના ચરણારવિંદના પ્રસાદથી બન્ને નિર્વૈર
થઈને બેઠા. તે વખતે ગણધરે ભગવાનને એના પિતાનું ચરિત્ર જણાવવા પૂછયું. ભગવાને
કહ્યું કે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સદ્ગતિ નામનું નગર છે. ત્યાં ભાવન નામનો એક
વેપારી રહેતો હતો. તેને આતકી નામની સ્ત્રી અને હરિદાસ નામનો પુત્ર હતો. તે ભાવન
ચાર કરોડ દ્રવ્યનો સ્વામી હતો તોપણ લોભથી વ્યાપારના હેતુએ પરદેશમાં ગયો. તેણે
જતી વખતે પુત્રને બધું ધન આપ્યું અને જુગાર વગેરે વ્યસન ન સેવવાની શિખામણ
આપી. તેણે કહ્યું કે “હૈ, પુત્ર આ દ્યૂતાદિ કુવ્યસન બધા દોષનું કારણ છે, એનો સર્વથા
ત્યાગ કરવો,” એ પ્રકારની શિખામણ આપીને પોતે ધનતૃષ્ણાને કારણે જહાજ દ્વારા બીજા
દ્વીપમાં ગયો. પિતાના ગયા પછી પુત્રે બધું ધન વેશ્યા, જુગાર, મદ્યપાન ઈત્યાદિ
કુવ્યસનમાં ગુમાવી દીધું. જ્યારે બધું ધન ખલાસ થઈ ગયું અને પોતે જુગારીનો દેણદાર
થઈ ગયો ત્યારે તે દ્રવ્ય મેળવવા સુરંગ બનાવીને રાજાના મહેલમાં ચોરી કરવા ગયો. હવે
તે રાજાના મહેલમાંથી દ્રવ્ય લાવતો અને કુવ્યસન સેવતો. કેટલાક દિવસો પછી ભાવન
પરદેશથી પાછો આવ્યો અને ઘરમાં પુત્રને ન જોયો. તેણે પોતાની સ્ત્રીને પૂછયું એટલે
સ્ત્રીએ જવાબ આપ્યો કે આ સુરંગમાં થઈને રાજાના મહેલમાં ચોરી કરવા ગયો છે.
આથી પિતાને પુત્રના મરણની આશંકા થવાથી તેને લાવવા માટે સુરંગમાં પેઠો. હવે આનું
જવું અને પુત્રનું સામેથી આવવું. એને જોઈને પુત્રે જાણ્યું કે આ કોઈ વેરી આવે છે
એટલે તેણે વેરી જાણીને તેને ખડ્ગથી મારી નાખ્યો. પછી અડકતાં ખબર પડી કે આ તો
મારા પિતા છે એટલે ખૂબ દુઃખી થઈને ડરીને ભાગ્યો અને અનેક દેશોમાં ભ્રમણ કરતો
મરણ પામ્યો. તે પિતા-પુત્ર બન્ને કૂતરા થયા, પછી બિલાડા, પછી શિયાળ, પછી રીંછ,
પછી નોળિયા, પછી પાડા, પછી બળદ થયા. આટલા જન્મોમાં પરસ્પર ઘાત કરીને મર્યા.
પછી વિદેહક્ષેત્રમાં પુષ્કલવતી દેશમાં મનુષ્ય થયા. ત્યાંથી ઉગ્ર તપ કરીને અગિયારમાં
સ્વર્ગમાં ઉત્તર અનુત્તર નામના દેવ થયા. ત્યાંથી આવીને જે ભાવન નામનો પિતા હતો
તે પૂર્ણમેઘ વિદ્યાધર થયો અને હરિદાસ નામનો પુત્ર હતો તે સુલોચન નામનો વિદ્યાધર
થયો. આ વેરથી જ પૂર્ણધને સુલોચનને માર્યો.